સમાજ સંબંધ નહીં સ્વીકારે તેવા ડરથી ૨૦ વર્ષનો યુવાન અને ૧૪ વર્ષની કિશોરીએ લીમડાના ઝાડ સાથે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
અંજાર તાલુકાના ગળપાદર ગામની સીમમાંથી સગીર પ્રેમી પંખીડાએ લીમડાના ઝાડ સાથે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા નાના એવા ગામમાં શોકનું મોજુ ફેલાયું છે. આ બનાવમાં અંજાર પોલીસ મથકના સ્ટાફે મૃતદેહનું પીએમ કરાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ પ્રાપ્ત વિગતો મુજબ ગળપાદર ખેતરમાં એક્ટિવા પાર્ક કરેલી હાલતમાં યુવક અને યુવતીની લાશ લીમડાના ઝાડ સાથે લટકતી હાલતમાં જોવા મળી હતી.
બંનેએ આપઘાત કર્યો કે હત્યા થઈ તે બહાર આવ્યુ નથી. આ બનાવની જાણ પોલીસને થતા ઘટના સ્થળે દોડી જઈ ગળપાદરની સીમમાં ખેતરમાં ઝાડ પર સગીર પ્રેમી યુગલના મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલે ખસેડી વાલીવારસની શોધખોળ હાથ ધરી હતી.
જેમાં ગળપાદર ગામે રહેતો ભાવેશ દેવજી સોલંકી નામના ૨૦ વર્ષીય યુવાન અને ૧૪ વર્ષીય સગીરા હોવાનું બહાર આવતા પોલીસે બન્નેના વાલીઓને મૃતદેહ સોંપી આગળની તપાસ હાથ ધરી છે. આ પ્રેમસંબંધ સમાજ નહીં સ્વીકારે તેવા ડરથી બન્નેએ સજોડે આપઘાત કરી લીધાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. વધુ તપાસ પીએસઆઈ જે.જે.જાડેજા અને રાઈટર વનરાજસિંહ ચલાવી રહ્યાં છે.