૪૫૦ વૃક્ષોનું વાવેતર કરી તેનું કાળજીપૂર્વક જતન પણ કર્યું
વિધાર્થીના ભાવિનું ઘડતર કરે તે શિક્ષક. પરંતુ માંગરોળ નજીકના લોએજ ગામે એકલે હાથે પર્યાવરણ બચાવવાનો પુરુષાર્થ હાથ ધરી એક શિક્ષક ખરા અર્થમાં સમાજ માટે પણ માર્ગદર્શક બન્યા છે. છેલ્લા ૩૦ વર્ષમાં તેઓએ ગામમાં ન ફકત ૪૫૦ વૃક્ષો વાવ્યા છે, પરંતુ તેનું કાળજીપૂર્વક જતન કરતા આજે તે વટવૃક્ષો બની ગયા છે.
લોએજ ગામની એસ.ડી.બી. હાઈસ્કુલમાં સંસ્કૃતના શિક્ષક રામભાઈ જાદવભાઈ નંદાણીયા ૩૨ વર્ષની નોકરી બાદ છ માસ પહેલા જ નિવૃત થયા છે. સીધી અને સરળ જીવનશૈલી ધરાવતા આ શિક્ષક વિધાર્થીઓ અને ગ્રામજનોમાં તેઓના વૃક્ષો પ્રત્યેના પ્રેમ માટે પણ જાણીતા છે. માનવજાતે સમૃદ્ધિ પાછળ આંધળી દોટ મૂકી છે. દિન પ્રતિદિન વૃક્ષો કપાઈ રહ્યા છે. જંગલો નામશેષ થઈ રહ્યા છે. ગ્લોબલ વોર્મિંગની અસરો અનુભવાઈ રહી છે. ત્યારે આપણે ને બદલે હું શું કરી શકું? તેવા વિચારથી ૩૦ વર્ષ પહેલા શાળાના કંપાઉન્ડથી શરૂ કરેલી વૃક્ષો વાવવાની અને ઉછેરવાની પ્રવૃત્તિ આજે પણ બરકરાર રાખી છે.
તેઓએ કોઈના સહયોગ કે અપેક્ષા વિના જ શાળા ઉપરાંત રસ્તાની બંને સાઈડો, ઘરની આજુબાજુ, ઉજ્જડ-વેરાન જગ્યાઓમાં અત્યાર સુધી લીમડો, પીપળો, વડલા, ગુલમહોર, બોરસલી, ચરું, સપ્તપર્ણી, આસોપાલવ, સરગવા, કરંજ, બોરડી, સવન સહિત ૬૫૦ થી ૭૦૦ વૃક્ષો વાવ્યા છે. જે પૈકી ૪૫૦થી વધુ વૃક્ષો ઊગી નીકળ્યા છે. જેમાંથી ર૦૦ જેટલા તો ઘેઘુર અને વટવૃક્ષ બની ગયા છે. પોતે વાવેલા સંખ્યાબંધ વૃક્ષોને તેઓએ કપાયેલા જોયા છે, તો કયાંક વળી રખડતા પશુઓ નખ્ખોદ વાળી દેતા હોય, પરંતુ “જેવી જેની પ્રકૃતિ” એમ માની હતાશા ખંખેરી નાખે છે.
માતા પોતાના નવજાત શીશુનો ઉછેર કરે તેટલી જ કાળજીથી તે વાવેલા વૃક્ષોનું જતન કરે. પોતાના રોજીંદા કાર્ય અને પારિવારિક જવાબદારીમાંથી સમય કાઢી અઠવાડિયામાં ત્રણ દિવસ સાયકલ સાથે બે કેન અને બે ડોલ લઈ નીકળી પડે છે અને પોતે વાવેલા જ નહીં, આપમેળે ઉગી નીકળેલા છોડને પણ પાણી પીવડાવે છે. જરૂર જણાયે કાંટાળી વાડ લગાવે છે.
છોડ મોટા થાય અને વૃક્ષ બની જાય તેવા અનેક ઝાડ ફરતે તેઓએ સિમેન્ટના ઓટા પણ બાંધ્યા છે. પ્રકૃતિ પ્રત્યેના પ્રેમને લીધે શાળાની ફરજ દરમ્યાનના વર્ષોમાં ૬૦,૦૦૦ જેટલા રોપાનું પણ વિતરણ કર્યુ છે. નિસ્વાર્થ ભાવની આ પ્રવૃતિને રામસર પ્રકૃતિ પ્રત્યે પોતાની જવાબદારીનો એક ભાગ ગણે છે. ત્યારે દરેક નાગરીક વર્ષે ફકત એક વૃક્ષ વાવી અને તેની સારસંભાળ રાખવાનો નિયમ લે તો આવનારા દિવસોમાં સંભવિત ઘણી સમસ્યાઓનું નિરાકરણ લાવી શકાય તે નિર્વિવાદ હકીકત છે.