ઓફલાઈન બાંધકામ પરવાનગી આપવાની મુદત ૩૦મી જુને પૂર્ણ થયા બાદ આઈએફપીનાં બદલે ઈ-નગર પોર્ટલની અમલવારી કરાશે: બિલ્ડરો અને આર્કિટેકને માહિતગાર કરાયા
બાંધકામની પરવાનગી માટે બિલ્ડરો તથા આર્કિટેકે સરકારી કચેરી સુધી ધકકો ન ખાવો પડે તે માટે રાજય સરકાર દ્વારા ઓનલાઈન વિકાસ પરવાનગી આપવાની પ્રથા શરૂ કરી છે જોકે આ માટે બનાવવામાં આવેલું આઈએફપી પોર્ટલનું સર્વર વારંવાર ઠપ્પ થઈ જતું હોવાનાં કારણે રાજયભરમાં બાંધકામ ઉધોગો પડી ભાંગીયા હતા. દરમિયાન રાજય સરકારે ઓનલાઈન સાથે ઓફલાઈન પણ પ્લાન મંજુર કરવાની સિસ્ટમ ચાલુ રાખી છે.
જેની મુદત આગામી ૩૦મી જુનનાં રોજ પૂર્ણ થઈ રહી હોય બાંધકામ પરવાનગી ઉપરાંત ફાયર બ્રિગેડનાં એનઓસી, શોપ એકટ લાયન્સ સહિતનાંઓ દ્વારા એક નવું જ ઈ-નગર નામનું પોર્ટલ વિકસાવવામાં આવશે. આજે મહાપાલિકાની વેસ્ટ ઝોન કચેરી ખાતે ગાંધીનગરથી આવેલી પીસીએસની ટીમે ઈ-નગર પોર્ટલ અંગે બિલ્ડર એસોસીએશનનાં પ્રતિનિધિઓ અને આર્કિટેક એસોસીએશનનાં પ્રતિનિધિઓને માહિતગાર કર્યા હતા.
રાજયભરમાં બાંધકામની પરવાનગી ઓનલાઈન આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ માટે ઈન્વેસ્ટમેન્ટર ફેસીલીટેશન પોર્ટલ (આઈએફપી) બનાવવામાં આવ્યું હતું. આ પોર્ટલ જનરલ હોવાનાં કારણે સર્વર ઠપ્પ થઈ જવા, નેટવર્ક ન મળવા સહિતની સમસ્યાઓનાં કારણે મહિનાઓ સુધી બાંધકામ પ્લાનને મંજુરી મળતી ન હતી.
આ અંગે રાજયભરનાં બિલ્ડર એસોસીએશન દ્વારા રાજય સરકાર સમક્ષ રજુઆત કરવામાં આવી હતી અને સરકારે ઓનલાઈન સાથે ઓફલાઈન બિલ્ડીંગ પ્લાન મંજુર કરવાની સિસ્ટમ પણ ચાલુ રાખી છે. જેની મુદત આગામી ૩૦મી જુનનાં રોજ પૂર્ણ થઈ રહી છે. બાંધકામની ઓનલાઈન પરવાનગી માટે રાજય સરકારે ઈ-નગર નામનો નવો સોફટવેર વિકસાવ્યો છે જેનું કામ ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસ (ટીસીએસ)ને આપવામાં આવ્યું છે.
આ સોફટવેર માત્ર મહાપાલિકા પુરતો સીમીત રાખવામાં આવશે અને અલગ-અલગ કોડ આપવામાં આવશે જેનાં કારણે એક જ પોર્ટલ પર પરવાનગી માટેનો ઘસારો વધુ ન રહે. સર્વર ડાઉન થવા જેવી સમસ્યા ન સર્જાય અને બિલ્ડરોને સમયસર બાંધકામની પરવાનગી મળી રહે. આજે ગાંધીનગરથી ટીસીએસની એક ટીમ રાજકોટ મહાપાલિકાની મુલાકાતે આવી હતી. તેઓ વેસ્ટઝોન કચેરી ખાતે ટીપી શાખાનાં ટેકનિકલ સ્ટાફ ઉપરાંત બિલ્ડર એસોસીએશનનાં પ્રતિનિધિઓ અને આર્કિટેક એસોસીએશનનાં પ્રતિનિધિઓને આ નવાં પોર્ટલ અંગે માહિતગાર કર્યા હતા.
ઈ-નગરમાં માત્ર બાંધકામ પરવાનગી પુરતુ સિમિત નહીં રહે પરંતુ તેમાં ફાયર બ્રિગેડનું એનઓસી, શોપ એકટ લાયસન્સ સહિતની તમામ પ્રકારની કામગીરી આવરી લેવામાં આવશે જેનાથી લોકોને સામાન્ય કામ માટે કોર્પોરેશન કે અન્ય કોઈ સરકારી કચેરી સુધી ધકકા નહીં ખાવા પડે.