ઝળહળતી સફળતા બદલ અભિનંદન પાઠવતા ચેરમેન વિજયભાઈ રૂપાણી તથા ટ્રસ્ટી અંજલિબેન રૂપાણી
અાર્થિક રીતે નબળા પરિવારોમાંથી આવતા પરંતુ ભણવામાં અત્યંત તેજસ્વી તેવા વિદ્યાર્થીઓને ધો.૮ થી ધો.૧૨ સુધીની તમામ પ્રકારની શૈક્ષણિક સુવિધાઓ વિનામુલ્યે પુરી પાડતી સંસ્થા પુજીત રૂપાણી મેમો.ટ્રસ્ટના ધો.૧૦નાં લાભાર્થી છાત્રોએ તાજેતરમાં જાહેર થયેલા પરિણામોમાં ઉત્કૃષ્ટ ટકાવારી સાથે ઝળહળતી સફળતા મેળવી સતત ૧૯માં વર્ષે ૧૦૦ ટકા પરિણામનો સિલસિલો જાળવી રાખ્યો છે. તમામ છાત્રોને ગુજરાતનાં મુખ્યમંત્રી તથા ટ્રસ્ટનાં ચેરમેન વિજયભાઈ રૂપાણી તથા ટ્રસ્ટી અંજલિબેન રૂપાણીએ અભિનંદન પાઠવી ઉચ્ચ કારકિર્દી માટેની શુભેચ્છા પાઠવી છે.
ધો.૧૦ના ૧૭ વિદ્યાર્થીઓ કારેણા કૃણાલ, સોલંકી હર્ષ, વિડજા વિવેક, બસંલ પ્રિયા, પરમાર પૂજા, પરમાર રાહુલ, સમેચા કાજલ, પરસાણા અદિતિ, ગોહેલ ક્રિષ્ના, દોમડીયા આયુષ, રાઠોડ દમયંતિ, ચૌહાણ સુઝલ, યાદવ હરિઓમ, ઉંટવાડીયા વિવેક, વઢવાણા કૌશિક, પરમાર સંજ્ઞા તથા પાઠક શ્રુતિએ ૯૯.૯૮ ટકા સુધી પર્સન્ટાઈલ રેન્ક મેળવેલ છે જે પૈકી પ્રથમ નવ છાત્રોએ એ-વન ગ્રેડ મેળવી ટ્રસ્ટનું નામ રોશન કર્યું છે.
ઉલ્લેખનીય છે કે ટ્રસ્ટ દ્વારા દતક લેવાતા બાળકોને ધો.૮માં શહેરની શ્રેષ્ઠ સ્કુલોમાં એડમિશન અપાવી તેમનો ધો.૧૨ સુધીનો તમામ શૈક્ષણિક ખર્ચ જેવો કે સ્કૂલ ફી, પુસ્તકો, માર્ગદર્શિકાઓ, યુનિફોર્મ, બુટ, મોજા, દફતર સહિતનો તમામ ખર્ચ ટ્રસ્ટ ભોગવે છે.ઉપરાંત ટ્રસ્ટમાં ગ્રુપ ટયુશનની સુવિધા પણ પુરી પાડવામાં આવે છે, સ્કુલે જવા આવવા માટે સાયકલ પણ આપવામાં આવે છે.
વિદ્યાર્થીઓના ઘડતરની વ્યકિતગત કાળજી લેવા માટે ટ્રસ્ટી અંજલિબેન રૂપાણીનાં માર્ગદર્શન હેઠળ અન્ય ટ્રસ્ટીઓ મહેશભાઈ ભટ્ટ, ડો.મેહુલભાઈ રૂપાણી, અમિનેષભાઈ રૂપાણી, રાજેશભાઈ રૂપાણી તથા કમિટિ મેમ્બર્સ જયેશભાઈ ભટ્ટ, હિંમતભાઈ માલવિયા, સી.કે.બારોટ, મીરાબેન મહેતા, ગીતાબેન તન્ના, ભારતીબેન બારોટ તથા હસુભાઈ ગણાત્રા જહેમત ઉઠાવે છે.વિશેષ માહિતી માટે વહીવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટનો રૂબરૂ અથવા ફોન નં.૨૭૦૪૫૪૫ દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે.