એએસપીના અધ્યક્ષસ્થાને યોજાયો લોકદરબાર: રખડતા ઢોર, દબાણો, બંધ પડેલા સીસીટીવી અંગે ધારદાર રજુઆતો
માંગરોળમાં એએસપીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા લોક દરબારમાં કાયદો અને વ્યવસ્થા ઉપરાંત નગરપાલિકા, વનવિભાગ તેમજ રેવન્યુ સહિત ઢગલાબંધ પ્રશ્નો રજૂ થયા હતા. જે અંગે સબંધિત જે તે વિભાગ સાથે સંકલન સાધી શકય એટલી સમસ્યાઓના ઉકેલની પોલીસે ખાતરી આપી હતી.
એએસપી રવિ તેજા વાસમશેટ્ટી સમક્ષ આગેવાનોએ ટ્રાફિક, ધૂમ સ્પીડે હંકારાતી બાઈક, શહેરમાં ગાંધીચોક પોલીસચોકીનું બિલ્ડીંગ બનાવવા, બંધ પડેલા સીસીટીવી કેમેરા ઉપરાંત રાતોરાત ખડકાઈ જતા દબાણો, રખડતા ઢોરનો દિન પ્રતિદિન વધી રહેલો ત્રાસ, પેશકદમી કે કોઈ અન્ય કારણોસર સો વર્ષ જુના વૃક્ષો સળગાવવાના કૃત્યો અંગે ધારદાર રજૂઆત કરવામાં આવી હતી. આડેધડ પાર્કિંગની સમસ્યા રાહદારીઓ અને વાહનચાલકો માટે માથાનો દુખાવો બની છે. તેને નિવારવા આગામી દિવસોમાં ન.પા. સાથે સંકલન રાખી ટ્રાફિકથી ધમધમતા રસ્તાની બંને સાઈડ પટ્ટા દોરી, તેની બહાર પાર્ક કરાયેલા વાહનોના ચાલકો સામે કડક કાર્યવાહીનો નિર્દેશ આપ્યા હતા.
આ ઉપરાંત જુદા જુદા વિસ્તારમાં દરરોજ જામતા આખલા યુધ્ધ અને તેનાથી લોકોને ભોગવવી પડતી હાલાકી દુર કરવા પણ રજૂઆત થઈ હતી. જે અંતર્ગત ન.પા. ઉ.પ્ર. યુસુફભાઈ પટેલે જણાવ્યું હતું કે અગાઉ રખડતા ઢોર પકડવા કાર્યવાહી કરી ખૂંટીયાઓને પકડવામાં આવ્યા હતા. પરંતુ શાપુર રોડ પર રાખવામાં આવેલા વંડામાંથી ચાલ્યા ગયા હતા અથવા તો કોઈ છોડાવી ગયું હતું. અહીં આવું ફરી ન થાય તે માટે એક પોલીસકર્મી મુકવા અધિકારીએ તૈયારી દર્શાવી હતી.
વધુમાં અતિશય સાંકડો અને ટુંકો એવો ગાંધીચોકથી લીમડાચોક સુધીનો મુખ્ય બજારનો રસ્તો સવારે ૧૦ થી ૧ અને સાંજે ૪ થી ૮ કલાક સુધી નાના, મોટા તમામ વાહનો માટે નો એન્ટ્રી જાહેર કરવા, શહેરમાં જી.ડી.સી.આર. કાયદાથી નિયત કરાયૈલ પ્રક્રિયાથી વિરુદ્ધ કોઈ મંજૂરી લીધા વિના ખડકી દેવાયેલા રેસીડેન્સ, કોમર્શિયલ બાંધકામો, તેમાં પાર્કિંગ, ફાયર સેફટી સહિતની સુવિધાઓનો અભાવ, મંજૂરી વિનાના બાંધકામ અટકાવવા, ડિમોલિશન કરવા તેમજ અનિયમિતતા ધરાવતા શૈક્ષણિક સંકુલો, ટયુશન કલાસીસોની તપાસ કરી કાર્યવાહી હાથ ધરવા લેખિત માંગણી કરવામાં આવી છે