૨૨ શખ્સોની ધરપકડ કરી તેઓ કોની પાસે કપાત કરાવતા તે અંગેની પૂછપરછમાં પોલીસે કંઇ ન ઉકાળ્યું
ઇન્ડિયન પ્રિમિયર લીગ (આઇપીએલ-૨૦૧૯) તા.૨૩ માર્ચથી તા.૧૨ મે સુધીમાં જુદી જુદી આઠ ટીમ વચ્ચે ૬૦ મેચ રમવામાં આવી તે દરમિયાન સટ્ટોડીયાઓ માટે તહેવાર બની ગયો છે. સટ્ટોડીયાઓ પોલીસની બાઝ નજરથી બચી શકતા ન હોવાથી પોલીસ સાથે સાંઠગાંઠ રચી સટ્ટાની સટ્ટાસટ્ટી શરૂ કરી હતી. પોલીસે આંખ આડા કાન કરી મોટા ગજાના બુકીઓને છુટોદોર હોય તેમ સામાન્ય શખ્સોની ધરપકડ કરી સંતોષ માન્યો હતો. સમગ્ર શહેર પોલીસનું સ્ટેટ વિઝલન્સ દ્વારા નાક વાઢી રામકૃષ્ણનગરમાં ક્રિકેટ સટ્ટાના નેટવર્કનો પર્દાફાર્સ કરી મુખ્ય બુકીઓના નામ પણ ખોલી દીધા હોવા છતાં મોટાગજાના બુકીઓની સ્થાનિક પોલીસ લાજનો ઘૂમ્મટો તાણતા હોય તેમ હજી સુધી તપાસને આગળ ન ધપાવી સ્થાનિક પોલીસે બેશરમીની હદ કરી છે.
આઈપીએલ ટૂર્નામેન્ટ એટલે સટ્ટોડીયા ઇશારે ચાલતી ગેમ માનવામાં આવે છે. મેચ ફિકસીંગ સહિતની ઘટનાઓ અવાર નવાર બહાર આવી રહી છે. સટ્ટોડીયાઓ ક્રિકેટરને ખરીદ કરવાના સેટીંગની જેમ પોલીસ સાથે પણ સાંઠગાંઠના સેટીંગથી જેન્ટલમેન ગેમ ગણાતી ક્રિકેટમાં ધાર્યા પરિણામની સાથે મોટી રકમ રળી લેતા હોય છે.
આઇપીએલ ટૂર્નામેન્ટ દરમિયાન રાજકોટ પોલીસે નવા ૧૫૦ ફુટ રીંગ રોડ ગુજરાત હાઉસીંગ બોર્ડ, પંચનાથ પ્લોટ શેરી નંબર ૧૧, ગાંધીગ્રામ લાખના બંગલા પાસે, કનક રોડ ગોર્વધન હોટલ પાસે, ચંદ્રેશનગર ખીજડાવાળો રોડ, માધાપર ગામ, અયોધ્યા રેસીડેન્સી, રેસકોર્ષ પાર્ક, રાધાકૃષ્ણનગર, કોઠારિયા રોડ નટરાજ પેટ્રોલ પંપ, શિવસંગમ સોસાયટી અને તિ‚પતિ સોસાયટીમાં પોલીસે સટ્ટા અંગે દરોડા પાડયા હતા.
સ્થાનિક પોલીસે પાડેલા દરોડામાં અજીતસિંહ કિરીટસિંહ જાડેજા, કૃણાલ રાજેશ મહેતા, મિત ચંદ્રેશ કોટક, ધર્મેશ વિનોદ રાઠોડ, વિશાલ બાબુ ચૌહાણ, હરદેવ કિશોર રાઠોડ, રિચેશ પ્રવિણ કાછેલા, સુખદેવસિંહ ઉર્ફે સુખો મહિપતસિંહ ઝાલા, અબ્દુલમજીદ અબ્દુલરહેમાન મીર, ચિરાગ અશ્વિન ચૌહાણ, તેજશ ઉર્ફે નાનુ સુરેશ બગડીયા, મનિષ રમેસ બદીયાણી, અસ્લમ અનવર માડકીયા, મહેબુબ રફીક ડોડેરા, મુન્નો મજીદ મેમણ, ફા‚ક ઉર્ફે છેલપુડી બાપુ સૈયદ, અનવર નુરમામ ગરાણા, વિરેન્દ્ર ઉર્ફે ભોલા છગન ડોબરીયા, મોહિત ધી‚ ગોંડલીયા, મિત પરેશ સોઢા, શબ્બીર આમદ અજમેરી અને અલ્તાફ અલી કારીયાણી નામના શખ્સોની ધરપકડ કરી રૂ.૪,૪૪, ૫૪૦નો મુદામાલ કબ્જે કરી સંતોષ માન્યો હતો. ૨૨ શખ્સોની ધરપકડ કરી હોવા છતાં તેઓ કોની પાસે કપાત કરાવતા તે અંગેની વિગતની પોલીસ દ્વારા પૂછપરછ કરવાનું પોલીસે ચોક્કસ ઇરાદા સાથે ટાળ્યું હોવાનું સુત્રો કહી રહ્યા છે. ૨૨ પૈકી એકાદ શખ્સની પૂછપરછમાં મુખ્ય બુકીનું નામ ખોલાવ્યું ન હતું.
જ્યારે સ્ટેટ વિઝીલન્સ સ્કવોડના સ્ટાફે રામકૃષ્ણનગરમાં રાજકમલ એપાર્ટમેન્ટમાં દરોડો પાડી સચિન નરેન્દ્ર ઠક્કર, રાકેશ પ્રવિણ સગપરીયા, અલ્પેશ નવીન સુબા, પ્રકાશ ભરત મોરધરીયા, શિવરાજસિંહ ભવરસિંહ સિસોદીયા, ધર્મેશ કૈલાશ, અંકુર નવીન મહેતા અને શ્યામ જમનાદાસ બખદીયા નામના શખ્સોને રૂ.૨.૮૯ લાખના મુદામાલ સાથે ધરપકડ કરી સ્થાનિક પોલીસની પોલ ખોલી હતી.
સ્ટેટ વિઝીલન્સ સ્કવોડના દરોડા દરમિયાન ઝડપાયેલા શખ્સો અમદાવાદના નિકુલ યુસુફ, ભાવનગરના નવકાર, અંબીકા કડી, સોનુ મહેન્દ્ર, દિનકર, રાજકોટના દિપક ચંદારાણા, સલીમ અને રાજકોટના અલાઉદીનની સંડોવણી બહાર આવી હતી. આમ છતાં હજી સુધી પોલીસે તેઓની ધરપકડ કરવાનું ટાળ્યું છે. ૪૭ જેટલા મોબાઇલ કબ્જે કરાયા હતા અને ૫૪ જેટલા શખ્સોની સંડોવણી હોવા છતાં પોલીસે સટ્ટાના મુળ સુધી પહોચવાનું ટાળી સટ્ટોડીયા સાથે પોતાની સાંઠગાંઠ હોવાનું સાબીત કર્યુ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.