આ ચૂંટણીમાં ઉભી થયેલા વાતાવરણ અને જુના આંકડાઓને ધ્યાનમા લેતા ભાજપ એકલે હાથે માત્ર ૧૮૦ જેટલી સીટો જીતી શકે તેવો રાજકીય પંડિતોનો મત: કેન્દ્રમાં ફરી મોદી સરકાર બનશે તો પણ સાથી પક્ષોની દાદાગીરી વધશે
વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારતમા લોકશાહીના મહાપર્વ એવી લોકસભાની ચૂંટણી હવે આખરી તબકકામાં છે.ત્યારે ૨૩મીએ થનરી મતગણતરી પહેલા કેન્દ્રમાં કોની સરકાર બનશે? તે જાણવા દરેક ભારતીયોમાં પ્રબળ મહત્વાકાંક્ષા છે. ત્યારે, રાજકીય પંડીતો આ ચૂંટણીમાં ત્રિશંકુ લોકસભા બનવાની સંભાવના સેવી રહ્યા છે
. મતદાનના આંકડાઓ અને સ્થાનિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાજકીય પંડીતો દ્વારા તર્કના આધારે સંભાવનાઓ વ્યકત કરાતી હોય છે. આવા જ એક રાજકીય પંડીતે ૨૦૧૪માં લોકસભાની ૨૮૨ બેઠકો જીતના‚ ભાજપ આ ચૂંટણીમાં ૧૮૦ બેઠકોની આસપાસ માંડ પહોચી શકશે તેવી સંભાવના વ્યકત કરરી છે. આ સંભાવનાને માનીએ તો દેશમાં મોદી વેવ કે મોદી મેજીક? જેવું કાંઈ છે કે કેમ તેના પર પ્રશ્નાર્થ ઉભો થયો છે. મોદી સાથી પક્ષોના સહારે જ સરકાર બનાવી શકશે તેવું સંભાવના છે.
જો ભાજપ ૨૨૫ બેઠકો લાવશે તો તેના એનડીએના સાથી પક્ષો શિવસેના, જનતાદળ (યુ) વગેરેના દબાણ સામે લડી શકશે પરંતુ, આ રાજકીય પંડીતે રજૂ કરેલા વિશ્લેષણમાં એવી સંભાવના કરી છે કે ભાજપને વર્તમાન સ્થિતિમાં ૧૬૫ થી ૧૮૦ની વચ્ચે બેઠકો આવશે જો ઈવીએમ મેજીક થશે તો જ ભાજપ ૩૦૦ની ઉપર બેઠકો જીતી શકશે.
પરંતુ, જે રીતે વિપક્ષો ઈવીએમમાં થતા ગોટાળા પર આશંકાઓ વ્યકત કરી રહ્યા છે. તેને જોતા આ ચૂંટણીમાં આવી સંભાવનાઓ ખૂબ ઓછી છે સૌ પ્રથમ વાત કરીએ તો દેશમાં સૌથી વધારે ૮૦ લોકસભાની બેઠકો ધરાવતા ઉત્તર પ્રદેશમાં ૨૦૧૪ની લોકસભા અને ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં ભારે મોદી મેજીક હોવાથી ૭૨ બેઠકો જીતી હતી. પરંતુ, તેને મળેલા મતો સપા, બસપા અને રાષ્ટ્રીય લોકદળના મળેલા મતો કરતા ઓછા હતા.
જે આ ચૂંટણીમાં ગઠ્ઠબંધન કરીને લડી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં ભાજપ વિપક્ષી ગઠ્ઠબંધન વચ્ચે સીધી લડાઈ છે. કોંગ્રેસનું અમુક બેઠકો પર વર્ચસ્વ છે. અમિતશાહ આ ચૂંટણીમાં યુપીમાં ૭૨ની જગ્યાએ ૭૪ બેઠકો જીતવાની વાતો કરી રહ્યા છે. જે ઈવીએમમાં ગોટાળા વગર શકય નથી કારણ કે ૨૦૧૪ અને ૨૦૧૭માં દલિત, યાદવ, મુસ્લિમ મતદારોના મતો સપા, બસપામાં વહેંચાઈ ગયા હતા પરંતુ આ ચૂંટણીમાં બંને ગઠ્ઠબંધનથી લડી રહ્યા હોય શાહનો આવિશ્વાસ વધુ પડતો છે. ઉલ્ટાનું ભાજપના ગઢ ગણાતા નોઈડા, આગ્રા, કાનપૂર, ગોરખપુર વગેરે જેવી બેઠકો પર પણ વિપક્ષી ગઠ્ઠબંધનના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. આ વર્તમાન સ્થિતિને જોતા ઉતર પ્રદેશની ૮૦ બેઠકોમાંથી ભાજપને માત્ર ૨૫ જેટલી જ બેઠકો મળે તેવી સંભાવના છે.
૨૦૧૪માં યોજાયેલી ચૂંટણીમાં ઉત્તર ભારતના ત્રણ રાજયોમાં ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડમાં મોદી મેજીક ચાલ્યો હતો. જેથી આ ત્રણે રાજયોની ૧૩૪માં ભાજપને ૧૦૫ બેઠકો જીતી હતી આ રાજયોમાં ભાજપ માટે મુશ્કેલી છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને છતીસગઢનાં રાજયો છે. આ રાજયોની ૯૧ બેઠકોમાંથી ૨૦૧૪માં ભાજપે ૮૮ બેઠકો મેળવી હતી.
આ રાજયોમા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે. તાજેતરમાં આ ચારેય રાજયોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છસીસગઢમાં કોંગ્રેસે વિજય મેળવ્યો હતો જયારે, ગુજરાતમાં કસોકસની લડાઈ બાદ પાતળી બહુમતીથી ભાજપે સત્તા મેળવી હતી. આ કારણો તથા વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લેતા આ રાજયોમાં ભાજપને ૨૭ બેઠકોનું નુકશાન થવાની સંભાવના છે.
ત્રીજુ કારણ, મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા બે મોટા રાજયોનું આ બંને રાજયોની ૭૬ બેઠકોમાથી ભાજપે ૨૦૧૪માં ૪૪ બેઠકો જીતી હતી પરંતુ આ ચૂંટણીમાં આ બંને રાજયોમાં ભાજપને વિપક્ષે ભારે ટકકર આપી હોય આ ચૂંટણીમાં આ બંને રાજયોમાં ૧૫ બેઠકોનું નુકશાન થવાની સંભાવના છે. જયારે ચોથુ કારણ પુર્વોત્તર, નાના રાજયો અને કેન્દ્ર શાસીત એવા ૧૭ વિસ્તારોની ૪૯ બેઠકોનું છે.
આ રાજયોમાંથી પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સા બે રાજયોમાં ભાજપની સ્થિતિ સારી હોવાનું મનાય છે. પરંતુ આ રાજયોમાં ભાજપને થયેલો ફાયદો બીજા રાજયોમાં થયેલા નુકશાનને ભરપાઈ કરવા સક્ષમ ન હોવાની સંભાવના છે. પશ્ર્ચિમ બંગાળ, ઓરિસ્સા અને દક્ષિણ રાજયોને સાથે જોવામાં આવે તો તેની કુલ ૨૪૨ બેઠકોમાંથી ૨૦૧૪ની ચૂંટણીમાં ભાજપને માત્ર ૪૯ બેઠકો મળી હતી. પશ્ચિ બંગાળ અને ઓરિસ્સામાં ભાજપને ૩૦ બેઠકો મળવાની ભાજપી કમાન્ડ આશા રાખી રહ્યું છે તે વધારે પડતી છે.
આ રાજયોની ૪૯ બેઠકોમાંથીઅસમ, ગોવા, ચંદીગઢ, લક્ષદ્વીપ, હરિયાણા, દિલ્હી વગેરરેમાં એક કે બે બેઠકોનું નુકશાન થવાની સંભાવના છે. તે પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં બેઠકોમાં થનારા ફાયદાથી ભરપાઈ થવાની સંભાવના છે. આ તમામ સમીકરણોને ધ્યાનમાં રાખીએ તો ભાજપ લોકસભાની ૫૪૩માંથી વધારેમાં વધારે ૧૮૦ જેટલી બેઠકો જીતી શકે તેમ છે.
જેથી ભાજપે કેન્દ્રમાં સરકાર બનાવવા માટે એનડીએના સાથી પક્ષો ઉપરાંત બીજુ જનતાદળ, ટીઆરએસ, તૃણમુલ વગેરે જેવા ત્રીજા મોરચાના પક્ષોની મદદ લેવી પડે તેવી સંભાવના છે. આ ચૂંટણીમાં સામસામે લડેલા આ પક્ષો પોતાની શરતો પર મોદી સરકારને ટેકો આપશે જેથી કેન્દ્રમાં ફરીથી મોદી સરકાર આવશે તો પણ મોદીની રાહ આસાન નહી હોય.