વાડીએ બદામના ઝાડ સાથે પગ બાંધેલી અને મોઢે પટ્ટી લગાવેલી ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી તા.૨૩ મેના લગ્ન થાય તે પૂર્વે મોત થતા પરિવારમાં અરેરાટી સાથે શોક: ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ રાજકોટ લવાયો
જસદણ તાલુકાના રામડીયા ગામે કોળી યુવાનના આગામી તા.૨૩ મેના રોજ લગ્ન થયા તે પૂર્વે જ પોતાની વાડીના બદામના ઝાડ સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા પરિવારમાં અરેરાટી સાથે શોક છવાય ગયો છે. મૃતકના બંને પગ બાંધેલા અને મોઢા પર પટ્ટી લગાવેલી હોવાથી તેની હત્યા કરાયાની મૃતકના પરિવાર દ્વારા શંકા વ્યક્ત થતા પોલીસે મૃતદેહનું ફોરેન્સિક નિષ્ણાંત પાસે પોસ્ટમોર્ટમ કરાવ્યું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રામડીયા ગામે રહેતા આશિષ અમરશીભાઇ નામના ૨૧ વર્ષના કોળી યુવાનની ગઇકાલે સાંજે તેની જ વાડીમાં બદામના ઝાડ સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. મૃતકના બંને પગ અને મોઢા પર પટ્ટી લગાવી હોવાથી તેની હત્યા થયાની પરિવારને શંકા જણાતી હતી તેમ છતાં તે જીવિત હોવાનું માની સારવાર માટે સરધાર હોસ્પિટલ ખાનગી વાહનમાં લાવવામાં આવ્યો હતો ત્યારે ફરજ પરના તબીબે તેનું મોત નીપજ્યાનું જાહેર કર્યુ હતું.
આશિષનું શંકાસ્પદ રીતે મોત થયું હોવાથી તેની હત્યા થયાની શંકા પરિવારજનોને જણાતા ફોરેન્સિક નિષ્ણાંત પાસે પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ રાજકોટ લાવવામાં આવ્યો હતો. મૃતક આશિષની અઢી વર્ષ પહેલાં રાજકોટમાં સગાઇ થઇ હતી અને આગામી તા.૨૩ મેના રોજ લગ્ન થવાના હોવાથી પરિવાર દ્વારા લગ્નની તૈયારી કરવામાં આવી રહી હતી ત્યાં જ તેનું શંકાસ્પદ રીતે મોત થતાં પરિવારમાં કરૂણાંતિકા સાથે શોક મગ્ન બની ગયા છે.
આશિષ તા.૧૩મીએ સાંજે પોતાના ઘરે સુરાપુરા દાદાના દર્શન કરવા જવાનું કહીને નીકળ્યા બાદ તેની વાડીમાંથી જ લાશ મળી આવતા તેની હત્યા થયાની શંકા જણાતા તેના પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ તેના મોતનું ચોક્કસ કારણ બહાર આવે તેમ હોવાનું પોલીસસુત્રો જણાવી રહ્યા છે. મૃતક આશિષ પીજીવીસીએલમાં કોન્ટ્રાકટ બેઇઝથી કામ કરતો હોવાનું અને બે ભાઇ અને એક બહેનમાં સૌથી મોટો હોવાનું જાણવા મળે છે.