ભારતીય સ્વતંત્રતા આંદોલનના અગ્રીમ હરોળના લડવૈયા અને પ્રખર રાષ્ટ્રવાદી નેતા ક્રાંતિવીર વિનાયક દામોદર સાવરકરની ૧૩૭મી જન્મજયંતી નિમિતે ગુજરાત વિધાનસભા ખાતે પોડિયમમાં તેમના તૈલચિત્રને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
આ વેળાએ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજા, વિધાનસભાનાં દંડક પંકજભાઈ દેસાઈ, ભારતીય જનતા પક્ષનાં પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, નવનિયુકત ચાર ધારાસભ્ય સહિત અન્ય મહાનુભાવોએ પણ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
મુખ્યમંત્રી રૂપાણીએ વીર સાવરકરને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ મીડિયાને જણાવ્યું હતું કે, સાવરકરે દેશ માટે પોતાનું યોગદાન આપ્યું હતું અને એને યાદ કરીએ અને આવનારી પેઢી રાષ્ટ્રભાવના સુદ્રઢ કરવા તેમની પાસેથી પ્રેરણા લે એમના આશીર્વાદ આપણને સદાય મળતા રહે તેવી શુભેચ્છા તેમણે વ્યકત કરી હતી. વેળાએ ગુજરાત વિધાનસભા સચિવાલયનાં પણ સાવરકરના તૈલચિત્રને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.