નેટ પ્રેક્ટિસમાં ખલીલ અહેમદના બોલ પર પુલ શોટ રમતા જમણા હાથમાં પહોંચી ઈજા
વિશ્ર્વકપ ૨૦૧૯ને માત્ર હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યાં છે ત્યારે ન્યુઝીલેન્ડ સામે ભારત આજે વોર્મ અપ મેચ રમશે પરંતુ વિજય શંકર ઈજાગ્રસ્ત થતાં ભારતીય ટીમમાં ચિંતાનો માહોલ પણ ઉદ્ભવીત થયો છે. નેટ પ્રેક્ટિસ દરમિયાન ખલીલ અહેમદના બોલ પર પુલ શોટ રમતા જમણા હાથમાં ઈજા પહોંચી હતી.
ભારતીય સિલેકશન કમીટી દ્વારા વિજય શંકરની પસંદગી ભારતીય ટીમમાં ૪થા નંબરના ક્રમ પર બેટીંગ કરવા માટે કરી હતી ત્યારે વોર્મ અપ મેચ પૂર્વે જ ઈજાગ્રસ્ત થતા ટીમની ચિંતામાં થોડો વધારો થયો છે. રિપોર્ટ આવ્યા બાદ એ વાતની પુષ્ટી થશે કે શું વિજય શંકર ન્યુઝીલેન્ડ સામેનો વોર્મ અપ મેચ રમી શકશે કે કેમ ? ત્યારે હવે વર્લ્ડકપને ખૂબજ ઓછા દિવસો બાકી રહ્યાં છે ત્યારે આ ઈજા ટીમ ઈન્ડિયાને કેટલી ઈજા પહોંચાડશે તે તો આવનારો સમય જ જણાવશે પરંતુ નેટ પેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા વિજય શંકરની ડ્રેસીંગ રૂમમાં લઈ જવામાં આવ્યો હતો અને તેના રિપોર્ટના આધારે જ પુરવાર થશે કે વિજય શંકર વોર્મઅપ મેચ રમી શકવા સક્ષમ છે કે કેમ પરંતુ તે વાત નકકી છે કે, જો વિજય શંકર ઈજામાંથી બહાર નહીં આવે તો ટીમ ઈન્ડિયા માટે થોડી તકલીફ ઉદ્ભવીત થશે.
વોર્મઅપ મેચમાં પાક.ને હરાવતું અફઘાનિસ્તાન
અફઘાનિસ્તાને પાકિસ્તાનને વોર્મઅપ મેચમાં ૪૭.૫ ઓવરમાં ૨૬૨ રનના સ્કોરે ઓલઆઉટ કરી દીધું હતું. અફઘાનાનના બોલરે પાકિસ્તાનને ૫૦ ઓવર પહેલા જ ઓલઆઉટ કરી વર્લ્ડકપમાં ભાગ લેનારી અન્ય ટીમોને પોતાનાથી સાવચેત રહેવાની ચેતવણી આપી દીધી છે. અફઘાનિસ્તાનના લેગ સ્પીનર રશીદ ખાને વોર્મઅપ મેચ પહેલા જ તેની ટીમ વિશ્વકપમાં પોતાનું પ્રભાવશાળી પ્રદર્શન કરીને અન્ય ટીમોની ગણતરી બગાડી શકે છે તેવું પણ નિવેદન કર્યું હતું.
આ અગાઉ પાકિસ્તાનની ઈનીગ્સમાં મુખ્ય આકર્ષણ બાબર આઝમની સદી રહી હતી. તેને ૧૦૮ બોલમાં ૧૦ બાઉન્ડ્રી અને ૨ સિકસર વડે ૧૧૨ રન બનાવ્યા હતા. જયારે અફઘાનિસ્તાનની ટીમનો યુવા ખેલાડી હસમતુલ્લાહ શાહીદી ઝળકયો હતો. જેને નાબાદ ૭૪ રન કરી પાકિસ્તાનને માત આપી હતી. આ ઉપરાંત પાકિસ્તાનના ઓપનર ઈમામ ઉલ હકકે ૩૨, સોયેબ મલીકે ૪૪ રન બનાવ્યા હતા. જયારે અફઘાનની ટીમમાંથી મોહમદ નબીએ ૪૬ રન આપી ૩ વિકેટ પ્રાપ્ત કરી હતી જયારે રસીદ ખાને ૨૭ રન આપતા ૨ વિકેટ ઝડપી હતી અને દૌલત જદ્રાને ૩૭ રનમાં ૨ વિકેટ મેળવી હતી. ત્યારે વર્લ્ડકપની અન્ય ટીમને રસીદ ખાને અને અફઘાનિસ્તાનની ટીમે ચેતવણી આપી છે.