નર્મદા પાર્કમાં રોયલ એપાર્ટમેન્ટને નોટિસ: લીમડા ચોકમાં એવર સાઈન હોટલ પણ ફાયર સેફ્ટીના સાધનો વિહોણી
સુરત શહેરમાં બનેલો ધટનાને સંદર્ભે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોમર્શિયલ બિલ્ડિંગ, હાઈરાઈઝ બિલ્ડિંગ અને રહેણાંક વિસ્તારોમાં મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીની સુચના હેઠળ ચેકિંગ ડ્રાઈવ યથાવત ચાલુ રાખવામાં આવી હતી. આજે શહેરના વેસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોનના વિસ્તારોમાં ફાયર સેફટીની ચકાસણી કરવામાં આવી હતી.
વેસ્ટ ઝોનમાં અને સેન્ટ્રલ ઝોનમાં આવેલ એપાર્ટમેન્ટ અને હોટલમાં ફાયર સેફ્ટીના સાધનો છે કે નહિ, જ્યાં સાધનો હતાં તો વર્કિંગ ક્ધડીશનમાં હતા કે નહિ, તેની ચકાસણી કરવામાં આવી હતી. અને જ્યાં ફાયર સેફ્ટીના સાધનાનો ન હતા ત્યાં સુચના અને નોટીસ આપવામાં આવી હતી. રહેણાંક હેતુ કરવામાં આવેલ કોમર્શિયલ બિલ્ડિંગ અને હાઈરાઈઝ બિલ્ડિંગમાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી.
વેસ્ટ ઝોનમાં આવેલ રોયલ એપાર્ટમેન્ટ (નર્મદા પાર્ક), ડ્રીમ હિલ એ (અમીન માર્ગ) અને ડ્રીમ હિલ બી (અમીન માર્ગ) ચકાસણી કરતા ફાયર સેફ્ટીને લગતા જરૂરી સાધનો ન હોવાથી ત્યાના જવાબદાર વ્યક્તિને સુચના આપી સાધનો વસાવી લેવા કહેવામાં આવ્યું હતું, જયારે રોયલ એપાર્ટમેન્ટ (નર્મદા પાર્ક)ને નોટીસ પણ અપાઈ છે. કિંગ્સ ફ્લેટ્સ એ (અમીન માર્ગ), કિંગ્સ ફ્લેટ્સ બી (અમીન માર્ગ), પીરામીડ એ (અમીન માર્ગ) અને પીરામીડ બી (અમીન માર્ગ) માં ચકાસણી કરતા ત્યાં ફાયર સેફ્ટીના જરૂરી સાધનો મળી આવ્યા હતા.
સેન્ટ્રલ ઝોનમાં આવેલ લીમડા ચોક ખાતે ચકાસણી કરતા એવર સાઈન હોટલમાં ફાયર સિસ્ટમ ન હોવાથી ત્યાં ફાયર સિસ્ટમ વસાવવા સુચના આપવામાં આવી હતી. તેમજ સરોવર હોટલ, હોટલ કમ્ફર્ટઇન, ધ એવર ગ્રાન્ડ પેલેસ,એવર લેન્ડ હોટલ, જયસન હોટલ અને સિલ્વર સેન્ડ હોટલ માં ચકાસણી કરતા તમામ સ્થળો પર ફાયર સેફ્ટીના જરૂરી સાધનો વસાવેલ હોવાનું જણાયું હતું.