– જામનગર જિલ્લાનો રમઝાન નામનો શખ્સ આ જંગી ડ્રગ્સનો રીસીવર હોવાનું ખુલ્યું છે
– ડીઆરઆઈએ આરોપીની ધરપકડ કરી લીધી છે ભારતીય રીસીવર તેમજ અન્ય 6 પાકિસ્તાની શખ્સોને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા છે
ગત 21 મી મેંના કચ્છના જખૌ બંદર નજીક ભારતીય જળસીમામાંથી 1000 કરોડના ડ્રગ્સ સાથે પાકિસ્તાની બોટ અને 6 શખ્સો ઝડપાયા હતા.પાકિસ્તાનના કરાચીથી આવેલા ડ્રગ્સના મસમોટા જથ્થા અંગે તપાસના ધમધમાટ માટે ઝડપાયેલા 6 પાકિસ્તાનીઓ ભુજની કોર્ટમાં રજૂ કરાયા હતા. જેઓના બે દિવસના રિમાન્ડ મંજુર થયા હતા આજે રિમાન્ડ પૂર્ણ થતાં આરોપીઓને ફરી કોર્ટમાં રજૂ કરાયા હતા.
જેમાં કોર્ટે 6 પાકિસ્તાની શખ્શોને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવા આદેશ કર્યો છે.વિશેષમાં જો વાત કરીએ તો આ ડ્રગ્સનો મોટો જથ્થો ભારત તરફથી કોણ લેવા જવાનું હતું અને જથ્થો કોને સપ્લાય થવાનો હતો તે મુદ્દે રિમાન્ડ દરમિયાન પૂછપરછના આધારે ભારતીય રીસીવરનું નામ ખુલવા પામ્યું છે.જેની ધરપકડ કરી દેવાઈ છે.
જામનગર જિલ્લાના રમઝાન ગનીફ હાલાણી નામનો શખ્સ આ 1000 કરોડના ડ્રગ્સની ડિલિવરી લેવાનો હતો.ભારતમાં જે ડ્રગ્સ આવ્યું તે જથ્થો રમઝાન લેવા જવાનો હતો તેની ભૂમિકા રીસીવર અને કેરિયર તરીકેની બહાર આવી છે. રમઝાનને પણ જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલી દેવાયો છે.નોંધનીય છે કે,જખૌ બંદરેથી અલ મદીના નામની બોટમાંથી 217 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું બોટમાંથી 47 હજારની ચલણી નોટો અને એક સ્માર્ટફોન અને 5 મોબાઈલ ફોન મળી આવ્યા હતા.ભારતમાં ડ્રગ્સ ડિલિવરી કરવા પેટે પાકિસ્તાની 6 શખ્શોને 10-10 લાખ રૂપિયા મળવાના હતા.