એએસપી રવિ તેજા દ્વારા કરાયેલી તપાસમાં પોલીસે વિના કારણે લાઠીચાર્જ કર્યાનુ ફલીત થતા રેન્જ આઈ.જી. સુભાષ ત્રિવેદીએ ફોજદાર અને બે કોન્સ્ટેબલને કર્યા સસ્પેન્ડ
રાધારમણ ટેમ્પલ બોર્ડની ચૂંટણીના મતદાનના કવરેજમાં ગયેલા પત્રકારો
સાથે પોલીસના બેહુદા વર્તનથી રાજયભરમાં પડયા ઘેરા પ્રત્યાઘાતો
જૂનાગઢ ખાતે રાધારમણ ટેમ્પલ બોર્ડની ૭ બેઠકોની યોજાયેલી ચુંટણીના મતદાન બાદ જુનાગઢ પોલીસનાં કેટલાક કર્મચારી દ્વારા ટી.વી. મીડીયાના કેમેરામેન તથા પત્રકાર સાથે શુટીંગ ઉતારવા બાબતે મામલો ઉગ્ર બનતા પોલીસ સબ ઈન્સ્પેકટર સહિત ચાર પોલીસ કર્મચારી દ્વારા કેમેરામેન પર લાઠીઓ વર્ષાવવામાં આવ્યાની ઘટનાનાં ઘેરા પ્રત્યાઘાત પડતા જેમાં આખરે રેન્જ આઈ.જી. દ્વારા તાત્કાલીક પી.એસ.આઈ. તથા બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરતો હુકમ કર્યો છે.
વધુ વિગત મુજબ જુનાગઢ સ્વામીનારાયણ મંદિરના વહીવટી સંચાલન માટે ૭ બેઠકોની ચુંટણીનુ રવિવારે મતદાન યોજાયેલુ જે મતદાનમાં અનિચ્છિનીય બનાવ બને નહીં તે માટે જીલ્લા પોલીસવડા સૌરભસિંઘ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલો ત્યારે પોલીસે કોઈ શખ્સની અટકાયત કરી પોલીસ વાનમાં લઈ જવાતો હતો ત્યારે મીડીયાના કેમેરામેન શુટીંગ કરતા હતા તેને અટકાવી પોલીસે પત્રકારોની કામગીરીમાં અવરોધ ઉભો કર્યા બાદ કેમેરામેન અને પોલીસ વચ્ચે થયેલા તું તું મેં મેં બાદ બંન્ને વચ્ચે મામલો બીચકતા પોલીસે કાયદો હાથમાં લઈ પત્રકારો અને કેમેરામેન પર ગુનેગારોની જેમ લાઠીઓ વરસાવી હતી.
તાજેતરમાં જ હાઈકોર્ટ દ્વારા જાહેરમાં પોલીસ દ્વારા માર મારી કે સરઘસ કાઢવા સામે લાલ આંખ કરી છે. ત્યારે જ જૂનાગઢમાં ચોથી જાગીર ઉપર પોલીસે જાહેરમાં લાકડીઓ વડે માર માર્યાની ઘટના સામે આવી છે.આ ઘટનાનાં રાજ્યભરમાં ઘેરા પડઘા પડયા હોય જેના પગલે જુનાગઢ એસ.પી.કચેરી ખાતે પત્રકારો ન્યાય માટે ધરણા પર બેસી જઈ જવાબદારો સામે પગલા લેવા માંગ કરી રાજ્યભરમાં ઠેર ઠેર ધરણા યોજી આવેદન પત્ર અપાયા હતા.
પત્રકાર પર હુમલાની ઘટનાની ગંભીરતા લઈ રાજ્ય સરકારના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જુનાગઢ રેન્જ આઈ.જી.પી.ને દોષીતો સામે કડક કાર્યવાહી કરવા આપેલા આદેશ બાદ આ મામલાની એ.એસ.પી. રવિ તેજાને તપાસ સોંપી હતી. રવિ તેજા દ્વારા કરાયેલી તપાસના અંતે એ.ડીવી. પોલીસ મથકનાં પી.એસ.આઈ. જે.પી.ગોસાઈ, કોન્સ્ટેબલ ભરત અનંત ચાવડા અને વિજય મેઘા બાબરીયાને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે હજુ એક પોલીસ કોન્સ્ટેબલની સામે તપાસ ચાલી રહી છે. જો તે કસુરવાન હશે તો તેની સામે પણ પગલા લેવામાં આવશે. તેમ રેન્જ આઈ.જી.દ્વારા જણાવ્યુ છે.