કેન્દ્રની સમિતિ મોરબીની મુલાકાત લઈને મોરબી શહેરની પ્રદુષણની સમસ્યા નિવારવા માટે પ્રયાસો હાથ ધરાશે
ગુજરાતની જાણીતી ઔધોગિક નગરી એટલે મોરબી એક એવું શહેર છે કે જે આપમેળે પોતાના ઔધોગિક વિકાસ અને સમસ્યાનો ઉકેલ શોધી લે છે. વિશ્ર્વકક્ષા પર પ્રસ્થાપિત થયેલા ટાઈલ્સ ઉધોગોમાં મોરબીએ ડંકો વગાડયો છે ત્યારે પ્રદુષણ અને ઉર્જા સાથો સાથ પર્યાવરણને લગતાં કેટલાક નકારાત્મક બાબતોનું મોરબી હંમેશા સામનો કરતો આવ્યું છે. મોરબી એક ઔધોગિક નગરી છે ત્યારે સિરામિક ઉધોગનું દેશ આખામાં સૌથી મોટામાં મોટું હબ ગણવામાં આવ્યું છે અને દેશમાં સૌથી વધુ ગેસ વાપરતું ગુજરાતનું આ એક સૌથી મોટું શહેર છે.ગેસનાં વપરાશને લઈ સમસ્યાથી પીડાઈ રહેલ મોરબીમાં કેન્દ્ર સરકારની પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ મોરબીની મુલાકાતે આવશે અને સિરામિક ઉધોગને નેચરલ ગેસ આપવા અંગેની કાર્યવાહીની ચર્ચા પણ કરવામાં આવશે.
મોરબીમાં કોલસા આધારીત કારખાનાઓ બંધ કરવાના આદેશો બાદ મોરબીમાં ગેસની મોટાપાયે જરૂરીયાત ઉભી થાય છે ત્યારે ગુજરાત ગેસ અત્યારે મોરબીનાં ઉત્પાદનનો અડધો અડધ માલ મોરબીને પુરો પાડે છે. ૨૭મી મેએ કેન્દ્રીય સમિતિ મોરબીની મુલાકાતે આવી રહી છે અને ગુજરાત ગેસ અને મોરબીનાંસિરામિક ઉધોગપતિઓ સાથે મળીને ઉર્જાની અછત અને ગેસનાં ઉપયોગ માટેની માળખાકિય સુવિધાઓની ચર્ચા કરવામાં આવશે. આ સમિતિની મુલાકાત દરમિયાન ગેસમાં પુરવઠાની અછત, ઓછા પ્રેશરની સમસ્યા નિવારણ પણ લાવવા માટે મોટાભાગનાં સિરામિક ઉધોગો સાથે આ અંગે બેઠક યોજવામાં આવશે. કોલસા આધારીત એકમોની જગ્યાએ નેચરલ ગેસનાં ઉપયોગ માટે પોતાનાં કારખાનાઓમાં યાંત્રિક ફેરફાર પણ કરવામાં આવી રહ્યા છે.
ગુજરાત ગેસ દ્વારા અત્યારે અઢી લાખ મેટ્રીક કયુબીક મેટ્રીક ગેસ આપવામાં આવી રહ્યો છે જે સાડા ચાર લાખ કયુબીક મીટર સુધી ધરાવવામાં આવશે. સિરામિક એસોસીએશન પોતાનાં એકમો સંપૂર્ણપણે ગેસ આધારીત ભઠ્ઠીઓ દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે પરંતુ ગેસ સમયસર અને પરવળે તેવી કિંમતમાં મળી રહે તેવી શરતો પણ મુકવામાં આવશે. મોરબીમાં સિરામિક ઉધોગ કોલસા ઉપર ચલાવવામાં આવતો હતો પરંતુ કોલસાનાં ઉપયોગથી વાયુ પ્રદુષણ અને વાતાવરણમાં કોલસાની ભુકી ઉડવાની સમસ્યા રહે છે. હવે ગેસ આધારીત ભઠ્ઠીઓથી મોરબીની પ્રદુષણની સમસ્યા હળવી થશે અને કેન્દ્રની સમિતિ આવતા અઠવાડિયે મોરબીની મુલાકાત લઈ આ સમસ્યાનાં ઉકેલ માટે પ્રયાસ કરશે.