ફાયર સેફટીનાં નિયમો અંગે શાળા સંચાલકોને માહિતગાર કરાશે: ૩ અથવા ૪ જુને મેયર પણ ટયુશન કલાસીસ અને શાળાઓ સાથે બેઠક કરશે
સુરતમાં તક્ષશીલા કોમ્પ્લેક્ષમાં ભયાનક આગમાં ૨૨ નિર્દોષ બાળકો ભડથુ થઈ ગયાની ઘટના બાદ રાજયભરમાં ફાયર સેફટી અંગે સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. શહેરમાં પણ અનેક ટયુશન કલાસીસ અને શાળાઓને સીલ કરી દેવામાં આવી છે. દરમિયાન ખાનગી શાળાનાં સંચાલકોને ફાયર સેફટીનાં નિયમો અંગે પુરી રીતે વાકેફ કરવા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની દ્વારા આવતીકાલે સવારે ૧૧:૦૦ કલાકે બેઠક બોલાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
ફાયર સેફટીનાં ચેકિંગ દરમિયાન અનેક શાળાઓમાં ફાયર સેફટીનાં સાધનો ન મળતા સીલ કરી દેવામાં આવ્યા છે. જેનાં કારણે શાળા સંચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નિયમોની પુરી જાણકારી ન હોવાનાં કારણે સેફટીનાં સાધનો રાખ્યા ન હોવાનો ગણગણાટ પણ શરૂ થયો છે.
ત્યારે મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની દ્વારા કાલે સવારે ૧૧:૦૦ કલાકે ખાનગી શાળાનાં સંચાલકો સાથે બેઠક બોલાવવામાં આવી છે. ફાયર સેફટીનાં નવી ગાઈડલાઈનની જાણકારી આપવા અને નિયમોની માહિતી આપવા માટે મેયર બીનાબેન આચાર્ય પણ આગામી ૩ અથવા ૪ જુનનાં ખાનગી શાળાનાં સંચાલકો તથા ટયુશન કલાસીસનાં સંચાલકો સાથે બેઠક યોજશે.