અકિલ કુરેશીને મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં, ડી.એન.પટેલને દિલ્હી હાઈકોર્ટનાં ચીફ જસ્ટીસ તરીકે પસંદગી કરવાનો સુપ્રીમ કોર્ટની કોલેજીયમનો નિર્ણય
દેશની અદાલતોમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ નહિવત રહ્યા બાદ અંતે ૩ રાજયની અદાલતમાં ચીફ જસ્ટીસ તરીકે ગુજરાતી જસ્ટીસ સ્થાન પામ્યા છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટમાં પણ ગુજરાતનાં જસ્ટીસ એન.આર.શાહને પ્રતિનિધિત્વ મળ્યું છે.
સુપ્રીમ કોર્ટે કોલેજીયમ દ્વારા મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં ચીફ જસ્ટીસ તરીકે અકિલ કુરેશી અને દિલ્હી હાઈકોર્ટમાં ચીફ જસ્ટીસ તરીકે ડી.એન.પટેલની નિમણુક કરાઈ છે. ઓડિશા હાઈકોર્ટમાં ચીફ જસ્ટીસ તરીકે જસ્ટીસ કે.એસ.ઝવેરીની નિમણુક ઓગસ્ટ ૨૦૧૮માં કરવામાં આવી હતી. ૭ માર્ચ ૨૦૦૪નાં એક જ દિવસે હાઈકોર્ટમાં જસ્ટિસ તરીકે નિયુકત થયેલા ૪ જસ્ટીસને આજે દેશનાં ૩ રાજયની હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ તરીકે અને એક જસ્ટીસ સુપ્રીમ કોર્ટમાં જસ્ટીસ તરીકે નિયુકત પામ્યા છે.અગાઉ બે વર્ષ સુધી સુપ્રીમ કોર્ટમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ જ ન હતું.
જે અંગે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસીએશન દ્વારા અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું. જે બાદ ગુજરાતને યોગ્ય પ્રતિનિધિત્વ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સુપ્રીમ કોર્ટ કોલેજીયમ દ્વારા ઝારખંડમાં જસ્ટિસ તરીકે નિયુકત થયેલા જસ્ટીસ ડી.એન.પટેલની દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટીસ તરીકે નિમણુક થઈ છે. તેમજ મુંબઈ હાઈકોર્ટમાં નિયુકત થયેલ જસ્ટિસ અકિલ કુરેશીની મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં ચીફ જસ્ટીસ તરીકે નિયુકિત થઈ છે.