મોડીરાત્રે રાજકોટમાં આગમન બાદ સર્કિટ હાઉસમાં કર્યું રોકાણ: અંતિમ તબકકાના મતદાન પૂર્વે ભોળીયાનાથને કરી ભાજપને પૂર્ણ બહુમત મળે તેવી પ્રાર્થના
લોકસભાની ચૂંટણીના સાતમાં અને અંતિમ તબકકા માટે આવતીકાલે મતદાન યોજાવાનું છે તે પૂર્વે આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહે પરિવાર સાથે વિશ્વ પ્રસિધ્ધ પ્રથમ જયોતિર્લીંગ એવા સોમનાથ મહાદેવની પૂજા-અર્ચના કરી હતી અને લોકસભાની ચૂંટણીમાં ફરી એક વખત ભાજપને પૂર્ણ બહુમત મળે તેવી પ્રાર્થના ભોળીયાનાથને કરી હતી. ગઈકાલે મોડી રાત્રે તેઓનું રાજકોટમાં આગમન થયું હતું અને રાત્રી રોકાણ રાજકોટના સર્કિટ હાઉસ ખાતે કર્યું હતું. આજે સવારે તેઓ હવાઈ માર્ગે રાજકોટથી સોમનાથ પહોંચ્યા હતા અને ત્યાં મહાદેવની પૂજા-અર્ચના કરી હતી.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ શુક્રવારે ગુજરાતના પ્રવાસે આવવાના હતા પરંતુ છેલ્લી ઘડીએ તેઓના ગુજરાત પ્રવાસમાં થોડો ફેરફાર થયો હતો અને શુક્રવારના બદલે શનિવારે સોમનાથ મહાદેવના દર્શન અર્થે આવ્યા હતા. ગઈકાલે રાત્રે ૧૧ વાગ્યા બાદ તેઓ પરિવાર સાથે રાજકોટ આવી પહોંચ્યા હતા અને રાજકોટના સર્કિટ હાઉસ ખાતે રાત્રી રોકાણ કર્યું હતું.
આજે સવારે તેઓ હેલીકોપ્ટર મારફત પરિવાર સાથે સોમનાથ જવા રવાના થયા હતા. સર્કિટ હાઉસ ખાતે મેયર બિનાબેન આચાર્ય, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મ્યુનિ.ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ અને લાખાભાઈ સાગઠીયાએ તેઓને આવકારી વિદાય પણ આપી હતી.
સવારે ૧૧ કલાકે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહે સોમનાથ ખાતે પરિવાર સાથે પ્રથમ જયોતિર્લીંગ એવા સોમનાથ મહાદેવની પૂજા-અર્ચના અને અભિષેક કર્યો હતો. લોકસભાની ચૂંટણીના પરિણામમાં ભાજપ ફરી પૂર્ણ બહુમત સાથે કેન્દ્રમાં સરકાર બનાવે તેવી પ્રાર્થના ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે ભોળીયાનાથ સમક્ષ કરી હતી. તેઓના આગમનને લઈ સોમનાથ અને રાજકોટ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સોમનાથથી તેઓ રાજકોટ પરત ફરશે અને અહીંથી દિલ્હી જવાના માટે રવાના થશે.
રાજકોટથી હવાઈમાર્ગે સોમનાથ પહોંચેલા ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાેમનાથ ટ્રસ્ટનાં ટ્રસ્ટી અમિતભાઈ શાહનું ભાજપનાં સ્થાનિક આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાંથી તેઓ સીધા સોમનાથ વીઆઈપી ગેસ્ટ હાઉસ ખાતે રવાના થયા હતા જયાંથીતેઓ ફ્રેસ થયા બાદ સોમનાથ મહાદેવનાં દર્શન માટે આવ્યા હતા અને મંદિરમાં ઘ્વજા-પૂજા, મહાપૂજા અને અભિષેક કર્યો હતો. અમિત શાહની સોમનાથની મુલાકાતને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. છેલ્લા બે મહિનાથી સતત ચુંટણી પ્રચારમાં વ્યસ્ત એવા ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષે આજે અંતિમ તબકકાનાં મતદાન પૂર્વે સોમનાથ મહાદેવનાં દર્શન કરી શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી.