શિક્ષણ વિભાગે એક મહત્વનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત સરકારી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓના વિધાર્થીઓ અને શિક્ષણકોની હાજરી ઓનલાઈન પુરવામાં આવશે. રાજકોટ જિલ્લાની કુલ 280 શાળામાં આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આ નિયમ લાગુ થતાં 6 હજાર જેટલા શિક્ષકો અને 1.25 લાખ વિધાર્થીઓની આગામી સત્રથી ઓનલાઈન હાજરી પુરાશે. ઓનલાઈન હાજરી પુરવાનું થઈ જતાં ગુલીબાજ શિક્ષકો મુંઝવણમાં મુકાયા છે.
જિલ્લા શિક્ષણાધિકારીએ પત્ર બહાર પાડતા જણાવ્યું કે, જુન 2019થી શરૂ થતા નવા સત્રનો શુભારંભ થતાની સાથે સમગ્ર રાજયમાં આગામી 10મી જુનથી ઓનલાઇન એસ.એસ.એ પોર્ટલ પર હાજરી પુરવાનો શુભારંભ થશે. શાળા ખુલતાની સાથે સવારના 11-30 પહેલા હાજરી પુરાય તે ખુબજ જરૂરી છે. તેમજ તમામ શાળામાં ધોરણ 9થી 11ના તમામ સરકારી તથા બીન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓની માહિતી અપડેટ કરવાની રહેશે.
આ સાથે જ જણાવ્યું કે તમામને શાળાના યુઝર આઇડી અને પાસવર્ડ પણ આપવામાં આવ્યા છે. તેમ છતા કોઇ મુશ્કેલી હોય તો આપના તાલુકાના બીઆરસી ભવન કે શહેરી વિસ્તારના યુઆરસી ભવનના બ્લોક એમ.આઇ.એસનો સંપર્ક કરવો.