અંબાજીથી ૨૫ કિલોમીટર દુર ભુકંપનું હતું એપી સેન્ટર
ઉતર ગુજરાતમાં ૪.૩ રીકટર સ્કેલનો ભુકંપ નોંધાયો હતો જે અંબાજીથી ૨૫ કિલોમીટર દુર તેનું એપી સેન્ટર હોવાનું સામે આવ્યું હતું. ૪.૩ની તીવ્રતાનાં ભુકંપથી ૧૦ સેક્ધડ સુધી ધરા ધ્રુજી ઉઠી હતી અને ધરતીએ ફરીથી ૨૬મી જાન્યુઆરીની યાદ તાજી કરાવી હતી. માનવામાં આવે છે કે, અંબાજીથી અમદાવાદ સુધીનો વિસ્તાર પૂર્ણત: ધ્રુજી ઉઠયો હતો. બનાસકાંઠા જિલ્લા સહિત ઉતર ગુજરાતનાં અનેક વિસ્તારોમાં ૧૦ સેક્ધડ સુધી આવેલા ભુકંપનાં આંચકાનાં કારણે લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.
ગભરાયેલા લોકો ઘરની બહાર પણ દોડી આવ્યા હતા. સમગ્ર બનાસકાંઠાને પ્રભાવિત કરનાર ૪.૩ની તિવ્રતાનાં ભુકંપનું એપી સેન્ટર અંબાજીથી ૨૫ કિલોમીટર દુર ભાયલા ગામે જમીનની અંદર ૩.૧ કિલોમીટર અંદર હોવાનું જાણવામાં આવ્યું હતું. બુધવારની રાત્રે ૧૦:૩૦ કલાકે આવેલા ૪.૩ની તીવ્રતાનાં ભુકંપથી બનાસકાંઠાનાં પાલનપુર, દાતા, અંબાજી, અમીરગઢ, માઉન્ટ આબુ, ડિસા, અરવલ્લી, હિંમતનગર, મોડાસા, બાયડ, ખેડબ્રહ્મા, વિજયનગર, ઈડર, વડાલી, શામળાજી સહિતનાં વિસ્તારોમાં ભુકંપનાં આંચકાથી લોકો ઘરની બહાર નિકળી ગયા હતા. આ ભુકંપનાં આંચકાની અસર અમદાવાદ, ગાંધીનગરમાં પણ જોવા મળી રહી હતી. જયારે લોકો ૧૦:૩૦ વાગ્યે સુવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે ધરતીકંપનો અનુભવ થતાં લોકોમાં ભયનો માહોલ પ્રસર્યો હતો પરંતુ ભુકંપનાં આંચકાથી જાનહાની જોવા મળી ન હતી.