સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કાલે ઈડીએસી
અમરેલી, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, પડધરી, ધ્રોલ, રાજકોટ સહિતનાં વિદ્યાર્થીઓને કાલે સજા સંભળાવાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગેરરીતી આચરતા વિદ્યાર્થીઓ પર ગઈકાલે પણ તવાઈ બોલાવવામાં આવી હતી. ગડુની સૌરભ કોલેજમાં માસ કોપી કેસ સામે આવતા પરીક્ષા કેન્દ્ર સજજ કરી દેવામાં આવ્યું છે અને ‚રૂ.૫૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. જયારે પરીક્ષા દરમિયાન ઉતરવહી ફાડી નાખતા, અપશબ્દો બોલતા અને પેપરમાં લખતા ૬ છાત્રોને ૯ પરીક્ષાની સજા ગઈકાલે સંભળાવવામાં આવી હતી. જયારે વધુ ૭૧ જેટલા વિદ્યાર્થીઓને હિયરીંગ માટે આવતીકાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે બોલાવવામાં આવ્યા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ઉપકુલપતિ ડો.વિજય દેસાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલી ૧૪ માર્ચ પછીની પરીક્ષામાં ગેરરીતી કરતા પકડાયેલા ૭૧ જેટલા વિદ્યાર્થીઓને આવતીકાલે હિયરીંગ માટે બોલાવવામાં આવ્યા છે જેમાં પરીક્ષા દરમિયાન ઉતરવહી ફાડી નાખતા, અપશબ્દો બોલતા, પગમાં જે-તે વિષયનું લખાણ લઈને આવેલા, હસ્તલિખિત કાપલી, પરીક્ષાખંડમાં મોબાઈલ સાથે પકડાયેલા, રાયટીંગ પેડમાં વિષયનું લખાણ લખીને આવેલા જેવા અનેક ગંભીર ગુનાઓમાં ગેરરીતી કરતા પકડાયેલા વિદ્યાર્થીઓને આવતીકાલે બોલાવાયા છે. આ તમામ વિદ્યાર્થીઓ મોટાભાગે અમરેલી, જામનગર, ધ્રોલ, પડધરી, પોરબંદર, રાજકોટનાં છે અને આ તમામ વિદ્યાર્થીઓની ચોરી સાંભળ્યા બાદ તેઓને આકરી સજા પણ સંભળાવવામાં આવશે.