ગુજરાતમાં ૨૫થી ૨૯ વય જુથના પુરુષોમાં બાળલગ્નનું પ્રમાણ ૨૮ ટકા છે, રાજકોટમાં બાળલગ્નનું પ્રમાણ ૧૫.૪ ટકા
સામાજિક ડર, રૂઢિ ચુસ્તતા, શિક્ષણ, સેક્સ રેશિયો, આર્થિક અસક્ષમતા જેવા પરિબળો બાળલગ્ન પાછળના મુખ્ય કારણો
બાળલગ્ન પ્રત્યે જનજાગૃતિ માટે રાજ્ય સરકારના નવતર પ્રયોગના ભાગરૂપે રાજકોટમાં સૌરાષ્ટ્ર-કચ્છના સામાજિક અગ્રણીઓનો સેમિનાર
રાજ્યના સમાજ સુરક્ષા વિભાગ દ્વારા બાળલગ્નના દૂષણને અટકાવવા માટે હાથ ધરવામાં આવેલા નવતર અભિયાનના ભાગરૂપે રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ સમાજના અગ્રણીઓ માટે એક જાગૃતિ સેમિનાર યોજવામાં આવ્યો હતો. એક સર્વેક્ષણ અનુસાર રાજ્યમાં ૨૦થી ૨૫ વર્ષની ૨૫ ટકા મહિલાના ૧૮ વર્ષ પૂર્વે લગ્ન કરાવી દેવાય છે. જ્યારે, ૨૫થી ૨૯ વય જુથના પુરુષોમાં બાળલગ્નનું પ્રમાણ ૨૮ ટકા છે.
આ સેમિનારમાં બાળલગ્નના કારણો આપતા સમાજ સુરક્ષા નિયામક જી. એન. નાચિયાએ કહ્યું કે, ગુજરાતમાં કેટલાક કારણોથી બાળલગ્ન પ્રથા છે. જેમાં રુઢિચુસ્તતા મુખ્ય છે. ગુજરાતમાં કેટલાક સમાજમાં બાળલગ્ન પ્રથા પરંપરાગત ચાલી આવે છે. તેમને બાળલગ્નથી નુકસાનનો ખ્યાલ હોતો નથી. બાળકના વાલીની ચિંતા પણ બાળલગ્ન પાછળ કારણભૂત હોય છે. જેમાં ક્ધયાના પછી લગ્ન નહીં થાય કે સારૂ પાત્ર નહીં મળે, એવી ચિંતામાં પણ વાલીઓ બાળલગ્ન કરાવી લેતા હોય છે.
આર્થિક અસક્ષમતા પણ એક કારણ છે. વાલી તેની મોટી દીકરીના લગ્ન કરતા હોય ત્યારે, ખર્ચા ભેગો ખર્ચો એવુ વિચારી નાની દીકરીના પણ સાથે લગ્ન કરાવી દેતા હોય છે. તાજેતરમાં એવું પણ ધ્યાને આવ્યું છે કે, સેક્સ રેશિયો પણ બાળલગ્ન પ્રથાને પ્રોત્સાહન આપે છે. દીકરાને પછી ક્ધયા નહીં મળે એવી માન્યતાને કારણે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કેટલાક સમાજમાં તેના લગ્ન બાળપણમાં જ કરાવી દેવામાં આવે છે. આ ઉપરાંત શિક્ષણ પણ કારણભૂત છે. જે ક્ધયા અધવચ્ચેથી શિક્ષણ છોડી દે છે, એ ઘરે બેસે છે. ત્યારે, તેના લગ્ન વાલી વહેલા કરાવી દેતા હોય છે.
બાળલગ્નની ખરાબ અસર વિશે અવગત કરાવતા શ્રી નાચિયા કહ્યું કે, આ દૂષણને પરિણામે બાળક કે બાળકીનું બાળપણ છીનવાઇ જાય છે. તે શિક્ષણ પણ સારી રીતે લઇ શકતા નથી. તેના કારણે રોજગારીના પ્રશ્નો ઉભા થાય છે. તેમના માટે આર્થિક મુશ્કેલીઓ ઉભી થાય છે. ખાસ કરીને ક્ધયાને વહેલા માતૃત્વ આવતા તેના સ્વાસ્થ્ય ઉપર પણ ખતરો ઉભો થાય છે.
શ્રી નાચિયાએ એક મહત્વપૂર્ણ વાત કરતા કહ્યું કે, બાળલગ્ન માત્ર કાયદાથી અટકી શકતા નથી. આ દૂષણને નાબૂદ કરવા માટે સમાજની પણ જાગૃતિ જરૂરી છે. હવે તો સુપ્રિમ કોર્ટે પણ તેના એક આદેશમાં કહ્યું છે કે, બાળલગ્નના કિસ્સામાં પોક્સોની કલમ લગાવવી. બાળલગ્ન માટે જવાબદાર વાલી, પંડિત અને મંડપસર્વિસવાળા સહિત તમામ લોકો સામે કાર્યવાહી કરી શકાય છે. બાળલગ્ન પ્રતિબંધક ધારા હેઠળ બે વર્ષની કેદ અને એક લાખના દંડની જોગવાઇ છે.
રાજ્ય સરકાર દ્વારા સામાજિક જાગૃતિ માટે અનેક પ્રકારના પગલાં લેવામાં આવે છે. આવા સેમિનારો ઉપરાંત જે તે સમાજના નિગમોને પણ સક્રીયતાથી આ દૂષણ સામે સહભાગી બનવા જણાવવામાં આવ્યું છે. જ્યારે, ધોરણ ૬ના અભ્યાસ ક્રમમાં બાળલગ્નના દૂષણ અંગે એક પાઠ રાખવામાં આવશે. વિદ્યાલક્ષ્મી બોન્ડ અત્યારે જે ૧૮ વર્ષની મુદ્દતે પાકે છે, તે જો તે ક્ધયાના બાળલગ્ન ન થયા હોય તો જ આપવા સરકારને સૂચન કરવામાં આવ્યું છે.
જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલ રાણાવાસિયાએ કહ્યું કે, બાળલગ્ન પ્રથા વર્ષોથી ચાલી આવે છે. અંગ્રેજોના સમયમાં શારદા એક્ટ એટલે કે ચાઇલ્ડ મેરેજ રિસ્ટ્રેઇન એક્ટ ૧૯૨૯ આવ્યો તે બાદ વર્તમાન સરકારે લગ્નની ઉમર નિયત કરી છે. આપણે ત્યાં તો પેટે ચાંદલા કરવાની પ્રથા, ઘોડિયા લગ્ન કરવાની પ્રથા જેવા કુરિજો પ્રવર્તે છે. તેને નાબૂદ કરવા માટે માત્ર કાયદા કાફી નથી. પણ, સાથે સામાજિક જાગૃતિ જરૂરી છે. તેમણે શાળાઓના માધ્યમથી વ્યાપક જનજાગૃતિના કાર્યક્રમો કરવા સૂચન કર્યું હતું.
આ સેમિનારમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી પરિમલ પંડ્યા અને સમાજ સુરક્ષા વિભાગના નાયબ નિયામક શ્રી પી. જે. ત્રિવેદીએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.
એક હકીકત એ છે કે, બાળલગ્નનું દૂષણ સમાજના સહયોગ વિના નાબૂદ થઇ શકે એમ નથી. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં બાળલગ્ન અટકાવવાની કામગીરી જોઇએ તો રાજકોટ જિલ્લામાં વર્ષ ૨૦૧૬-૧૭માં ૨૫, વર્ષ ૨૦૧૭-૧૮માં ૨૮, વર્ષ ૨૦૧૮૧૯માં ૨૩ મળી ત્રણ વર્ષમાં ૭૬ બાળલગ્નો અટકાવવામાં આવ્યા છે. અમરેલી જિલ્લામાં ત્રણ વર્ષમાં ૫૭, જૂનાગઢમાં ૩૨, પોરબંદરમાં ચાર વર્ષમાં સાત, કચ્છમાં ત્રણ વર્ષમાં ૩૪, મોરબીમાં બે વર્ષમાં ૨૨ બાળલગ્નો અટકાવવામાં આવ્યા છે.
રાજકોટ જિલ્લામાં વાત કરીએ તો શહેરી વિસ્તારમાં ૧૭.૧ ટકા અને ગ્રામીણ વિસ્તારોમાં ૧૨.૯ ટકા બાળલગ્નો થાય છે. નેશનલ ફેમેલી હેલ્થ સર્વે મુજબ રાજકોટ જિલ્લામાં બાળલગ્નનું પ્રમાણ ૧૫.૪ ટકા જેટલું છે. હવે સમયની માંગ છે કે બાળલગ્નનું દૂષણ વ્યાપક જનસહયોગથી નાબૂદ થાય.
આ સેમિનારમાં યુનિસેફના સુશ્રી હિમાલી લેઉવા અને શ્રી નિનાદભાઇ ઝાલાએ પણ માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી ઇસરાણી, શ્રી મિલનભાઇ પંડિત, સુશ્રી મિત્સુ વ્યાસે જહેમત ઉઠાવી હતી. સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી વિવિધ સામાજિક અગ્રણીઓ અને બાળલગ્ન પ્રતિબંધક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.