‘હમ સાથ સાથ હૈ ’ફિલ્મનાં શુટીંગ દરમિયાન સલમાન ખાને
કાળિયારનો શિકાર કર્યો હોવાના કેસમાં અન્ય સ્ટાર્સને સીજેએમ
કોર્ટે નિર્દોષ જાહેર કરી તથા બાદ રાજય સરકારે હાઇકોર્ટમાં કરી અપીલ
રાજસ્થાનના ચર્ચિત કાળિયાર શિકાર મામલે સૈફ સહિત સ્ટાર્સની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે. કાળિયાર શિકાર મામલે રાજસ્થાન હાઈકોર્ટે સૈફ અલી ખાન સહિત સોનાલી બેન્દ્રે, નીલમ, તબ્બૂ અને દુષ્યંત સિંહને નોટિસ મોકલી છે. સીજેએમ કોર્ટ દ્વારા તેમને આ કેસમાંથી મુક્ત કરાયા પછી આ નિર્ણયની વિરુદ્ધ રાજ્ય સરકાર દ્વારા અરજી કરવામાં આવી હતી. અરજીની સુનાવણી કરતા કોર્ટે બધાને નોટિસ મોકલી છે જેની સુનાવણી ૮ અઠવાડિયા પછી થશે.
ગયા વર્ષે બોલીવૂડ સ્ટાર સલમાન ખાનને ૧૯૮૮માં ૨ કાળા હરણના શિકાર મામલે દોષી જાહેર કરવામાં આવ્યો હતો. એપ્રિલ ૨૦૧૮માં સલમાન ખાનને ૫ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. આ એ સમયની ઘટના છે જ્યારે સલમાન ખાન બાકી અભિનેતાઓ સાથે ’હમ સાથ સાથ હૈ’ની શૂટિંગ કરી રહ્યા હતાં. જાણકારી પ્રમાણે હમ સાથ સાથ હૈની શૂટિંગ દરમિયાન સલમાન ખાન સહિત અન્ય સ્ટાર જિપ્સીમાં જઈ રહ્યા હતા ત્યારે કાળિયારનું ઝુંડ જોતા સલમાને તેમની પર ગોળી ચલાવી હતી જેમા બે કાળિયારના મોત થયા હતા.
છેલ્લા ઘણા સમય કેસ ચાલ્યા પછી સીજેએમ કોર્ટ દ્વારા સલમાન ખાન સિવાય બધા જ સ્ટાર્સને નિર્દોષ જાહેર કરાયા હતા. સૈફ સહિતના સ્ટાર્સને નિર્દોષ જાહેર કરાતા રાજ્ય સરકારે હાઈકોર્ટમાં અપીલ કરી હતી જેના કારણે બધા સ્ટાર્સને ફરીથી નોટિસ મોકલવામાં આવી છે.