રાજયવ્યાપી શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે મુખ્યમંત્રી જસદણ તાલુકાના જીવાપર ગામની મુલાકાતે: ભવિષ્યની પેઢીને સામર્થ્યવાન બનાવવા શિક્ષણ ક્ષેત્રમાં ‚રૂ. રપ હજાર કરોડની ફાળવણીની મુખ્યમંત્રીની જાહેરાત
રાજયવ્યાપી શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના જીવાપર ગામે ઉપસ્થિત રહ્યા હતા, અને ગામના ૧૬ બાળકોને ધો-૧માં શાળા પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત ગ્રામજનો તથા વાલીઓને સંબોધતા મુખ્યમંત્રીએ એવો આશાવાદ રજૂ કર્યો હતો કે શિક્ષણના માધ્યમ થકી જ સમગ્ર સમાજનો ઉધ્ધાર થઇ શકશે. શાળા કે કોલેજમાં અભ્યાસ કરતા પ્રત્યેક બાળકના વાલીઓને હૃદયસ્પર્શી અનુરોધ કરતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇએ તેમના બાળકોના અભ્યાસમાં સક્રિય રસ જેવા જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ સદ્રષ્ટાંત બાળકના જીવનમાં માતાનું મહત્વ પ્રસ્થાપિત કર્યુ હતું અને દીકરીઓને ઘરકામના બોજાવિહીન અભ્યાસલક્ષી વાતાવરણ પૂરૂ પાડવા ટકોર કરી હતી.
પોતાના ભૂતકાળનાં સંસ્મરણો વાગોળતા મુખ્યમંત્રી ભાવુક બન્યા હતા, અને અત્યારના સમયમાં બાળકોને મળતી શિક્ષણ તરફી પ્રોત્સાહક સુવિધાઓનો લાભ લઇ ઉચ્ચ વિકાસ હાંસલ કરવા તેમણે બાળકોને શીખ આપી હતી. ચાલુ વર્ષના બજેટમાં શિક્ષણ ક્ષેત્ર પાછળ ‚ા. રપ હજાર કરોડની ફાળવણી થયાની જાહેરાત કરતાં આ રકમથી ભવિષ્યની પેઢી સામર્થ્યવાન બનશે, એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યકત કર્યો હતો.
વિશ્વામિત્ર અને રામ-લક્ષ્મણ, સાંદીપની અને કૃષ્ણ, સ્વામી રામદાસ અને શિવાજી, રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદ વગેરેની પ્રખ્યાત ગુરુ-શિષ્યની જોડીને ટાંકીને શ્રી રૂપાણીએ તેમના ઇતિહાસ જ્ઞાનની પ્રતિતી કરાવી હતી તથા આ જોડીમાંથી પ્રેરણા લઇ શિક્ષણક્ષેત્ર વધુ મૂલ્યવાન તથા ગુણવત્તાયુકત બનાવવા પર ભાર મુકયો હતો.
ખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજયના ખેડૂતો માટે રાજય સરકારે લીધેલા તમામ પગલાઓની રજે-રજ માહિતી તેમના વકતવ્યમાં વણી લીધી હતી તથા તથા ખેડૂતોને નવી ટેકનોલોજીનો લાભ લેવા સમજાવ્યા હતા. લોકબોલીમાં પાણીનું મહત્વ સમજાવતા મુખ્યમંત્રી બોલ્યા હતા કે ધોરિયો નહીં, માત્ર ટીપાં એટલેકે સિંચાઇના પાળાને બદલે ટપક સીંચાઇ પદ્ધતિ અપનાવો જેનાથી પાણી બચે, નિંદામણ ન થાય, દવા-ખાતર ઓછા વપરાય તથા વધારાની ઊપજ થાય. જસદણ તાલુકાની જનતાની લાગણીનો પ્રતિધોષ પાઠવતા મુખ્યમંત્રી વિજયભાઇએ કર્ણુકી ડેમને પણ નર્મદાના પાણીથી ભરવાની હૈયાધારણા જસદણ તાલુકાના નાગરિકોને પાઠવી હતી. જસદણ તાલુકાના નાગરિકોની આવાગમનની સુવિધા માટે માર્ગને સ્ટેટ હાઇવે તરીકેની મંજૂરી મુખ્યમંત્રીએ આપી હતી. જેનાથી આસપાસના ૧ લાખ નાગરિકોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા સરળતાથી અને ઝડપી રીતે ઉપલબ્ધ થશે.