સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, સુરક્ષા સેતુ સોસાયટી અને ઈન્ડીયન મેડિકલ એસો.ના સંયુકત
ઉપક્રમે વિદ્યાર્થીઓને વ્યસનના ભરડામાંથી મૂકત કરવા ‘હોપ’ કાર્યક્રમ યોજાયો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, સુરક્ષા સેતુ તથા ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનના સંયુકત ઉપક્રમે યુવા પેઢીના હિતમાં હોપ અંતર્ગત રાજકોટ શહેર અને જિલ્લાની કોલેજો ના વિદ્યાર્થીઓને વ્યસનના ભરડામાંથી મુકત કરવા માટે નો ટોબેકો ડે ના દિવસે “વ્યસન મૂકિત કાર્યક્રમ” અંગેની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, સુરક્ષા સેતુ તથા ઈન્ડિયન મેડીકલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે “નો ટોબેકો ડે” ના દિવસે હોપનાં માધ્યમથી રાજકોટ શહેર અને જિલ્લામાં “વ્યસન મુક્તિ” ની એક મોટી ઝુંબેશ ચલાવવા તથા યુવાનો-વિદ્યાર્થીઓને વ્યસનના ભરડામાંથી મૂક્ત કરવા એક મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતું.
આ કાર્યક્રમ અંતર્ગત રાજકોટ શહેર અને જિલ્લામાં આવેલ તમામ કોલેજોમાં વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય સુખમય રહે અને આજની યુવા પેઢી વ્યસનના ભરડામાંથી મૂક્ત થાય એવા શુભ આશયથી સમગ્ર વર્ષ દરમિયાન વ્યસન મુક્તિની થીમ પર દર મહિને જુદા જુદા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે.
કાર્યક્રમના પ્રારંભે હોપનાં કોઓર્ડીનેટર, સિન્ડિકેટ સભ્ય તથા સાયન્સ ફેકલ્ટીના ડીન ડો. મેહુલભાઈ રુપાણીએ આ વ્યસન મુક્તિ ડ્રાઇવ અંતર્ગત સમગ્ર વર્ષ દરમિયાન કોલેજોમાં કરવામાં આવનાર કાર્યક્રમોની વિસ્તૃત માહિતી આપેલ હતી.
આ કાર્યક્રમ અંતર્ગત દરેક કોલેજમાં પાંચ લોકોની ટીમ બનાવવામાં આવેલ છે જેમાં કોલેજોના ટ્રસ્ટીશ્રી, આચાર્યશ્રી, યુનિવર્સિટીના સેનેટ સભ્યશ્રી, પી.એસ.આઈ. / એ.એસ.આઈ. તથા એક ડોકટર એમ પાંચ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પાંચ લોકોની ટીમ દરેક કોલેજમાં સમગ્ર વર્ષ દરમિયાન વ્યસન મુક્તિ અંતર્ગત કાર્યક્રમોનું સંકલન કરશે.
જોઈન્ટ પોલીસ કમિશ્નર ખત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આજના યુવાનો પોતાના સ્વાસ્થ્ય માટે બેદરકાર હોય છે અને ઝડપથી વ્યસનના ભરડામાં સપડાઈને કેન્સર જેવા ભયંકર રોગને ભેટી અને મૃત્યુ પામે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આ પહેલ ખૂબ આવકારવા જેવી છે અને આ માટે હું ટીમના સૌ સભ્યશ્રીઓને અભિનંદન પાઠવું છું.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણીએ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને સંબોધતા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ૧ મેના રોજ ગુજરાત સ્થાપના દિવસે નુતન પાંચ પ્રકલ્પો કાર્યન્વિત કરવા માટે જાહેરાત કરેલ હતી. આ પ્રકલ્પો માંનો એક પ્રકલ્પ એટલે “વ્યસન મુક્તિ”. ભારત એ યુવાનોનો દેશ છે અને આજનો યુવાન ભવિષ્યના ભારતનું નિર્માણ કરવાના છે ત્યારે યુવાનોમાં વધતી જતી વ્યસનની આદત ચિંતાજનક બાબત છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શિક્ષણની સાથે સાથે દેશના યુવાનોના સ્વાસ્થ્યની ચિંતા કરે છે અને આ કાર્યક્રમ થકી યુવાનો-વિદ્યાર્થીઓને આ કુટેવમાંથી મૂક્ત કટિબદ્ધ છે.
રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે આ પ્રસંગે જણાવ્યું હતું કે આપણે આ ધરતીના રખેવાળ છીએ અને આવનાર ભાવી પેઢીને આપણે આ ધરતી સ્વચ્છ – વ્યસન મુક્ત – હરીયાળીવાળી સુપ્રત કરવાની છે ત્યારે યુવાનોમાં વધતી જતી વ્યસનની લતને નાબુદ કરવી અને સ્વસ્થ સમાજનું નિર્માણ કરવાની આપણા સૌની નૈતિક જવાબદારી છે. હોપ અંતર્ગત આયોજીત આ વ્યસન મુક્તિ કાર્યક્રમના માધ્યમથી યુવાનોને વ્યસન મુક્ત કરવાનો સંકલ્પ સમગ્ર ભારતમાં પ્રથમવાર આ ત્રણેય સંસ્થાઓના સહિયારા પ્રયત્નોથી સફળ થશે તેવી મને શ્રધ્ધા છે.
કાર્યક્રમના અધ્યક્ષ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી એ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હરહંમેશ યુવાનો અને વિદ્યાર્થીઓની સતત ચિંતા કરતી રહે છે અને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણની સાથે સાથે વિવિધ યુવાનોને ઉપયોગી કાર્યક્રમોનું આયોજન પણ કરે છે.
કુલપતિએ આ કાર્યક્રમમાં જાહેરાત કરતાં જણાવ્યું હતું કે આ વ્યસનમુક્તિ ડ્રાઈવ માત્ર રાજકોટ શહેર અને જીલ્લા પુરતી મર્યાદિત ન રહેતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સુરક્ષા સેતુ સોસાયટી ના સંયુક્ત પ્રયાસથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન તમામ પાંચ જિલ્લાઓમાં કાર્યાન્વિત કરવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પ્રતિબદ્ધ છે અને વ્યસનમુક્તિની આ પહેલ માટે હોપના કો-ઓર્ડીનેટર ડો. મેહુલભાઈ રૂપાણીને કુલપતિશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા.