સૌ.યુનિ.માં ત્રણ વર્ષ બાદ એકેડેમીક કાઉન્સીલની બેઠક મળી
આજે ૫૩૫ જેટલી પેન્ડીંગ દરખાસ્તોનો નિકાલ કરાયો: મોટાભાગની કોલેજોમાં અભ્યાસક્રમોમાં સુધારાને બહાલી આપવામાં આવી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આખરે ત્રણ વર્ષ બાદ આજે એકેડેમીક કાઉન્સીલની બેઠક મળી હતી. જેમાં અત્યાર સુધીની સૌથી વધારે ત્રણ વર્ષ સુધી એકઠી થયેલી ૫૩૫ દરખાસ્તોનો નિકાલ કરવામાં આવ્યો હતો. એકેડેમીક કાઉન્સીલની બેઠકમાં ૨૦૧૭-૧૮ અને ૨૦૧૮-૧૯માં કુલપતિએ એકેડેમીક કાઉન્સીલની બહાલીની અપેક્ષાએ મંજૂર કરેલી કોલેજોના જોડાણ મંજૂર કરવાની ૫૩૫ જેટલી દરખાસ્તો હતો. જો કે, બેઠક શરૂ થતાં જ સૌપ્રથમ નિર્ણય તાજેતરમાં સુરતમાં આગ લાગવાની ઘટનાને પગલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજોમાં ફાયર સેફટીના સાધનો લગાવવાનો આદેશ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ એકેડેમીક કાઉન્સીલની બેઠક સવારે ૧૧ વાગ્યે શ‚ થઈ હતી. તેમાં છેલ્લા ત્રણ વર્ષથી પેન્ડીંગ પડેલી દરખાસ્તોની ચર્ચા કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં રેકોર્ડબ્રેક દરખાસ્તો હોય કાઉન્સીલની બેઠક સાંજ સુધી ચાલી હતી. જેમાં સૌથી અગત્યની બાબત કોલેજોના ચાલુ જોડાણ રિન્યુ કરવાના તેમજ અભ્યાસક્રમો સુધારાને બહાલી આપવામાં આવી હતી.
આ ઉપરાંત સુરતમાં થયેલ તાજેતરમાં જ આગના બનાવને પગલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આજની એકેડેમીક કાઉન્સીલની બેઠકમાં તમામ કોલેજોમાં તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફાયર સેફટીના સાધનો લગાવવા માટે આદેશ કરવામાં આવ્યો છે અને જેની તમામ કોલેજોએ નોંધ લેવાની રહેશે તેવું જાણવા મળ્યું હતું.
આ ઉપરાંત રાજકોટની પંચશીલ બી.એડ કોલેજ છેલ્લા ઘણા સમયથી વિવાદમાં ચાલતી હોય તો હાલ પુરતું પંચશીલ કોલેજમાં બી.એડમાં એડમીશન ન લેવા વિદ્યાર્થીઓને ભલામણ કરાઈ છે. જો કે સમગ્ર મામલાની તપાસ થયે વધુ આગળ નિર્ણય લેવામાં આવશે તેવું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો.વિજય દેસાણીએ જણાવ્યું હતું.