ધો.૯ થી ૧૨ આર્ટસ, કોમર્સ, સાયન્સમાં વિનામુલ્યે પ્રવેશ આપી, સેલ્ફ ફાયનાન્સ શાળાઓને બોર્ડનાં પરિણામમાં ટકકર આપતી કરણસિંહજી હાઈસ્કુલ: પ્રિન્સીપાલ અશોક સેતા
રાજકોટની ઐતિહાસિક કરણસિંહજી હાઈસ્કુલમાં ધો.૧૧ આર્ટસ, કોમર્સ, સાયન્સ વિભાગમાં એક પણ રૂપિયો ફી વગર વિદ્યાર્થીઓને પ્રવેશ આપી સાચા અર્થમાં ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે આર્શિવાદરૂપ બની રહી છે. કરણસિંહજી હાઈસ્કુલ, સરકારી શાળાઓમાં રાજકોટ જિલ્લામાં સૌથી વધુ સંખ્યા ધરાવતી અને સેલ્ફ ફાયનાન્સ શાળાઓને બોર્ડના પરીણામમાં ટકકર આપતી ઐતિહાસિક શાળા છે. વિનામુલ્યે શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થી પહેલ યોજના, એસ.એમ.ડી.સી. ગ્રાન્ટ અને સ્ટાફ તરફથી વિદ્યાર્થીઓને પુસ્તકો, સ્કુલબેગ, સ્કુલ યુનિફોર્મ, કોમ્પ્યુટર શિક્ષણ તદન મફત આપવામાં આવે છે અને સરકાર તરફથી નિયમાનુસાર સ્કોલરશીપ પણ આપવામાં આવે છે.
કરણસિંહજી હાઈસ્કુલમાં પ્રિન્સીપાલ અશોકભાઈ સેતાના માર્ગદર્શન અને પુરુષાર્થથી અતિ આધુનિક વાઈ-ફાઈ સ્માર્ટરૂપ, દરેક રૂમમાં સ્માર્ટ બોર્ડ, સીસીટીવીથી સજજ શાળા બનાવવામાં આવી છે. આ આધુનિક બિલ્ડીંગમાં અદ્યતન લેબોરેટરી, વિશાળ પ્રાર્થના ખંડ, જીમના સાધનો, રમતગમતના સાધનોથી સુસજજ સ્માર્ટરૂમ, વિશાળ મેદાનની સુવિધા ઉપલબ્ધ છે. આ શાળામાં એનસીસી, એનએસએસ, સ્કાઉટ, ઈકો કલબની પ્રવૃતિના જ્ઞાન સાથે ૪૨ પ્રકારની ઔષધીઓ સાથેનો બગીચો વિદ્યાર્થીઓને શિક્ષણ માટેનું ઉતમ વાતાવરણ પુરુ પાડે છે.
રાજકોટ જિલ્લામાં એક માત્ર વ્યવસાયલક્ષી અભ્યાસક્રમ હેલ્થ અને રીટેઈલનો કોર્સ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે નોલેજ કોર્નર અને કેરીયર કોર્નરનો લાભ વિદ્યાર્થીઓને વિનામુલ્યે આપવામાં આવે છે ત્યારે વાલીઓના લાખો રૂપિયા ખંખેરી શિક્ષણનાં હાટડા બાંધીને બેઠેલી સંસ્થાઓમાંથી મુકિત મેળવવા કરણસિંહજી હાઈસ્કુલ આશીર્વાદરૂપ બની છે. વીસ વર્ષથી વધુ વર્ષના અનુભવી અને પૂર્ણ લાયકાત ધરાવતાં, આત્મિયતાસભર શિક્ષકો દ્વારા આધુનિક ટેકનોલોજી તેમજ વાઈ-ફાઈ રૂમ પ્રોજેકટર સાથે બાયસેગ દ્વારા શિક્ષણ આપવામાં આવી રહ્યું છે ત્યારે ધો.૯ થી ૧૨ આર્ટસ, કોમર્સ, સાયન્સ કોઈપણ વિભાગમાં વિનામુલ્યે પ્રવેશ મેળવવાની ઉતમ તક આ શાળામાં આપવામાં આવે છે. આના પરથી લાગે છે કે વાલીઓના લાખો રૂપિયા ખંખેરતી સેલ્ફ ફાયનાન્સ શાળાઓ માટે વળતા પાણી જોવા મળી રહ્યા છે ત્યારે તમામ વાલીઓએ જાગૃત બનીને શિક્ષણ માત્ર ઉંચી ફી ભરવાની મળે છે તે ખ્યાલમાંથી બહાર આવી ઉંચુ પરીણામ તેમજ બાળકોના સર્વાંગી વિકાસ કરાવતી શિક્ષણ સાથે સંસ્કાર આપતી શાળામાં પ્રવેશ મેળવવો એ આજના જમાનાની માંગ છે.
આ અંગે વધુ માહિતી આપતાં શ્રેષ્ઠ શિક્ષક રાજયપાલ એવોર્ડ વિજેતા સિઘ્ધરાજસિંહ બી.ઝાલાએ જણાવ્યું હતું કે, વાલીઓએ હવે દેખાદેખીમાંથી બહાર આવી પૈસાની લુંટ ચલાવતી શાળાઓને જાકારો આપી, આવી ઉતમ શિક્ષણ સાથે સંસ્કાર અને બોર્ડનાં ઉચ્ચ પરીણામો મેળવતી અને પૂર્ણ લાયકાત ધરાવતી શાળા રાજકોટમાં ભાઈઓ માટે કરણસિંહજી હાઈસ્કુલ અને બહેનો માટે બાઈ સાહેબબા ગર્લ્સ હાઈસ્કુલ તેમજ ગોંડલ મોંઘીબા ગર્લ્સ હાઈસ્કુલ, જેતપુર કમરીબાઈ હાઈસ્કુલ, ધોરાજી સરકારી કન્યા વિદ્યાલય તેમજ ભગવતસિંહજી હાઈસ્કુલ, અમરનગર હાઈસ્કુલ, પડધરી હાઈસ્કુલ, કુવાડવા, બારવણ, હડાળા, વિછીંયા અને જસદણ તાલુકામાં આવેલી આર.એમ.એસ.એ. શાળાઓમાં વિદ્યાર્થીઓને ચાલુ સાલે એક પણ રૂપિયાની ફી લીધા વગર જ્ઞાતિ-જાતિનાં ભેદભાવ વગર વિનામુલ્યે પ્રવેશ તેમજ પુસ્તકો અને સ્કોલરશીપનો લાભ મળશે. તે દરેકે લાભ લેવો જોઈએ. ક્ધયાઓને વિનામુલ્યે સાયકલ પણ વિતરણ કરવામાં આવે છે તો ખોટી રીતે ફી ઉઘરાવતી શાળાઓનો મોહ છોડી આપના બાળકો વિનામુલ્યે ઉતમ શિક્ષણ સાથે સંસ્કાર આપતી આવી શાળાઓમાં પ્રવેશ મેળવવા શિક્ષક સંઘનાં પ્રમુખ સિઘ્ધરાજસિંહ ઝાલાએ વાલીઓને અને જનતાને અપીલ કરી છે.