મિશન જાગૃતમ્ દ્વારા સ્વાસ્થ્ય જાગૃતિનો નવતર પ્રયોગ
સ્વાસ્થ્ય એ પ્રાથમિકતાનો વિષય છે. સમાજમાં હવે ખૂબ ઝડપથી સ્વાસ્થ્ય જાગૃતિ આવતી જાય છે. બિમાર પડીને સારવાર કરાવવી તેનાં કરતાં સ્વસ્થ રહેવા માટે લોકો પ્રયત્નશીલ થયા છે. નાગરિકોની આ જાગૃતિને વેગ આપવા મિશન જાગૃતમ, સંસ્થા, કાર્યક્રમ અને પુસ્તક પ્રકાશન દ્વારા સ્વાસ્થ્ય જાગૃતિનું કાર્ય કરે છે. આવા જ એક કાર્યનાં ભાગરૂપે તાજેતરમાં તા.૧૯ને રવિવારની રાત્રે હેમુગઢવી હોલ ખાતે સાધના અને સ્વાસ્થ્ય એક સિકકાની બે બાજુ સેમીનાર તેમજ શરીર મન અને આત્માને ઉજાગર કરતી વિવિધ સાધના પઘ્ધતિઓ પુસ્તક વિમોચનનો સંયુકત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જેમાં રામકૃષ્ણ આશ્રમનાં અધ્યક્ષ પૂજય નિખિલેશ્ર્વરાનંદજીએ સાધના પર સુંદર ઉદાહરણો આપ્યા હતા.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યવાહ કિશોરભાઈ મુંગલપરા, રાષ્ટ્રીય કામધેનુ આયોગ – નવી દિલ્હીનાં અધ્યક્ષ ડો.વલ્લભભાઈ કથીરિયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન આપી સાધનાનું મહત્વ સમજાવ્યું હતું. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનાં પૂર્વ પ્રિન્સિપાલ અને સુપ્રિટેન્ડન્ટ તેમજ જાણીતા વકતા અને વૈદ્ય હિતેશભાઈ જાનીએ આયુર્વેદનાં દ્રષ્ટિકોણથી સાધનાની વિશિષ્ટ સમજ આપી હતી.
મિશન જાગૃતમ સંસ્થા અત્યાર સુધીમાં વૈકલ્પિક ચિકિત્સા પઘ્ધતિઓ, આયુર્વેદ, ભારતીય ગાય, પ્રાકૃતિક ચિકિત્સા પઘ્ધતિ જેવા વિવિધ નૈસર્ગિક વિષયો પર સફળતાપૂર્વક આ પ્રકારનાં કાર્યો કરી ચુકી છે. સંસ્થાના ફાઉન્ડર ડાયરેકટર અને સુજોક એકયુપંકચરનાં નિષ્ણાંત તપન પંડયા દ્વારા વિવિધ સંગઠનો, જ્ઞાતી મંડળો, સોસાયટીઓમાં આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવા માટે અપીલ કરવામાં આવે છે. વધુ વિગત માટે સંસ્થાનો તેના મોબાઈલ નં.૯૮૭૯૮ ૪૧૦૪૮ ઉપર સંપર્ક કરી શકાય છે.