મોદી પરિવાર દ્વારા ગૌમાતાને ૨૫૦૦૦ કિલો ઘાસ અર્પણ
જૈન સમાજમાં મહિલા અગ્રણી આજીવન શિક્ષક અને પ્રખર જીવદયા પ્રેમી પૂ. વસંતબેન એન.મોદી પ્રથમ પુણ્યતિથિ નિમિતે તેમનાં પરિવાર દવારા જીવદયા ગ્રુપ અને જંકશન પ્લોટ સ્થા. જૈન સંઘ તથા અન્ય શુભેચ્છકોનાં સંયુકત ઉપક્રમે કચ્છથી આવેલ ૨ હજારથી વધુ ગોમાતાઓ જે જામનગર રોડ ઉપર ખુલ્લા આકાશ નીચે અસહય ગરમીમાં આશરો લઈ રહી છે તે ગૌમાતાઓને ૨૦ હજાર કીલો તથા ૫ હજાર કિલો મોટા વડાળા ગૌશાળામાં અર્પણ કરી જીવદયાપ્રેમી વસંતબેન મોદીની પુણ્યતિથિ નિમિતે એક પ્રેરણારૂપ કાર્ય કર્યું.
કાર્યક્રમની શરૂઆતમાં હાલ સુરતમાં ૨૩ માસુમ ભુલકાઓ અગ્નિકાંડમાં જીવ ગુમાવ્યો તે તમામ નિર્દોષ બાળકોને શ્રધ્ધાંજલી આપવા સોએ ઉભા થઈ બે મીનીટ મોન પાળેલ. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલ મેયર બીનાબેન આચાર્યે જણાવેલ કે છેલ્લા ૪૦ વર્ષથી મોદી પરિવાર સાથે મારો કુટુંબીક નાતો છે અને અમે પૂ. વસંતબેન પાસે થી ઘણી પ્રેરણા મેળવી છે. આજે હું તેમને શ્રધ્ધાંજલી આપું છું. કામધેનું સેવા આયોગનાં ચેરમેન ડો. વલ્લભભાઈ કથીરીયા જણાવેલ કે ગોમાતાનું મનુષ્યનાં જીવન ઉપર ખૂબ જ મોટો ઉપકાર રહેલો છે. આવી ગૌમાતાઓ માટે હજુ આપણે સૌ સાથે મળીને ઘણું કાર્ય કરવાનું છે. સરકાર પણ તે માટે કટિબધ્ધ છે. મોદી પરિવારને ખૂબ જ નજીકથી જાણું છું.
પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ આજનાં દિવસે શ્રધ્ધાંજલી આપતાં જણાવેલ કે અમો કાયદો અને વ્યવસ્થાના કાર્યમાં ખૂબ જ વ્યસ્ત હોય ત્યારે આજનાં આ ઉમદા અને પ્રેરણારૂપી કાર્ય માટે અને ગોસેવાનાં કાર્યમાં મને નિમિત બનાવ્યા બદલ હું જીવદયા ગ્રુપ અને ઉપેનભાઈ મોદી પરિવારનો આભાર માનું છું અને જયારે પણ જરૂર હોય ત્યારે અમારા તરફથી તમને દરેક કાર્યમાં સહકાર મળશે. જીવદયા અને અબોલ જીવોની સેવા કરનાર મનુષ્યનું પણ ઈશ્વર ધ્યાન રાખે છે.
આ કાર્યક્રમમાં ડો. ગોવરીબેન ધ્રુવ અને ડો. અમિનેષભાઈ ધ્રુવએ પણ જીવદયા ગ્રુપને અભિનંદન આપ્યા હતા. જાણીતા કેળવણીકાર અને મોદી સ્કુલનાં સંચાલક ડો. રશ્મિકાંતભાઈ મોદી પણ ખાસ ઉપસ્થિત રહયા હતાં. ગોસેવા પ્રેમી વિક્રમસિંહ જાડેજા તથા એનીમલ હેલ્પલાઈનમાં મિતલભાઈ ખેતાણી, રાધેશ્યામ ગોશાળાનાં લાલજીભાઈ “દિકરાનું ઘર ઢોલરાનાં નલીનભાઈ તન્ના, રાજકોટ પાંજરાપોળનાં મુકેશભાઈ બાટવીયા, યોગેશભાઈ શાહ, અરૂણભાઈ દોશી, સંજયભાઈ મહેતા, બકુલભાઈ રૂપાણી ખાસ ઉપસ્થિત રહયા હતા.
મોદી પરિવારનાં રાજેનભાઈ મોદી વગેરે ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમનું સંચાલન વિવેકાનંદ યુથ કલબનાં અનુપમભાઈ દોશીએ કરેલ હતું અને આભારવિધિ જીવદયા ગ્રુપનાં ઉપેનભાઈ મોદીએ કરેલ હતી. જંકશન પ્લોટનાં ટ્રસ્ટીઓ વસંતભાઈ કામદાર, ભીખુભાઈ ભરવાડા, રાજુભાઈ મોદી, નીરવ સંઘવી, ઋષભ વખારીયા, ચીરાગ કોઠારી, દીપેન મહેતા , જયદીપ ભરવાડા, જૈન સોશ્યલ ગ્રુપનાં વેસ્ટનાં પૂર્વ પ્રમુખ હર્ષદ મહેતા, કિર્તીભાઈ પારેખ, નીતીનભાઈ કાગદી, ભરતભાઈ પારેખ વગેરે જહેમત ઉઠાવેલ હતી.
એક પણ ગાય અનાથ, ન રહે તે ગૌસેવા કામધેનું આયોગનું સ્વપ્ન: ડો.કથીરીયા
‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન કામધેનુ આયોગના ડો.વલ્લભભાઈ કથીરીયાએ જણાવ્યું હતું કે, ઉપેનભાઈ મોદી પરિવાર તથા સમગ્ર જીવદયા ગ્રુપ દ્વારા માનવતા ક્ષેત્ર ખૂબ જ સારું કાર્ય કરી રહ્યાં છે. ત્યારે આજે નિરાશ્રીત ગાયો માટે ઘાસચારાનું વિતરણ કરવામાં આવ્યું ત્યારે કામધેનુ આયોગ ઈલેકશન પહેલા બનાવેલું આયોગ છે. રાષ્ટ્રીય કક્ષાનું બોર્ડ છે. આપણે ગાયને માતા કહીએ છીએ પરંતુ આપણે હજુ ગાય સાચા અર્થમાં સમજી શકયા નથી ત્યારે ગાયને સામાજીક, વૈજ્ઞાનિક રીતે સમજીને તેની જે ઉપયોગીતા છે આજે કોઈપણ વ્યક્તિને પૂજવામાં આવે છે તો તેના ગુણો તેની કાર્ય ક્ષમતા તેની કાર્ય પ્રણાલીને કારણે તેવી જ રીતે ગાયને પૂજનીય શા માટે કહી શકાય. ગાયમાં એટલા ગુણો છે જે સમગ્ર વિશ્ર્વનું કલ્યાણ કરી શકે તેટલી ક્ષમતા, ગુણો છે.
ગાયના કણે કણ ખૂબ જ પવિત્ર, ઉપયોગી તેનું મહાત્મય છે. આજે કુપોષણ યુકત સમાજ છે તો ગાયનું દૂધ એ પોષણક્ષમ શ્રેષ્ઠ છે. ગાયનું દૂધ સાચા અર્થમાં આહાર છે તે ધ્યાનમાં રાખી કુપોષણ મુકત સમાજ બનાવવો પર્યાવરણની સમસ્યા છે ત્યારે ગાયનું ગૌમુત્ર, ગોબર, સાચા અર્થમાં ઉત્તમ સાધન છે. ઘણા બધા પાસાઓ એવા છે જેને ધ્યાનમાં લઈ ગાય માતાનું મહત્વ વિવિધ સમાજના લોકો સુધી પહોંચે સરકારની વિવિધ યોજનાઓ દ્વારા સ્કીમ દ્વારા પૈસા, પ્રોત્સાહન આપીને એક પણ ગાય રસ્તે રખડતી ન રહે, અનાથ ન રહે, ગાય બિમાર થઈને ભટકે નહીં તે દુ:ખી ન થાય તે રાષ્ટ્રીય ગૌસેવા કામધેનું આયોગનું સ્વપ્ન છે.
ગાયોને ઘાસ આપવાનો સંકલ્પ પુરો કર્યો: ઉપેનભાઈ મોદી
‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન ઉપેનભાઈ મોદીએ જણાવ્યું હતું કે, રાજકોટના જીવદયા ગ્રુપ દ્વારા મારા માતુશ્રી સ્વ.વસંતબેન મોદી જે જૈન સમાજના મહિલા અગ્રણી હતા. ત્યારે આજે તેમની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નીમીતે મારા મોદી પરિવાર વતી અને જીવદયા ગ્રુપ વતી તથા જૈન સંઘ તરફથી જીવદયાનું કાર્ય કરવાનો સંકલ્પ કર્યો અને રાજકોટમાં છેલ્લા ૧૦ માસથી કચ્છમાંથી આશરે અઢીથી ત્રણ હજાર નિરાશ્રીત ગાયો જામનગર રોડ પર ન્યારા ગામના પાટીયા પાસે આશરો લઈ રહી છે અને તેની ઘાસની જરૂરીયાત ૧૪૦૦ થી ૧૫૦૦ મણની છે. મારા માતુશ્રીની પ્રથમ પૂણ્યતિથિ નિમિત્તે બધા મિત્રોએ સંકલ્પ કર્યો અને જીવદયા ગ્રુપ અને મોદી પરિવાર દ્વારા ન્યારાના પાટીયા પાસે બે હજાર ગાયોને આશરે ૧૪૦૦ મણ જેટલું ઘાસ નાખીશું. અહીંયા ઘણા બધા લોકો ઉપસ્થિત રહ્યાં છે. તેમાં અઢી સો મણ મોટા વડાળા ગૌશાળા ખાતે ગાયો માટે ઘાસ મોકલેલ છે. આ તકે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, મેયર બીનાબેન આચાર્ય, કામધેનુ આયોગના ડો.વલ્લભભાઈ કથીરીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.