આજે વર્લ્ડ હાયપર ટેન્શન ડે
વ્યાધિને અટકાવવા નમક, શર્કરા તથા ચરબીયુકત ખોરાકમાં નિયંત્રણ તેમજ કઠોળ, શાકભાજી ફળ-ફળાદિનું વિપુલ પ્રમાણમાં સેવન જરૂરી
દર વર્ષે આજનો દિવસ એટલે કે ૧૭ મે ‘વર્લ્ડ હાયપર ટેન્શન ડે’ (વિશ્ર્વ રકતચાપ દિવસ) તરીકે ઉજવવામાં આવે છે. મે ૨૦૦૫ થી વર્લ્ડ હાયપરટેન્શન લીગ દ્વારા શરુ કરવામાં આવેલી આ ઉજવણીનો હેતુ વિશ્ર્વના લોકોમાં વધતા બ્લડ પ્રેસરની પ્રાણ ઘાતક અસરોને કાબુમાં લાવવા જાગૃતિ લાવવાનો છે. આ ઉપરાંત આ મહામારીની ગંભીરતા અને વધતા જતા પ્રમાણને ઘ્યાનમાં લઇને વર્લ્ડ હાયપરટેન્શન લીગ અને ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ હાયપરટેન્શને આખા મે મહિનામેં મેઝરમેન્ટ મન્થ તરીકે જાહેર કયો છે. આ મહિના દરમ્યાન આંકડાઓ અને માહીતી એકત્ર કરીને તેનો આ દૈત્યને નાથવા તથા લોક જાગૃતિ કેળવવા માટે ઉપયોગ થાય છે. આ વખતે ‘વર્લ્ડ હાયપર ટેન્શન ડે’ની થીમ ‘નો યોર નંબર્સ’ એટલે કે આપણું બ્લડ પ્રેશર મપાવવા અને જાણવાથી આપણે આપોઆપ જ આ બિમારી પ્રત્યે સજાગ બનીશું.
વોકહાર્ટ હોસ્પિટલના ઇન્ટર વેન્સનલ કાર્ડિયોલોજીસ્ટ ડો. અભિષેક રાવલે આ વિષયે માહીતી આપતા જણાવેલ હતું કે અનિયંત્રીત બ્લડ પ્રેસર એ પેરાલીસીસ (લકવો) હ્રદયરોગ, બ્રેઇન હેમરેજ, કિડની ફેલ્યોર, ચિતભ્રંશ જેવી અનેક જીવલેણ બિમારીઓ માટે કારણભૂત બને છે. હ્રદય અને મગજના રોગો જેવા કે હાર્ટ ફેલ્યોર, હ્રદયરોગના હુમલાઓ અને પેરાલીસીસ જેવા રોગોના પ૦ ટકા કિસ્સાઓમાં અતિયંત્રીત
બ્લડ પ્રેસર કારણભૂત હોય છે. વૈશ્ર્વિક મૃત્યઆંકમાં ૧૩ ટકા કિસ્સાઓમાં બ્લડ પ્રેસર સંબંધીત બિમારીઓ કારણભૂત હોય છે. વર્ષ ૨૦૦૦ માં વિશ્વમાં અંદાજે ૯૭.૨ કરોડ લોકો હાયપરટેન્શનનો શિકાર હતા. આ સંખ્યા વર્ષ ૨૦૨૫ માં ૧.૫૬ અબજનું વિકરાળ સ્વરુપ ધારણ કરે તેવી સંભાવના છે. આમાંથી પણ ૬૦-૭૦ ટકા દર્દીઓ આપણા દેશ જેવા વિકસતા દેશોમાં વસે છે. અલગ અલગ દેશોના સામાન્ય નાગરીકોમાં હાયપરટેન્શનનું પ્રમાણ ૨૦-૪૦ ટકા જેટલું જોવા મળે છે. તેમાંથી માત્ર અડધા લોકોને જ પોતાની આ બિમારીની જાણ હોય છે. અને તેમાંથી પણ માત્ર અડધા લોકો જ દવાઓ લે છે અને આ દવા લેતા લોકોમાંથી પણ માત્ર અડધા લોકો જ દવાઓ અને તપાસની નિયમીતતા જાળવીને બ્લડ પ્રેસરનું સંતોષકારક નિયંત્રણ કરી શકે છે. આ ચોકાવનારી હકિકત આ બિમારીના નબળા નિયંત્રણને રજુ કરે છે.
ડો અભિષેક રાવલે વધુ માહીતી આપણા જણાવેલ હતું કે વૈશ્ર્વિક આરોગ્ય બજેટનો ૧૦ થી રપ ટકા હિસ્સો બ્લડપ્રેસર અને તેને લગતી બિમારીઓના ઇલાજ પાછળ ખર્ચાઇ જાય છે. આપણા સૌરાષ્ટ્રની વાત કરીએ તો હ્રદયરોગના ર૦ થી રર ટકા કિસ્સાઓમાં હાયપર ટેન્શન કારણભૂત હોય છે. આ હાયપર ટેન્શનના કારણો તરફ નજર દોડાવીએ તો તેમાં બિનસમતોલ આહાર જેમ કે નમકનું વધુ પડતું સેવન (૩૦ ટકા) ફળો અને શાકભાજીનું ઓછું સેવન (ર૦ ટકા) અને તે ઉપરાંત મેદસ્વીતા (૩૦ ટકા) બેઠાડુ જીવન (ર૦ ટકા) વગેરે હોય છે. આ સિવાય તેમાં દારુ જેવા વ્યસનો, કિડની કે ગરદનની ધમનીઓનું સંકોચન, જન્મજાત બિમારીઓ અમુક પ્રકારની ગાંઠ, સ્લીપ એપનિયા વિગેરેનો સમાવેશ થાય છે.
ડો. અભિષેક રાવલે વધુમાં જણાવેલ હતું કે દવાઓ દ્વારા બ્લડપ્રેસર પર કાબુ મેળવવા દવાઓ તથા ચેકઅપની નિયમીતતા અનિવાર્ય છે. આ સિવાય સારવાર અને આ વ્યાધિને ઉદભવતો અટકાવવા માટે યોગ્ય જીવનશૈલી પણ એટલી જ મહત્વની બની રહે છે. તેમાં સૌથી મહત્વનું અંગ છે સમતોલ આહાર જેમા નમક, શર્કરા તથા ચરબીયુકત ખોરાક ખાસ કરીને પ્રોસેસ્ડ ફુડનું નિયંત્રણ તથા કઠોળ, શાકભાજી અને ફળફળાદીનું વિપુલ પ્રમાણમાં સેવન મુખ્ય છે. મેદસ્વીતાનું નિયમન અને યોગ્ય વજન જાળવવું પણ ચાવીરુપ છે. યોગ્ય સમયની સપ્રમાણ ઉંઘ, કસરતો, યોગ, પ્રાણાયમ તથા અન્ય ઉપાયો દ્વારા માનસીક તાણ ધટાડવું પણ એટલું જ જરુરી છે. તો આજના આ દિવસે હાયપર ટેન્શન નામના આપણા આ આંતરીક દુશ્મન પ્રત્યે સજાગ થઇએ તંદુરસ્ત અને નિયમીત જીવનને અપનાવીને આ દૈત્યને નાથીને આરોગ્યમય જીવન, સમાજ, રાષ્ટ્ર અને વિશ્ર્વનું નવનિર્માણ કરીએ.