૧૪ સ્થળોએથી દુધ, સીરપ, મલાઈ અને આઈસ્ક્રીમનાં નમુના લઈ વડોદરા પરીક્ષણ અર્થે મોકલાયા
કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા શહેરનાં અલગ-અલગ વિસ્તારોમાંથી અમુલ દુધ, શીરપ, મલાઈનાં નમુના લઈ પરીક્ષણ અર્થે વડોદરા સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. રાત્રીબજારમાં ચેકિંગ દરમિયાન ૭૭ રેકડીઓમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. ૮૮ કિલો અખાદ્ય માવો, મિલ્કશેકનો નાશ કરી ૨૯ આસામીઓને નોટીસ ફટકારવામાં આવી છે.
આ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, આરોગ્ય શાખા સંલગ્ન ફુડ વિભાગ દ્વારા આજે દુધસાગર રોડ પર આવેલી રાજકોટ ડેરીમાંથી અમુલ તાજા, શકિત, અમુલ ગોલ્ડ, અમુલ ટી સ્પેશિયલ દુધનાં નમુના લેવામાં આવ્યા હતા. જયારે સહકાર મેઈન રોડ પર વૃંદાવન ડેરીમાંથી અમુલ કાઉ મિલ્કત, અમુલ શકિત, ક્રિષ્નાનગર મેઈન રોડ પર સ્વામિનારાયણ ચોકમાં ગોકુલ ડેરી ફાર્મ એન્ડ આઈસ્ક્રીમમાંથી અમુલ ગોલ્ડ અને અમુલ તાજા દુધનાં નમુના લેવાયા છે.
જયારે અંબાજી કડવા પ્લોટ મેઈન રોડ પર જલારામ ગોલા એન્ડ ફાસ્ટફુડમાંથી સ્ટોબેરી ફલેવર સિન્થેટીક શીરપ, યુનિવર્સિટી રોડ પર પાટીદાર ગોલામાંથી મલાઈ, કોઠારીયા રોડ પર વિર ભગતસિંહ શોપિંગ સેન્ટરમાં રાતરાની ફલેવર સિન્થેટીક શીરપ, રેસકોર્સ મેઈન રોડ પર શ્રી સત્ય વિજય પટેલ આઈસ્ક્રીમમાંથી બદામ પીસ્તા આઈસ્ક્રીમ, રાજદિપ આઈસ્ક્રીમ એન્ડ કોલ્ડ્રીંકસમાંથી લોસ્ટેડ આલમન્ડ આઈસ્ક્રીમ જયારે પટેલ આઈસ્ક્રીમમાંથી કાજુ-દ્રાક્ષ ફલેવર આઈસ્ક્રીમનાં નમુના લઈ પરીક્ષણ અર્થે વડોદરા લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
ઉનાળાની સીઝનમાં ખોરાકજન્ય રોગચાળાની અટકાયત માટે કાલાવડ રોડ, ૧૫૦ ફુટ રીંગ રોડ, અમીન માર્ગ, નાનામવા ચોકડી, ભકિતનગર સર્કલ સહિતનાં વિસ્તારોમાં રાત્રી રાઉન્ડ દરમિયાન ૭૭ રેકડીઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અનહાઈજેનિક કંડિશન સબબ ૨૯ વેપારીઓને નોટીસ ફટકારવામાં આવી હતી. જયારે ૨૮ કિલો અખાદ્ય માવા-મલાઈ અને મિલ્ક શેઈકનો નાશ કરવામાં આવ્યો છે.