વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશનાં બલીયામાં જાહેર સભા સંબોધી, છેલ્લા તબકકાની ચૂંટણી માટે પ્રચાર-પ્રસાર પુરજોશમાં
ઉત્તરપ્રદેશના બલિયામાં વડાપ્રધાન મોદીએ મંગળવારે ચૂંટણી સભા કરી. ચૂંટણીના અંતિમ તબક્કામાં નેતાઓ દ્વારા એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ જોરશોરથી જોવા મળી રહ્યાં છે. ત્યારે બલિયામાં પણ મોદીએ વિપક્ષ પર નિશાન સાધતાં કહ્યું કે, મહામિલાવટી લોકો મળીને મોદીને ગાળો આપી રહ્યાં છે, એવો કોઈ જ દિવસ નથી જ્યારે મને ગાળો નથી પડતી. રેલીમાં મોદીએ કહ્યું કે અમે જાતિ પૂછીને ઘર અને શૌચાલય નથી આપતા, હું વોટ પણ જાતિના આધારે નથી માગતો. મોદીએ કહ્યું જેટલાં વર્ષ ફઈ-ભત્રીજો મુખ્યમંત્રી રહ્યાં એટલાં વર્ષ તો એકલા ગુજરાતનો સીએમ રહ્યો છું. જન્મ્યો ભલે અતિ પછાત જાતિમાં પરંતુ લક્ષ્ય હિંદુસ્તાનને વિશ્વમાં અગ્રક્રમાંકે મુકવાનું રાખ્યું છે.
મોદીએ કહ્યું કે, “હું સમાજમાં છેલ્લી હરોળમાં ઊભા વ્યક્તિને સશક્ત બનાવવા માટે મથી રહ્યો છું. મહામિલાવાટવાળા મોદીની જાતિ પૂછી રહ્યાં છે. મેં અનેક ચૂંટણી લડી અને લડાવી છે, પરંતુ ક્યારેય મારી જાતિનો સહારો નથી લીધો. મારા મગજમાં જાતિ છે જ નહીં. ઘર, ગેસનો ચુલો અને શૌચાલય પણ જાતિ પૂછીને નથી આપ્યાં. તેથી વોટ પણ જાતિના નામે નહીં દેશના નામે માગુ છું.”
મેં ગરીબી સામે લડાઈ લડી: મોદીએ કહ્યું, “હું નથી ઈચ્છતો કે તમારું બાળક પછાત જિંદગી જીવવા માટે મજબૂર બને, તેમને પછાતપણું અને ગરીબી વિરાસતમાં મળે. મેં પણ ગરીબી શું હોય છે તેનું દર્દ સહન કર્યુ છે. ગરીબી સામે લડતા લડતા ગરીબી વિરૂદ્ધ બાગી થઈ ગયો છું. મેં નાનપણમાં માને રસોડામાં ધુંવાડા સામે લડતા જોઈ. ગરીબોની છત ટપકતા જોઈ. આ બધી વાતે જ મને ગરીબી સામે લડવા માટે પ્રેરિત કર્યો. મહામિલાવટી તમને લૂંટીને સંબંધીઓ માટે બંગલા અને મહેલ બનાવ્યા. બેનામી સંપત્તિના પહાડ ઊભા કર્યા. આજે બધો જ હિસાબ એજન્સીઓ લઈ રહી છે.”
છેલ્લા તબક્કામાં ૧૯મેના રોજ મતદાન થશે: મોદી બિહારના બક્સર અને સાસારામમાં પણ રેલી કરશે. આ બેઠકો પર છેલ્લા તબક્કામાં ૧૯મેના રોજ મતદાન થશે. છેલ્લા તબક્કામાં યુપીના વારાણસી, મહરાજગંજ, ગોરખપુર, કુશીનગર, દેવરિયા, બાંસગામ, ઘોસી, સલેમપુર, બલિયા, ગાજીપુર, ચંદોલી, મિર્ઝાપુર અને રોબટ્સગંજમાં મતદાન થશે. આ ૧૩ બેઠકોમાંથી ગત વખતે ભાજપે ૧૨ બેઠકો જીતી હતી.