ભાર વગરનું ભણતર ?
પાઠય પુસ્તકનાં ભાવ વધતાં વાલીઓની ચિંતામાં વધારો: અમુક પુસ્તકો હાલનાં તબકકે બજારમાં પણ ઉપલબ્ધ નથી
રાજયમાં ૧૦મી જુનથી નવું શૈક્ષણિક સત્ર પ્રારંભ થવા જઈ રહ્યું છે ત્યારે ફરી એકવાર પુસ્તકોની કિંમતમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. આમાં ભાર વગરનું ભણતર સુત્ર કઈ રીતે સાર્થક થાય. આ વર્ષથી પાઠયપુસ્તકોનાં ભાવ ડબલ થયા છે તેને લઈને વાલીઓની ચિંતામાં વધારો થયો છે. ગુજરાત રાજય પાઠયપુસ્તક મંડળનું ધો.૧ થી ૧૨નાં નવા પુસ્તકોનાં ભાવોનું સરેરાશ ૭૦ ટકા જેટલો વધારો થયો છે. તેમાં પણ ખાસ ધો.૧૦ અને ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનાં પુસ્તકોની કિંમતોમાં ધરખમ વધારો થયો છે. આ વર્ષે એનસીઈઆરટીનાં અભ્યાસક્રમનો અમલ કરવામાં આવ્યો હોવાથી પુસ્તકોનાં ભાષાંતરનાં ખર્ચને લઈને કિંમતોમાં વધારો થયો છે. એકબાજુ શાળાની ફિ અને બીજીબાજુ પુસ્તકોની કિંમતમાં ધરખમ વધારો થતાં વાલીઓની મુશ્કેલીમાં વધારો થયો છે.
રાજયનાં શિક્ષણ વિભાગ દ્વારા નવા શૈક્ષણિક સત્રથી એનસીઈઆરટીનાં પુસ્તકો અમલમાં મુકવાનો નિર્ણય લીધો હતો. જેનાં પગલે રાજય પાઠયપુસ્તક મંડળ દ્વારા ડિસેમ્બર મહિનાથી નવા પુસ્તકો તૈયાર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જેમાં અંગ્રેજી માધ્યમનાં પુસ્તકો તૈયાર લેવાયા જયારે ગુજરાતી માધ્યમોનાં પુસ્તકો માટે ભાષાંતર કરાયું છે.
મળતી માહિતી મુજબ ધો.૧૦નાં ગુજરાતી માધ્યમનાં વિજ્ઞાન પ્રવાહનું પુસ્તક રૂ.૯૧નાં બદલે રૂ.૧૪૯ અને ગણિતનું પુસ્તક ૮૯ને બદલે રૂ.૧૨૬નાં ભાવે મળી રહ્યું છે.
જયારે અંગ્રેજી માધ્યમમાં જુનો ભાવ રૂ.૧૮૦ હતો જે વધીને રૂ.૩૦૫ થયો છે. જયારે સામાન્ય પ્રવાહમાં એકાઉન્ટની ટેકસબુક ૫૩ રૂપિયા હતા તે વધીને રૂ.૧૪૩ થઈ છે અને પ્રેકટીસ ટેકસબુકનો ભાવ પણ ૭૬ રૂપિયાથી વધીને ૧૫૩ રૂપિયા થયો છે.