માતાઓને કાંગારૂ મધર કેર વિશે માર્ગદર્શન અપાયું: બાળકોને થતા ફાયદાઓની ચર્ચા કરાઈ
પરિવાર કલ્યાણ વિભાગ, જિલ્લા પંચાયત, રાજકોટ દ્વારા રાજકોટ જિલ્લાનાં તમામ સામુહિક આરોગ્ય કેન્દ્રો-૧૩, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો-૫૪ તેમજ ૨૪૮ જેટલા સબસેન્ટરોનાં સેજાના ગામોના મમતા દિવસમાં આંતરરાષ્ટ્રીય કાંગારૂ મધર કેર જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવેલ.
રાજકોટ જિલ્લા પંચાયતનાં જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવાસીયા અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એમ.કતિરાએ કાંગારૂ મધર કેરના દિવસની ઉજવણીરૂપે સામુહિક આરોગ્ય કેન્દ્ર-કુવાડવા ખાતે મુલાકાત લીધેલ તેમજ રાજકોટ જિલ્લા પંચાયત, આરોગ્ય શાખાના એપેડેમિક મેડીકલ ઓફીસર ડો.એન.એમ.રાઠોડએ કાંગારૂ મધર કેરના દિવસની ઉજવણીરૂપે જસદણ તાલુકા ખાતે મુલાકાત લીધેલ કાંગારૂ માતાઓ પોતાના નવજાતને શરીરથી ચોટાડીને રાખે છે. માતાઓને કાંગારૂ મધર કેર વિશે સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવેલ કે બાળકને આ પઘ્ધતિથી શું ફાયદાઓ થાય છે. તે અંગે વિસ્તૃતમાં સીધા લાભાર્થી સાથે ચર્ચાઓ કરવામાં આવેલ.
કાંગારૂ મધર કેરના ફાયદા:-
– બાળકનાં શરીરનું ઉષ્ણતામાન યોગ્ય રીતે જળવાઈ રહે છે. બાળક ઠંડુ નથી પડતું કે, વધુ પડતું ગરમ પણ નથી થઈ જતું, બાળકને હાઈપોથર્મિયા થતા બચાવી શકાય છે.
– બાળકને અન્ય કોઈ ચેપ લાગવાની શકયતા ઓછી રહે છે.
– માતાનાં બે સ્તન વચ્ચે રાખી બાળકને મળતા સતત સ્પર્શને લીધે માતાને ધાવણ વધુ આવે છે. બાળકને વારંવાર ધવડાવવાનું સહેલું પડે છે.
– બાળકના શ્વાસોચ્છવાસ અને હૃદયના ધબકારાની નિયમિતતા જળવાઈ રહે છે.
– નવજાત શિશુને ઓછા દિવસ દવાખાનામાં રહેવું પડે છે. આથી દવાખાનાનો ખર્ચ ઓછો થઈ જાય છે.
– બાળકમાં શારીરિક સ્થિરતા આવે છે. જેમ કે તાપમાન અને બ્લડપ્રેશર નિયમન, હૃદય દર અને શ્વશન સ્થિરતા
આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ, આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, રાજકોટ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવાસીયા તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એમ.કતિરા અને જિલ્લા એપેડેમિક અધિકારી ડો.એન.એમ.રાઠોડે કાંગારૂ મધર કેર વિશે લાભાર્થીઓ તથા લોકોને સંપૂર્ણ માર્ગદર્શન આપી ઉજવણી કરવામાં આવેલ છે.