વ્યાજની પઠાણી ઉઘરાણી કરવા ધાક ધમકી દઇ મિલકત પડાવી લેવાના આક્ષેપો: બપોર સુધીમાં ૧૩૦ અરજદારોને પોલીસ કમિશનરે સાંભળ્યા
વ્યાજના વિષચક્રમાં ફસાયેલા ગરીબ અને લાચાર પરિવાર સવારથી જ ન્યાય મેળવવાની અપેક્ષાએ અરવિંદભાઇ મણીયાર હોલે ઘસી ગયા
સમગ્ર શહેરના પોલીસ સ્ટાફે લોક દરબારમાં ઉપસ્થિત રહી ફરિયાદો સાંભળી
શહેરમાં વ્યાજના વિષ ચક્રમાં ફસાયેલા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારનોને ન્યાય અપાવવાના ઉદેશ સાથે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા જ્યુબીલી બાગ અરવિંદભાઇ મણીયાર હોલ ખાતે મેગા લોક દરબારનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં વ્યાજના અજગર ભરડામાં ફસાયેલા અરજદારો ઉમટી પડયા હતા અને પોતાની મરણ મુડી સમાન મિલકત પડાવી લીધા સહિતની ચોકાવનારી ફરિયાદ કરી હતી.
શહેરમાંથી વ્યાજંકવાદની બદીને ડામી દેવા અને પઠાણી ઉઘરાણી કરી વ્યાજની વસુલાત કરતા શખ્સો સામે કડક કાર્યવાહી કરવા માટે લોક દરબારનું આયોજન કરી સમગ્ર શહેરના પોલીસ સ્ટાફ સાથે ખૂદ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી ઝોન-૧ રવિ મોહન સૈની, ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા, ક્રાઇમ બ્રાન્ચ એસીપી જયદીપસિંહ સરવૈયા સહિતના સ્ટાફ સવારથી જ અરવિંદભાઇ મણીયાર હોલ ખાતે ઉપસ્થિત રહી અરજદારોને સાંભળવાની કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે વ્યાજ અંગેના અરજદારોની મદદ માટે ૯૮૭૯૫ ૦૦૬૦૦ મોબાઇલ નંબર ૨૪ કલાક કાર્યરત હોવાનું અને ગમે ત્યારે પોલીસને રજૂઆત કરી શકાશે તેમ જણાવી લોક દરબારમાં આવેલા અરજદારોને એક સપ્તાહમાં ન્યાય મળશે તેમ જણાવ્યું હતું.
લોક દરબારમાં તમામ પોલીસ મથકના એક પીઆઇ, બે પીએસઆઇ, બે કોન્સ્ટેબલ, રાઇટર, એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચના તમામ પોલીસ અધિકારી અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. વ્યાજ અંગે ફરિયાદ કરવા આવતા અરજદારો માટે ફરિયાદ સ્વરૂપના ફોરમેટ પોલીસ દ્વારા અરજદારોને આપવામાં આવ્યા હતા તેમાં ફરિયાદીના નામ, સરનામું અને મોબાઇલ નંબર, અગાઉ અરજી કે ફરિયાદ કરી છે કે કેમ, કોની પાસેથી અને કેટલી રકમ અને કેટલા ટકાથી વ્યાજે લીધા હતા. વ્યાજે રકમ લીધી ત્યારે કોઇ જામીનગીરી, ચેક કે મિલકત આપી છે કે કેમ? અત્યાર સુધી કેટલું વ્યાજ ચુકવ્યું અને વ્યાજ વસુલ કરવા માટે વ્યાજના ધંધાર્થીઓ દ્વારા દબાણ, હવાલો કે ઉઘરાણી કરવામાં આવે છે કે કેમ તેવી વ્યક્તિના નામ અને સરનામા સહિતની વિગતો પોલીસે મળવી હતી.
લોક દરબારમાં બપોર સુધીમાં ૨૧૩ જેટલા અરજદારો આવ્યા હતા તે પૈકી ૧૩૫ જેટલા અરજદારોની રાવ પોલીસ દ્વારા સાંભળવામાં આવી હતી. ૨૧૩ અરજદારો પૈકી પાંચ થી છ જેટલા અરજદારો એકાદ કરોડથી વધુ રકમના વ્યાજના ચક્રમાં ફસાયાની ફરિયાદ કરી હતી. કેટલાક અરજદારોએ અગાઉ કરેલી અરજીમાં પોલીસ તપાસથી સંતોષ ન થયો હોય તેવા આવ્યા હતા. લોક દરબારમાં ફરિયાદ સ્વરૂપે પોલીસ દ્વારા સ્વીકારવામાં આવેલી અરજીનું પોલીસ સ્ટેશન દ્વારા કંઇ રીતે કાર્યવાહી થાય છે તે અંગે એસીપીને સુપરવિઝન સોપવામાં આવ્યું છે. તેઓને વ્યાજના ધંધાર્થીઓ પાસેથી ચેક પરત અપાવી દેવાની હૈયાધારણા આપી હતી. લોક દરબારમાં ૬૦ ટકા જેટલા અરજદારો નવા છે કે જેઓને ધંધામાં કે માંદગીના સમયે પૈસાની જરૂરીયાત ઉભી થતા ના છુટકે ઉંચા વ્યાજે નાણા લેવાની ફરજ પડી હતી.
ગત વર્ષે કુલ ૫૪ જેટલા વ્યાજના ધંધાર્થીઓ સામે પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે અને ૩૧ જેટલી અરજી પોલીસ દ્વારા સ્વીકારવામાં આવી હતી તે પૈકીની કેટલીક અરજીમાં બંને પક્ષે સમાધાન થયા હતા.
પોલીસ મથકે અરજદારને સંતોષકારક રીતે સાંભળવામાં આવે તો લોક દરબાર ન યોજવા પડે
શહેરના તમામ પોલીસ મથકે અરજદાર અને ફરિયાદીને સંતોષકારક સાંભળવામાં ન આવતા હોવાની રાવ ઉઠી છે તેની પ્રતિતિ લોક દરબારમાં થઇ હતી. કેટલાક અરજદારો લોક દરબારમાં આવીને પોતે નજીકના પોલીસ મથકે રાવ કરી હોવા છતાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં ન આવ્યાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.
પોલીસ દ્વારા મિલકત વિરોધના ગુના અને વ્યાજ અંગેના ગુના નોંધવાનું છેલ્લા કેટલાક સમયથી ટાળવામાં આવતું હોવાથી અરજદારોને વ્યાજના ધંધાર્થીઓ વધુને વધુ હેરાન કરતા હોય છે. પોલીસ મથકે ફરિયા ન નોંધાતી હોવાથી લોક દરબારનું યોજન કરવું પડે છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા વ્યાજના મુદે લોક દરબારનું આયોજન કર્યુ તે રીતે કયારેક શહેરના જુદા જુદા પોલીસ મથકે ચોરી અંગેની ફરિયાદ નોંધાવવા ડમી ફરિયાદીને મોકલી તેની સાથે પોલીસ દ્વારા કરવામાં આવતા વર્તન અંગેની જાત માહિતી મેળવવી જરૂરી હોવાનું લોક દરબારમાં ઉપસ્થિત અરજદારોએ હૈયા વરાળ કાઢી હતી.
વ્યાજખોરનાં ત્રાસથી વેપારી લાપતા: ૨૦ સામે નોંધાતો ગુનો
મહિલા સહિત ૨૦ શખ્સો પાસેથી રૂ.૮૧ લાખ વ્યાજે લીધા‘તા: સ્યુસાઈડ નોટ મળી આવતા પરિવારમાં દોડધામ
શહેરમાં બેફામ બનેલા વ્યાજખોરોને કાબુમાં લેવા પોલીસ દ્વારા આજથી લોક દરબાર યોજાવાનો હોય તે પૂર્વે યુનિવર્સિટી રોડ પર રહેતા વેપારી વ્યાજખોરોની ધમકીથી સ્યુસાઈડનોટ લખીને ગુમ થયાની ઘટના સામે આવતા વેપારીની પત્નીએ મહિલા સહિત ૨૦ શખ્સો પાસેથી રૂ.૮૧ લાખ વ્યાજે લીધા બાદ મકાન વેંચીને વ્યાજ સહિત મુદત ચુકવી દીધી છતાં મિલકત, ચેક અને સ્ટેમ્પ પેપર પર લખાણ લખાવી પઠાણી ઉઘરાણી કર્યાની યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરનાં યુનિવર્સિટી રોડ પર અનામિક સોસાયટીમાં રહેતા અને ખાનગી સ્કુલમાં ફરજ બજાવતા ઉર્મિલાબેન બિપીનભાઈ સોલંકીએ પોતાના પતિ બિપીનભાઈ સોલંકી ગત તા.૨૧નાં રોજ સ્યુસાઈડ નોટમાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી આત્મહત્યા કરવા જાઉ છું તેવી પોલીસમાં ગુમ થયાની નોંધ કરાવી હતી.
ચાર દિવસ બાદ પતિના સગડ નહીં મળતા યુનિવર્સિટી પોલીસ મથકમાં અરજણ કેશા બગડા પાસેથી રૂ’.૧૨ લાખ બે ટકા વ્યાજે, રાજુ દુદા બગડા રૂ.૪ લાખ બે ટકા, તુષાર પડીયા રૂ.૬ લાખ ત્રણ ટકા, બાબુ સાગઠીયા રૂ.૫ લાખ ત્રણ ટકા, સવજી ગોહેલ રૂ.૪ લાખ બે ટકા, ઘનશ્યામ શૈયા રૂ.૮ લાખ ચાર ટકા, ગોવિંદ ખેતરીયા રૂ.૨.૫૦ લાખ બે ટકા, મનસુખ ચાવડા રૂ.૪ લાખ બે ટકા, નિરૂબેન ચૌહાણ રૂ.૨.૫૦ લાખ બે ટકા, હિરાભાઈ પરમાર રૂ.૩ લાખ બે ટકા, રમેશ વાઘેલા રૂ.૪ લાખ બે ટકા, ભીમજી સિંધવ રૂ.૩ લાખ ત્રણ ટકા, રમેશ બેડવા રૂ.૩ લાખ અઢી ટકા, રાજુ ભટ્ટી રૂ.૩ લાખ અઢી ટકા, દિપક સિંધવ રૂ.૩ લાખ ચાર ટકા, હિરેન પરમાર, પ્રેમજી પરમાર, બિપીન પરમાર, ભદ્રાયુ ભટ્ટ અને રઘુ પરમાર મળી રૂ.૮૧ લાખ વ્યાજે લીધા હતા. તે તમામને મકાન વેચીને વ્યાજ સાથે રકમ ચુકવી આપ્યા બાદ અરજણ બગડા, ઘનશ્યામ શૈયા અને રાજુ ભટ્ટીએ બળજબરીથી રૂપિયા અને મિલકત પચાવી પાડવા બે દુકાન, ચેક, સ્ટેમ્પ પેપર પર લખાણ અને સહી કરાવી લીધાનું જણાવ્યું છે. યુનિવર્સિટી પોલીસ મથકનાં સ્ટાફે મહિલા સહિત ૨૦ વ્યાજખોરો સામે ગુનો નોંધી વધુ તપાસ પી.આઈ એ.એલ.આચાર્યએ આદરી છે.