જનોઈ બાબતે થયેલી બોલાચાલી હત્યા માટે કારણભૂત બની: હત્યા પાછળ ‘ખોટો સંબંધ’ હોવાની ચર્ચા
સાયલા પાસે કૃષિ ખાતાના નિવૃત્ત અધિકારીની ૧૧ દિવસ પૂર્વે થયેલી હત્યાનો ભેદ ઉકેલી સુરેન્દ્રનગરના વિપ્ર શખ્સની ધરપકડ કરી પ્રાથમિક તપાસમાં જનાેઈ બાબતે થયેલી બોલાચાલીમાં ઉશ્કેરાઈને છરી વડે હત્યા કરી સાયલા પાસે કાર મુકી નાસી છૂટયો હતો. લીંબડી હોટલેથી લીફટ માંગી ત્યારે આ હત્યા પાછળ ખોટા સંબંધોને કારણે ખૂન થયાનું ચર્ચાઈ રહ્યું છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ભેદ ઉકેલ્યો.
પોલીસ પ્રાપ્ત વિગતો મુજબ મુળ જૂનાગઢના વતની અને હાલ અમદાવાદ રહેતા અને કૃષિ ખાતાના નિવૃત્ત નાયબ ડાયરેકટર ગુણવંતરાય ઈચ્છાશંકર ભટ્ટ નામના વિપ્ર વૃદ્ધ ગત તા.૬ના રોજ અમદાવાદથી જૂનાગઢ આવી રહ્યાં હતા ત્યારે તેની કારમાંથી હત્યા કરાયેલી સાયલા પાસેથી લાશ મળી આવ્યાની સાયલા પોલીસ મથકમાં મૃતકના પુત્ર દેવેન્દ્રભાઈ ભટ્ટે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.
આ બનાવમાં લીંબડી ડીવાયએસપી ડી.વી.બસીયા, સાયલા પોલીસ મથકનો સ્ટાફ, એલસીબી અને એસઓજીએ હત્યાનો ભેદ ઉકેલવા ચક્રોગતિમાન કર્યા જેમાં લીંબડી ખાતે આવેલી ઓનેસ્ટ હોટલમાં ગુણવંતરાય ચા-પાણી પીવા ઉતર્યા ત્યારે કોઈ શખ્સ સામે વાતચીત કરી રહ્યાં હોવાની તેમજ લીફટ આપી હોવાની મળેલી મજબૂત કડીના આધારે વિવિધ દિશામાં પોલીસે તપાસ આદરી હતી.
જેમાં પોલીસને સીસીટીવીના આધારે ઓળખાયેલો શખ્સ સુરેન્દ્રનગરના કૃષ્ણનગર સોસાયટીમાં રહેતો ભાર્ગવ મુકેશ જાની નામનો ૨૦ વર્ષીય યુવાનની અટકાયત કરી પુછપરછ કરતા જે તપાસમાં ભાંગી પડયો હતો અને તેને લીંબડી ખાતેની હોટલે લીફટ માંગી હતી. પોતે ડ્રાઈવીંગ જાણુ છું તેમ કહેતા નિવૃત્ત અધિકારી ગુણવતરાય ભટ્ટે ભાર્ગવ જાનીને કારનું ડ્રાઈવીંગ કરવાનું કહ્યું હતું અને ભાર્ગવ જાનીએ કાર ચલાવી સાયલા તરફ જઈ રહ્યાં હતા ત્યારે ગુણવંતરાય ભટ્ટે બ્રાહ્મણ હોવા છતાં જનોઈ નથી રાખતો ત્યારે ભાર્ગવ જાનીએ કહેલું કે જનોઈના નિયમોનું પાલન નથી કરી શકતો આથી જનોઈ નથી પહેરતો તેથી ગુણવંતરાયે કહેલું કે, બ્રાહ્મ સમાજનું કલંક છો તેમ કહેતા બન્ને વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલીમાં ભાર્ગવ જાની ઉશ્કેરાઈ જઈ પોતાની પાસે રહેલી છરીથી અચાનક ગુણવંતરાય પર હુમલો કરી અને હત્યા નિપજાવી અને કારને સાયલા પાસે મુકી નાસી છૂટયો હતો.
આ બનાવની તપાસ એસઓજીના પીઆઈ એફ.કે. જોગલ, પીએસઆઈ એસ.બી.સોલંકી અને સ્ટાફના દાજીરાજસિંહ, રણજીતસિંહ અને યોગેન્દ્રસિંહ સહિતના સ્ટાફે કામગીરી બજાવી હતી.