સૌરાષ્ટ્રમાં વાદળછાંયું વાતાવરણ: અસહ્ય ઉકળાટ
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે સવારે વાદળ છાંયુ વાતાવરણ રહેવા પામ્યું હતુ અસહ્ય ઉકળાટના કારણે લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે. આવતીકાલથી ચાર દિવસ કમૌસમી વરસાદની આગાહી આપવામાં આવી છે. દરમિયાન ગઈકાલે રવિવારે સાંજે રાજકોટ જિલ્લામાં ગોંડલ, જસદણ અને કોટડાસાંગાણી પંથકમાં સોપારી જેવડા મોટા કરા પડયા અને ભારે પવન સાથે વરસાદ પડયો હતો. પખવાડીયામાં બીજી વખત કમૌસમી વરસાદના કારણે ખેડુતોને પડયા પર પાટુ લાગ્યું છે.
રવિવારે સૌરાષ્ટ્રમાં સૂર્યનારાયણે આકાશમાંથી અગન વર્ષા કરી હતી જોકે સાંજે વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો અને રાજકોટ જિલ્લાના ગોંડલ કોટડાસાંગાણી તથા જસદણ પંથકમાં કરા, ભારે પવન સાથે વરસાદ પડયો હતો. કોટડાસાંગાણીમાં તો અડધો ઈંચ જેટલો વરસાદ વરસી જતા રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યા હતા. ગોંડલમાં પણ કરા સાથે વરસાદ પડતા લોકોને કાળઝાળ ગરમીમાં રાહત મળી હતી. આજે સવારથી જ વાતાવરણમાં થોડો પલ્ટો જોવા મળી રહ્યો છે અને વાદળ છાંયું વાતાવરણ સવારના સુમારે જોવા મળ્યું હતુ. આવતીકાલથી ચાર દિવસ કમૌસમી વરસાદની સંભાવના વ્યકત કરાય છે.
જસદણ વિંછીયા પંથકમાં રવિવારે સાંજે વાતાવરણમાં અચાનક પલ્ટો આવતા વરસાદી માહોલ છવાયો હતો સાંજે સાડા ચાર કલાકે સૂર્ય નારાયણ દેવ અચાનક અલોપ થતા અંધકાર છવાયો હતો. ત્યારબાદ જસદણમાં પવન અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટુ પડી જતા રોડ રસ્તાઓ ભીંજાય ગયા હતા.જસદણ તાલુકાના કનેસરા, વિરનગર, બળધોઈ, શાંતિનગર સહિતના પંથકમાં રવિવારે બપોર બાદ હવામાનમાં અચાનક પલ્ટો આવ્યો હતો તોફાની પવન સાથે કરાનો કમૌસમી વરસાદ પડયો હતો.