ઝેરી દવા પી લેતા પરિવારજનો હોસ્પિટલના બદલે માતાજીના મઢે લઇ ગયા
વિશ્વ આખુ ૨૧મી સદીના વિજ્ઞાન અને મેડિકલ યુગમાં જીવી રહ્યા છે. ત્યારે ચોટીલાના ગુંદા ગામનો પરિવાર અંધશ્રધ્ધામાં જીવી રહ્યો હોય તેમ યુવાને ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલના બદલે માતાજીના મઢે લઇ જતા મોત નીપજ્યાનું પ્રકાશમાં આવ્યું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ચોટીલા તાલુકાના ગુંદા ગામે રહેતા જીવરાજભાઇ બચુભાઇ રાઠોડ નામના ૨૫ વર્ષના કોળી યુવાને ઝેરી દવા પીધેલી હાલતમાં સારવાર માટે અહીંની હોસ્પિટલમાં લાવવામાં આવતા ફરજ પરના તબીબે તેનું મોત નીપજ્યાનું જાહેર કર્યુ છે.
મૃતક જીવરાજભાઇ રાઠોડે ગત તા.૧૩મી રાતે પોતાના ઘરેથી કોઇને કંઇ કહ્યા વિના જતો રહ્યો હતો પરિવારજનો દ્વારા તેની શોધખોળ કરવામાં આવતા સવારે ઝેરી દવા પીધેલી હાલતમાં નદી પાસેથી મળી આવતા તેને અર્ધબેભાન હાલતમાં ઝેરી દવા પીધી હોવાનું પરિવારજનોને જણાવ્યું હતું.
જીવરાજભાઇ રાઠોડ ઉલ્ટી કરતો હોવાથી પરિવારજનો તેને પલાસ ગામે વિહોત માતાજીના મઢે લઇ જઇ બે કલાક સુધી પરિવાજનો દ્વારા માતાજીને પ્રાર્થના કરી હતી પણ તેની તબીયતમાં સુધારો થવાને બદલે વધુને વધુ લથડતા તેને ઘરે લઇ જઇ તરબુચ ખવડાવ્યા બાદ કુવાડવા રોડ પર ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાતા તબીબે ઝેરી દવા પીવાનો કેસ હોવાથી સરકારી હોસ્પિટલમાં લઇ જવા સલાહ આપતા ત્યાં પહોચ્યા તે દરમિયાન તેનું મોત નીપજ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.