૨૦૦ વિદ્યાર્થીઓએ પોતાનું કૌશલ્ય દર્શાવ્યું: આત્મીય યુનિ.ના પ્રેસીડેન્ટ ત્યાગવલ્લભ સ્વામી, સૌ.યુનિ.ના કુલપતિ નિતીનભાઈ પેથાણી, યુવરાજ જયોતિમયસિંહજી, નગરપાલિકાના પ્રમુખ રાણીબેન ચંદ્રવાડિયા સહિત સમાજના અનેક આગેવાનો બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ-વાલીઓ ઉપસ્થિત રહ્યાં
સરદાર વલ્લભભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ ઉપલેટા સંચાલીત રમણીકભાઈ ધામી શૈક્ષણિક સંકુલના આંગણે ટ્રસ્ટની વિવિધ શાળાઓના બાળકો દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ સાંસ્કૃતિક કાર્યક્રમ કૃષ્ણ ઓઈલ મીલના મેદાનમાં યોજાયો હતો. વેકેશનમાં શાળાના છાત્રોની પ્રતિભા ખીલે તે હેતુથી સાંસ્કૃતિક કાર્યક્રમ કલરવનું આયોજન કરાયું હતું તેમ ટ્રસ્ટના પ્રમુખ કમલનયન સોજીત્રાએ જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનપદે આત્મીય યુનિવર્સિટીના પ્રમુખ ત્યાગવલ્લભ સ્વામી, સૌ.યુનિ.ના કુલપતિ નીતિનભાઈ પેથાણી,ગોંડલના યુવરાજ જયોતિમયસિંહજી વિશેષ ઉપસ્થિત રહ્યાં હતા. આ ઉપરાંત નગરપાલિકાના પ્રમુખ રાણીબેન ચંદ્રવાડીયા, કડવા પટેલ સમાજના પ્રમુખ ગોપાલભાઈ ઝાલાવડીયા, આહિર સમાજના પ્રમુખ પી.ડી.ભેડા, ઉપલેટા કોલેજના પ્રિન્સીપાલ વી.આર.નંદાણીયા, જે.આર.ડોબરીયા, અમિતભાઈ શેઠ, મુકેશભાઈ ગજ્જર તેમજ ગામના આગેવાનો તથા વાલીઓ અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.
વિદ્યાલયનું શિક્ષણ જોવા સ્કુલના આચાર્યો-શિક્ષકો આવે છે તે અમારા માટે ગૌરવની વાત: ટ્રસ્ટી છગનલાલ સોજીત્રા
રમણીકભાઈ ધામી શૈક્ષણિક સંકુલના ટ્રસ્ટી છગનલાલ સોજીત્રાએ ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, આ શૈક્ષશિક સંકુલની સ્થાપના રમણીકભાઈ ધામી દ્વારા ૧૯૬૭માં થઈ હતી. આ ટ્રસ્ટની સ્થાપના એટલા માટે કરવામાં આવી હતી કે, વિદ્યાર્થીઓ અહીં સારી રીતે શિક્ષણ મેળવે, સંસ્કારો મેળવે અને સારી રીતભાત મેળવે, વિદ્યાર્થીઓ હંમેશા આગળ રહે અને કોઈપણ જાતના નફા વગર આ સ્કુલ ચલાવવામાં આવે છે. છેલ્લા થોડા વર્ષોથી કમલનયનભાઈ સોજીત્રા પ્રમુખ તરીકે, વલ્લભભાઈ સોજીત્રા મેનેજીંગ ટ્રસ્ટી તરીકે આવ્યા છે. ત્યારબાદ સંકુલમાં ઘણો બધો ફેરફાર કરાયો છે અને નવી નવી પ્રધ્ધતિઓ વિકસાવાય છે. નમુનેદાર શાળા બનાવવા વિદ્યાર્થીઓ, વાલીઓ સાથે મીટીંગો અને ગુણવત્તાસભર શિક્ષકોની ભરતી થાય છે. વલ્લભભાઈ વિદ્યાલયનું જે શિક્ષણ ચાલે છે તે જોવા જુદી જુદી સ્કુલના આચાર્ય, શિક્ષકો આવે છે તે અમારા માટે ગૌરવની વાત છે.
ઘર કરતા પણ અમુલ્ય અવસર: સુરેજા નેન્સી
ધો.૧૧માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સુરેજા નેન્સીએ ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, આજે અમારા માટે અમુલ્ય દિવસ છે. વિદ્યાલયના દરેક વિદ્યાર્થીઓ માટે જાણવા જેવો અને માણવા જેવો અવસર સંકુલના આંગણે આવ્યો છે. અમે છેલ્લા એક મહિનાથી અમારા પરર્ફોમન્સ પ્રેકટીસ કરી રહ્યાં છીએ. આજે ઘર કરના પણ મહત્વનો પ્રસંગ સ્કુલના આંગણે આવ્યો છે. ટ્રસ્ટી મંડળ અને પ્રમુખ પાસેથી અમને ઘણી બધી પ્રેરણા મળે છે. વિદ્યાર્થીઓને કોઈપણ જાતની તકલીફ પડતી નથી. અમે પ્રમુખ સાથે પિતાની જેમ વાત કરી શકીએ છીએ. આજના કાર્યક્રમ માટે દરેક છાત્રો ઉત્સાહિત છે.
ગત વર્ષે ગ્રાન્ટેડ સ્કુલ તરીકે અમારી શાળાએ ગુજરાતમાંથી પ્રથમ નંબર મેળવ્યો છે: પ્રમુખ કમલનયન સોજીત્રા
સરદાર વલ્લભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ સાથે આઠ વર્ષથી જોડાયેલા પ્રમુખ કમલનયન સોજીત્રાએ ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતુ કે, આ સંસ્થા ૫૩ વર્ષ જૂની છે. ધો.૧ થી ૧૨માં આશરે ૧૭૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ, માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ ચાલે છે. આ સકુલની અંદર સવાર અને સાંજ બે પાળીઓ ચાલે છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે સુમેળભર્યા સંબંધો જળવાઈ રહે અને વાલીઓના પ્રશ્ર્નોનું નિરાકરણ આવે તે માટે તમામ ટ્રસ્ટીઓ પોતાનો સમય ફાળવે છે તેમજ શૈક્ષણિક કાર્ય, સામાજીક કાર્યો માટે પણ ટ્રસ્ટ મંડળ માનદ સેવા આપે છે.
આ શૈક્ષણિક સંકુલમાં સરકારના ધારા-ધોરણ મુજબ શિક્ષણ અપાય છે. ગત વર્ષે વિજ્ઞાન પ્રવાહમાં ૯૦ ટકા પરિણામ આવેલ છે. વ્યાજબી ફી સાથે સારામાં સારૂ શિક્ષણ આપવામાં આવે છે. આજે સાંસ્કૃતિક કાર્યક્રમ કલરવનું આયોજન કરાયું છે જેમાં ધો.૨ થી ૧૨ના આશરે ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ પોતાનું પરર્ફોમન્સ આપશે. ગત વર્ષે અમારી સ્કુલને ગ્રાન્ટેડ સ્કુલ તરીકે ગુજરાતમાંથી પ્રથમ નંબર મળ્યો છે અને રાજય સરકાર તરફથી પાંચ લાખનો પુરસ્કાર મળ્યો છે અમારા માટે જે ગૌરવની વાત છે.