તમિલનાડુના અરાવકુરિચિમાં ચૂંટણી પ્રચાર દરમિયાન અભિનેતા કમલ હસને વિવાદ છેડયો
અભિનેતામાંથી રાજકારણી બનેલા કમલ હસને તમિલનાડુના અરાવકુરિચિમાં ચૂંટણી પ્રચાર દરમિયાન વિવાદ છેડ્યો છે. તેમણે કહ્યું કે આઝાદ ભારતનો પહેલો આતંકવાદી હિંદુ હતો. તેનું નામ નાથૂરામ ગોડસે હતું. અહીંથી જ આતંકવાદની શરૂઆત થઈ હતી. હું આ વાત એટલા માટે નથી કહી રહ્યો કારણ કે આ મુસ્લિમ બહુમતીવાળો વિસ્તાર છે. પરંતુ એટલા માટે કહી રહ્યો છું કે કેમકે મારી સામે ગાંધીની પ્રતિમા છે. હું અહીં તે હત્યાનો જવાબ શોધવા આવ્યો છું.
કમલ હસને વધુમાં જણાવ્યું હતું કે હું એવું ભારત ઈચ્છુ છું જ્યાં તમામને બરાબરી મળે. હું એક સારો ભારતીય છું. કમલ હસન આ અગાઉ નવેમ્બર ૨૦૧૭માં પણ હિંદુ કટ્ટરવાદ પર નિવેદન આપીને વિવાદોમાં આવ્યા હતા.
કમલ હસનના નિવેદન પર ભાજપે ઉગ્ર વિરોધ કર્યો છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ તમિલસઇ સૌંદરરાજને ટ્વીટ કરી કહ્યું કે ગાંધીની હત્યા અને હિંદુ આતંકવાદનો મામલો હાલ ઉઠાવવો ટીકાપાત્ર છે. તામિલનાડુની પેટાચૂંટણી પહેલા લઘુમતિના મત મેળવવા માટે આ વાત ઉઠાવીને કમલ હસને આગ સાથે રમત રમી છે. પરંતુ તેમણે શ્રીલંકામાં થયેલાં બોમ્બ બ્લાસ્ટ પર પોતાનો કોઈ જ પ્રતિભાવ આપ્યો ન હતો.
કમલ હસને ૨૧મી ફેબ્રુઆરીએ પોતાની પાર્ટી બનાવી હતી. તેઓ રાજ્યની એઆઈએડીએમકે અને કેન્દ્રની ભાજપ સરકાર પર સતત નિશાન સાધતા રહે છે. હાલમાં જ તેમણે ૨૦૨૪માં થનારી લોકસભા ચૂંટણી માટે પાંચ વર્ષ પહેલા જ ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો. સંભવત: દેશમાં પહેલી વખત આવું થયું છે અને ઢંઢેરાનું નામ ‘કોવઇ-૨૦૨૪’ રાખ્યું હતું.