પુલવામાના દલીપોરા ગામમાં એક ઘરમાં છૂપાયા હતા આતંકીઓ: ગુપ્ત માહિતી મળતા સુરક્ષાદળોએ કાર્યવાહી કરી
જમ્મુ કાશ્મીરના પુલવામાના દલીપોરા વિસ્તારમાં ગુરૂવારે સિક્યોરિટી ફોર્સે ૩ આતંકીઓને ઠાર કર્યા છે. અથડામણમાં એક જવાન પણ શહીદ થઈ ગયા છે. એક જવાન સહિત બે લોકો ઘાયલ થયા છે. આતંકીઓ એક ઘરમાં છુપાયા હતા.
સુરક્ષાદળોએ આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. જે બાદ રાષ્ટ્રીય રાયફલ્સ, કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ અને જમ્મુ કાશ્મીર પોલીસના વિશેષ અભિયાન દળે દલીપોરામાં અભિયાન શરૂ કર્યું હતું. કાર્યવાહી દરમિયાન સિક્યોરિટી ફોર્સે વિસ્તારમાંથી બહાર નીકળવાના તમામ રસ્તાઓ બંધ કરી દીધા હતા.
આતંકીઓએ પહેલાં ફાયરિંગ કર્યુ: જવાનો ગામમાં પહોંચતા જ આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. સિક્યોરિટી ફોર્સની જવાબી કાર્યવાહીમાં ૩ આતંકી ઠાર થયા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કોઈ પણ પ્રકારના પ્રદર્શનોને રોકવા માટે અથડામણવાળી જગ્યાના આસપાસના ક્ષેત્રોમાં વધારે જવાનો તહેનાત કરી દીધા છે. આ ઉપરાંત તંત્ર દ્વારા પુલવામામાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે.
રવિવારે બે આતંકીઓ માર્યા ગયા હતા: કાશ્મીરના શોપિયાંમાં રવિવારે સિક્યોરિટી ફોર્સની સાથે થયેલી અથડામણમાં બે આતંકીઓ ઠાર થયા હતા. ૩ મેનાં રોજ સુરક્ષાદળે શોપિયાંમાં જ ત્રણ આતંકીઓને ઠાર કર્યા હતા. જેમાં હિઝબુલ મુજાહિદ્દીનનો કમાન્ડર લતીફ ટાઈગર પણ સામેલ હતો. ટાઈગર તે ૧૦ આતંકીઓનો છેલ્લો કમાન્ડર હતો જે બુરહાન વાની સાથે જોડાયેલો હતો. ૮ જુલાઈ ૨૦૧૬નાં રોજ એક અથડામણમાં બુરહાન વાની માર્યો ગયો હતો.