પ.પૂ.સ્વામી સદ્ગુરુ નિત્યસ્વ‚પદાસજી મહારાજની નિશ્રામાં ૨૨૦૦૦થીવધુ બાળકો અને યુવાનો પાંચ દિવસની શિબિરનો લાભ લેશે
પ્રેરણાદાયી નાટકો, નૃત્ય, કિર્તન અને વિવિધ સ્પર્ધા દ્વારા બાળકો અને યુવાનોને ભારતીય સંસ્કૃતિ અને ધર્મના સંસ્કાર આપવામાં આવશે: સ્વામિનારાયણ સંપ્રદાયની શિબિરમાં અમેરિકા, યુકે અને ઓસ્ટ્રેલીયાથી લોકો હાજર રહેશે
અબતક, રાજકોટ:યુવાનો ધાર્મિક સંસ્કારો ભુલીને સંવેદનાહીન બની રહ્યાં છે ત્યારે ભારતીય મુલ્યો પરંપરા, સંસ્કૃતિ અને ધાર્મિક સંસ્કારનું સિંચન કરવા સરધાર સ્વામિનારાયણ મંદિરના પટાંગણમાં આજથી ૨૧ મે સુધી બાળ યુવા મહોત્સવનો પ્રારંભ થયો છે જેની વિશેષ વિગત આપવા આજે સરધાર મંદિર ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
પત્રકાર પરિષદ સંબોધતા પ.પૂ.સ્વામી સદગુરુ નિત્યસ્વરૂપદાસજીએ જણાવ્યું હતું કે, બાળ યુવા શિબિરમાં ૨૨૦૦૦થી વધુ બાળકો-યુવાઓ ભાગ લઈ રહ્યાં છે અને તેમને ગમ્મત સાથે જ્ઞાન પણ આપવામાં આવશે. અમે સંસ્કાર શિબિરનું આયોજન દર વર્ષે કરીએ છીએ તેમાં દેશ અને દુનિયાભરમાંથી યુવાઓ ભાગ લેવા માટે આવે છે. પાંચ દિવસ સુધી તમામને રહેવા-જમવાની વ્યવસ્થા નિ:શુલ્ક આપવામાં આવે છે.
ધાર્મિક સંસ્કાર પણ સાહધીકતાથી આપવામાં આવે છે. સ્વામીજીએ વધુમાં જણાવ્યું હતું કે, આજનો માનવી યાંત્રીકતા તરફ ધકેલાઈ રહ્યો છે, મોબાઈલના કુસંગે ચડી ગયો છે. ધૂન, ભજનની સાંસ્કૃતિથી વિસરી રહ્યો છે. ત્યારે આ શિબિરમાં આવતા બાળકોને અમે ધૂન, ભજન અને કિર્તનની સંસ્કૃતિ સાથે સંસ્કારનું સિંચન કરીએ છીએ. પાંચ દિવસ દરમિયાન પ્રેરણાદાયી નાટકો, નૃત્યો, કિર્તન અને વિવિધ સ્પર્ધા દ્વારા ભારતીય સંસ્કૃતિ અને ધર્મના સંસ્કાર આપવામાં આવશે.
બાળ યુવા મહોત્સવની વ્યવસ્થા અંગે કોઠારી સ્વામી પૂ.પતિતપાવનજી અને અન્ય સંતોએ જણાવ્યું હતું કે, શિબિર માટે ૧૨ વિશાળ ડોમ અને ૨ વિશાળ મંચની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્વામિનારાયણ સંપ્રદાયની આગવી શીફત અને સંસ્કારના દર્શન શિબિર દરમિયાન થશે. બાળ યુવા મહોત્સવમાં અમેરિકા, યુકે અને ઓસ્ટ્રેલીયાથી લોકો આવી રહ્યાં છે. સભા મંડપ માટે ૧૩૨ બાય ૫૦૦નો જર્મન ડોમ બનાવાયો છે.
જેમાં મુખ્ય કાર્યક્રમો અને ગોષ્ઠી યોજાશે. કાર્યક્રમ દરમિયાન ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, મોહનભાઈ કુંડારીયા, મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા અને રાજકોટ લોધીકા સંઘના ચેરમેન, સરકારી આગેવાન નીતિનભાઈ ઢાકેચા, જાણીતા ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકીયા વગેરે ઉપસ્થિત રહેશે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની નિશ્રામાં સંસ્કારનું ઘડતર થશે.
સ્વામીજીના આશિર્વાદથી અત્યારે સરધાર મહુવા અને ભાવનગરમાં ૧૫૦૦ યુવાનોને શિક્ષણ માટે રહેવા-જમવાની નિ:શુલ્ક વ્યવસ્થા આપવામાં આવે છે. સમગ્ર આયોજનને સફળ બનાવવા પ.પૂ.ધ.ધૂ.સ્વામી નુગેન્દ્રપ્રસાદજી મહારાજ અને સદ્ગુરુ નિત્યસ્વરૂપદાસજી મહારાજની નિશ્રામાં સંતગણ, હરી ભક્તો, વિદ્યાર્થી, સમુદાય વગેરે જહેમત ઉઠાવી રહ્યાં છે.