ટ્રસ્ટીઓના મનસ્વી નિર્ણયથી વણિક સમાજના ભારે રોષ: મલીન ઇરાદાથી બૂ: રાજકોટ મહાજન અને સૌરાષ્ટ્ર-કચ્છ ફેડરેશનના નેજા હેઠળ મળેલી બેઠકમાં લડી લેવાનો નિર્ધાર: ઉચ્ચ કક્ષાએ કરાશે રજુઆત: ઉપવાસ આંદોલન સહિતના કાર્યક્રમો યોજાશે

શિક્ષણ હબ ગણાતા રાજકોટમાં સૌરાષ્ટ્ર-કચ્છ ઉપરાંત ગુજરાત અને અન્ય રાજયો તથા વિદેશમાંથી પણ અભ્યાસાર્થે  વિઘાર્થીઓ આવે છે ત્યારે રાજકોટના ડો. યાજ્ઞીક રોડ પર આવેલી દશા સોરઠીયા વણીક સમાજના શિરમોર સમી શેઠશ્રી અમરચંદ માધવજી વૈદ સોરઠીયા વણીક વિઘાલય બોડીંગને ટ્રસ્ટીઓએ કોઇપણ જાતના કારણ અને જાહેરાત વગર રાતોરાત બંધ કરી દેતા બહારગામથી અભ્યાસ માટે રાજકોટ આવતા વિઘાર્થીઓ અને વાલીઓમાં ભારે ઉહાપોહ મચી ગયો છે. બોડીંગના ટ્રસ્ટીઓના મનસ્વી નિર્ણયના વિરોધમાં રાજકોટની માલવીયા વાડી ખાતે દશા સોરઠીયા વણિક જ્ઞાતિ મહારાજ અને સૌરાષ્ટ્ર-કચ્છ ફેડરેશનના નેજા હેઠળ તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં સમગ્ર સમાજના વિવિધ મંડળોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ટ્રસ્ટીઓના તઘલખી નિર્ણય સામે આગેવાનોએ આક્રોશ વ્યકત કરી વિઘાર્થીઓના હિત ખાતર લડી લેવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. અને તેના ભાગરુપે રાજકોટના ગોંડલ રોડ પર માલવીયા વાડી ખાતે ગુરુવારે બપોરે ૩.૦૦ વાગ્યે સૌરાષ્ટ્ર-કચ્છમાં તમામ મહાજનો અને સમાજના અગ્રણીઓની એક મહત્વની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં ઉપવાસ-આંદોલન સહીતના કાર્યકમો ઘડી કઢાશે.

જયારે દેશમાં કેળવણીનું પ્રમાણ ૧ ટકા કરતાં ઓછું હતું અને શિક્ષણના સાધનોને અભાવ હતો ત્યારે શેઠશ્રી અમરચંદ માધવજી વૈદ દ્વારા રાજકોટ ખાતે સન ૧૯૧૨ માં ‚ા ૪૦ હજારના દાનથી બોર્ડીગની સ્થાપના કરવામાં આવી હતી અને આ બોર્ડીગનું ઉદધાટન રાજકોટ સ્ટેટ નામદાર ઠાકોરસાહેબ સર લાખાજીરાજના શુભહસ્તે કરવામાં આવ્યું હતું ૧૦૫ વર્ષ જુની બોર્ડીગને ટ્રસ્ટીઓએ રાતોરાત બંધ કરી દેવાનો તઘલખી નિર્ણય કરતા સમગ્ર સમાજમાં ભારે રોષ પ્રસરી ગયો છે.

શૈક્ષણિક વર્ષ ૨૦૧૭-૧૮ ના પ્રથમ સત્રના અભ્યાસનો પ્રારંભ થઇ ચુકયો છે ત્યારે સૌરાષ્ટ-કચ્છ અને અન્ય રાજયોમાંથી રાજકોટમાં સમાજની બોર્ડીગમાં રહી અભ્યાસ કરવા માટે એડમીશન લેનાર વિઘાર્થીઓ અને વાલીઓને બોર્ડીગ બંધ થવાના સમાચાર મળતા તેઓ ચિંતામાં મુકાઇ ગયા છે. ગુરુવારે મળનારી બેઠકમાં સુત્રોચ્ચાર, રેલી, જાહેરસભા:, આમરણાંત ઉપવાસ આંદોલન સહીતના કાર્યક્રમો ઘડી કઢાશે અને આ કાર્યક્રમો બાદ પણ જો બોર્ડીગ શરુ કરવામાં નહી આવે તો આત્મવિલોપન સુધીના પગલા લેવાશે. આ બેઠકમાં મહાજન પ્રમુખ કૃષ્ણકાંતભાળ ધોળકીયા, સેકેેટરી જયેશભાઇ ધ્રુવ, ઉપપ્રમુખ કાકુભાઇ પારેખ, અતુલભાઇ કોઠારી, મહેશભાઇ જનાણી, લલીતભાઇ કુરાણી, વિશાલભાઇ મીઠાણી, કેતનભાઇ કાચલીયા, જીતુભાઇ આણંદપરા અશ્ર્વિનભાઇ દોશી, કિશોરભાઇ વસાણી વૃૅદાવનભાઇ ગગલાણી હિમાંશુભાઇ ચુડાસમા, શાંતિભાઇ ધાબલીયા, સૌરાષ્ટ્ર-કચ્છ ફેડરેશન પ્રમુખ મનુભાઇ શ્રીમાકર, નુતન યુવક મંડળના ઉમેશભાઇ ધાબળીયા, હાર્દિક ગોરસીયા, શૈલેષભાઇ લોટીયા, મહિલા મંડળના પ્રમુખ ઇન્દુબેન ચુડાસમા, દક્ષાબેન શાહ, દક્ષાબેન કાચલીયા, શામળાબાપા સોશ્યલ ગ્રુપના પ્રમુખ સ્નેહલભાઇ ધોળકીયા, કીરીટભાઇ ગોરસીયા, રાજેશભાઇ પારેખ, સહીતના સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની વિગતો આપવા જયેશ કનુભાઇ ધ્રુવ, અતુલભાઇ કોઠારી, કાકુભાઇ પારેખ, લલીતભાઇ કુરાણી, કીશોરભાઇ વસાણી, કેતનભાઇ કાચલીયા, વિશાલભાઇ મીઠાણી, સુધીરભાઇ શેઠ, ઉમેશભાઇ ધાબલીયા ઉપપ્રમુખ યુવક મંડળ અને રાજેશભાઇ પારેખ સહીતના અબતકની મુલાકાતે આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.