અફઘાન સુરક્ષા દળોની મદદ કરવા આવેલી અમેરીકન એરફોર્સથી ભૂલથી સર્જાઈ મોટી દુર્ઘટના
અફઘાનિસ્તાનમાં અમેરિકા તરફથી મોટી ચૂક સામે આવી છે. અહીંના હેલમંડ પ્રાંતમાં તાલિબાન આતંકીઓને લડત આપવા પહોંચેલી અફઘાનિસ્તાન પોલીસ ઉપર ભૂલથી અમેરિકાએ બોમ્બ ફેંક્યા. આ હુમલામાં ૧૭ અફઘાન પોલીસકર્મીના મોત થયા છે જ્યારે ૧૪ ગંભીર રીતે ઘાયલ થયા છે. અફઘાનિસ્તાનમાં આતંકવાદ સામે લડવા અમેરિકન અને અફગાન ફોર્સ જોઇન્ટ ઓપરેશન ચલાવે છે.
હેલમંડ પ્રાંતીય પરિષદ પ્રમુખ અતાઉલ્લાહ અફઘાને જણાવ્યું કે, આ ઘટના હેલમંડ પ્રાંતના નાહર-એ-સારાજ જિલ્લાની છે. અફઘાન સુરક્ષા બળો અને તાલિબાન આતંકવાદીઓની વચ્ચે ચાલી રહેલી અથડામણ બાદ અમેરિકન એરફોર્સે વધુ સૈન્ય મદદ માંગી હતી. જ્યાં સુધી અમેરિકા તરફથી મદદ કરવા પહોંચે ત્યાં સુધી હાઇવે પર આતંકવાદીઓને સુરક્ષા ચેકપોસ્ટથી પીછેહઠ કરવા માટે અફગાન પોલીસને બોલાવી હતી.
અફઘાનિસ્તાન પોલીસ સુરક્ષા ચેકપોસ્ટથી આતંકવાદીઓને પાછળ ધકેલી રહી હતી. તે જ સમયે અમેરિકન વાયુસેનાએ હવાઇ હુમલા કરી દીધા. આ હુમલામાં આતંકીઓને તો એટલું નુકસાન નથી થયું પરંતુ અફઘાન પોલીસના ૧૭ પોલીસકર્મીઓના મોત થયા છે. હેલમંડ પ્રાંતના ગવર્નર ઉમર જ્વાકના પ્રવક્તાએ આ ઘટનાની પુષ્ટિ કરી છે અને કહ્યું કે, ઘટનાની તપાસ ચાલી રહી છે. વળી, તાલિબાન તરફથી યારી યુસૂફ અહમદીએ કહ્યું કે, અમેરિકાની સેનાએ પોતાના સાથીઓ પર હુમલા કરી ૩૫ પોલીસકર્મીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે, જેમાં ચાર કમાન્ડર પણ સામેલ હતા.