સમગ્ર ઘટનામાં જેની સંડોવણીની શંકા વ્યક્ત થઇ રહી છે તેવા અધિકારીને તપાસ સોપવામાં આવતા મૃતક યુવાનના પરિવારમાં રોષ
પોલીસ દ્વારા યોગ્ય તપાસ નહી થાય તો હાઇકોર્ટમાં ન્યાય માટે દાદ માગશે
જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાને ફરી રજૂઆત કરાશે: હિમાન્શુભાઇ રાવલ
સુરેન્દ્રનગરના વિપ્ર યુવાનની એક સપ્તાહ પૂર્વે પોલીસ મથકમાં શંકાસ્પદ રીતે મોત થતા તેનું પોલીસ મારના કારણે મોત થયાની ઘટના બ્રહ્મસમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડયા બાદ મૃતકના પરિવારજનોએ યોગ્ય તપાસની ખાતરી મળતા મૃતદેહ સંભાળી લીધા બાદ જેની સામે સંડોવણીની શંકા વ્યક્ત થઇ રહી છે તેવા અધિકારીના સુપર વિઝન હેઠળ તપાસનું નાટક શરૂ કરાયાનું મૃતકના પરિવારના ધ્યાન પર આવતા પોતાની સાથે ખોટુ થયાના રોષ સાથે ફરી જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને તેમ છતાં પણ ન્યાય નહી મળે તો હાઇકોર્ટમાં દાદ માગવામાં આવશે તેમ ‘અબતક’ સાથેની વાતચીતમાં મૃતક કશ્યપ રાવલના પિતા હિમાન્શુભાઇ રાવલે જણાવ્યું છે.
કાર લે-વેચના હિસાબ અંગે પોલીસમાં થયેલી અરજીની તપાસ સુરેન્દ્રનગરના વિવાદાસ્પદ ગણાતા ડીવાય.એસ.પી. એ.બી.વાણંદના માર્ગ દર્શન હેઠલ મોબાઇલ લોકેશન મેળવી કશ્યપ રાવલની બાવળા પાસેથી અટકાયત કરી ખાનગી કારમાં સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથકે લાવ્યા બાદ તેની તબીયત લથડતા સારવાર માટે ગાંધી હોસ્પિટલ લઇ જવામાં આવતા તેનું મોત નીપજ્યાનું ફરજ પરના તબીબે જાહેર કર્યુ હતું.
કશ્યપ રાવલનું બપોરે બારેક વાગે મોત થયું હોવા છતાં તેના પરિવારને સાડા ત્રણ થી ચાર વાગ્યે કરવામાં આવી હોવાનું અને કશ્યપ રાવલ સામે ગુનો ન નોંધાયો હોવા છતાં તેનું ખાનગી કારમાં અપહરણ કરવામા આવ્યાનું પોલીસની થર્ડ ડીગ્રીના કારણે મોત થયાના આક્ષેપ થતા રાજકોટની મેડીકલ કોલેજમાં ફોરેન્સિક નિષ્ણાંત દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતુ.
બ્રહાસમાજના આક્રમક રોષના કારણે કશ્યપ રાવલના મોત અંગે ગુનો નોંધી યોગ્ય તપાસની ખાતરી આપતા મૃતદેહ સંભાળી લીધા બાદ સમગ્ર ઘટનામાં સંડોવાયેલાની શંકા છે તેવા ડીવાય.એસ.પી. એ.બી.વાળંદ દ્વારા તપાસ કરવામાં આવી રહી હોવાનું કશ્યપ રાવલના પિતા હિમાન્શુભાઇ રાવલના ધ્યાને આવતા તેઓએ પોલીસ દ્વારા થઇ રહેલી કાર્યવાહીથી નારાજ હોવાનું અને ફરી જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાને બ્રહ્મસમાજના આગેવાનોને સાથે લઇ કશ્યપ રાવલના મોત અંગેની તપાસ ડીવાય.એસ.પી. વાળંદ પાસેથી અન્ય અધિકારીને સોપવાની માગણી કરવામાં આવશે તેમ છતાં ન્યાય નહી મળે તો હાઇકોર્ટમાં દાદ માગવાનું પણ હિમાન્શુભાઇ રાવલે જણાવ્યું છે.