૧૧ જુન સુધીમાં તમામ ૧૮ વોર્ડમાં સફાઈ અભિયાન આટોપી લેવાશે
મહાપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૦ માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આગામી સોમવારથી વન-ડે થ્રી વોર્ડ સફાઈ અભિયાન શરૂ કરવામાં આવશે. ૧૧મી જુન સુધીમાં તમામ ૧૮ વોર્ડમાં સફાઈ અભિયાનની કામગીરી આટોપી લેવાશે.
આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, આગામી ૩ જુનથી વન-ડે થ્રી વોર્ડ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. જેમાં ૩ જુને ઈસ્ટ ઝોનનાં વોર્ડ નં.૪, વેસ્ટ ઝોનમાં વોર્ડ નં.૧ અને સેન્ટ્રલ ઝોનમાં વોર્ડ નં.૨માં, ૪ જુનનાં રોજ વોર્ડ નં.૫,૮ અને ૩માં, ૫ જુને વોર્ડ નં.૬, ૯ અને ૭માં, ૭ જુને વોર્ડ નં.૧૫, ૧૦ અને ૧૩માં, ૧૦ જુને વોર્ડ નં.૧૬, ૧૧ અને ૧૪માં જયારે ૧૧ જુને વોર્ડ નં.૧૮, ૧૨ અને ૧૭માં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.
જેમાં સવારે ૮:૦૦ વાગ્યાથી લઈ રાત્રીનાં ૧૦ વાગ્યા સુધી કામગીરી કરવામાં આવશે. ખુલ્લા પ્લોટમાં એકત્રિત થયેલા કચરાનો નિકાલ કરાશે. ન્યુસન્સ પોઈન્ટપરનો કચરો પણ ઉપાડી લેવામાં આવશે. વોર્ડ વિસ્તારમાં આવેલા ન્યુસન્સ પોઈન્ટનું વિગતવાર લીસ્ટ તૈયાર કરી સેનેટરી ઈન્સ્પેકટરે બનાવવાનું રહેશે. પ્રિ-મોનસુન કામગીરી સબબ જે-તે વોર્ડમાં સમાવિષ્ટ વોંકળાની પણ સફાઈ હાથ ધરવામાં આવશે.