સત્રના બીજા દિવસે નાણામંત્રી નીતિન પટેલ વર્ષ ૨૦૧૯-૨૦નું અંદાજપત્ર રજૂ કરશે
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આગામી તા.૨ થી ૨૮ જુલાઈ દરમિયાન મળવાનું છે. ગઈકાલે મંત્રી મંડળની બેઠકમાં રાજયપાલને આ બજેટ સત્રનો સમયગાળો જાહેર કરવાની ભલામણ પસાર કરવામાં આવી હતી. જો કે, આ સત્ર પૂર્વે વિધાનસભામાંથી ચૂંટાયેલા સાંસદોના ધારાસભ્યપદેથી રાજીનામા પણ પડવાના છે.
રાજય સરકાર દ્વારા ફેબ્રુઆરી માસમાં ૩ માસ માટેનું લેખાનુદાન રજૂ કરવામાં આવ્યું હતું. આ લેખાનુદાર દરમિયાન સમગ્ર વર્ષના ખર્ચ અને વાર્ષિક યોજનાને મંજૂરી આપવા માટે તા.૨ થી ૨૮ જુલાઈ દરમિયાન બજેટ કમ ચોમાસુ સત્ર યોજાવાનું છે. જો કે આ સત્ર પૂર્વે વિધાનસભામાંથી ચૂંટાયેલા સાંસદોના ધારાસભ્યપદેથી રાજીનામા પણ પડવાના છે. જેથી વિધાનસભા ગૃહમાં નવા ચૂંટાયેલા સાંસદોને વિદાય તેમજ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ચૂંટાયેલા ધારાસભ્યોને આવકાર આપવામાં આવશે. ગઈકાલની મંત્રી મંડળની બેઠકમાં સરકારી વિધાયકો, સુધારા વિધાયકો સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
વિધાનસભાનું બજેટ સત્ર ૨૩ દિવસ સુધી ચાલવાનું છે. ૧૨ દિવસ વિભાગોની માંગણી પર ચર્ચા વિચારણા કરીને મંજૂરી આપવામાં આવનાર છે. બજેટ સત્રના બીજા દિવસે નાણામંત્રી નિતીનભાઈ પટેલ વર્ષ ૨૦૧૯-૨૦નું અંદાજપત્ર રજૂ કરવાના છે જેમાં બે દિવસ અંદાજપત્રની સામાન્ય ચર્ચા માટે ફાળવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં કોંગ્રેસ પણ વિવિધ પ્રશ્ર્ને હલ્લાબોલ કરવાની તૈયારીમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે.