આમ્રપાલી બ્રિજ માટે સ્ટેન્ડિંગે રૂ.૨૨.૬૦ કરોડનો ખર્ચ મંજુર કર્યાનાં મહિનાઓ બાદ રેલવેમાં હજી નાણાં જમા કરાવ્યા ન હોવાનો ઘટસ્ફોટ
શહેરમાં સતત વકરી રહેલી ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે કોર્પોરેશન દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં અંડરબ્રિજ અને ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. શહેરનાં કાલાવડ રોડ અને ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલા કેકેવી ચોકમાં ફલાય ઓવરબ્રિજ નીચે અંડરપાસ બનાવવાનો પ્રોજેકટ હાલ પુરતો પડતો મુકી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે તો બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીએ આમ્રપાલી બ્રિજ માટે સ્ટેન્ડિંગ કમિટીએ મહિનાઓ પહેલા મંજુર કરેલા રૂ.૨૨.૬૦ કરોડ હજી સુધી રેલવેમાં જમા કરાવ્યા ન હોવાનું જાણવા મળી રહ્યું છે.
કેકેવી ચોકમાં ઓવરબ્રિજ નીચે રૂ.૨૦ કરોડનાં ખર્ચે સેન્ટમેરી સ્કુલથી સદગુરુ એપાર્ટમેન્ટવાળા બિલ્ડીંગ સુધી અંડરપાસ બનાવવાનો પ્રોજેકટ હાથ પર લેવામાં આવ્યો હતો જેનાં ટેન્ડર બે વાર પ્રસિઘ્ધ કરવામાં આવ્યા હતા જેમાં પ્રથમવાર ટેન્ડર માટે એક પણ કોન્ટ્રાકટરે રસ દાખવ્યો ન હતો જેનાં કારણે કરાયું હતું અને બીજીવાર પ્રસિઘ્ધ કરાયેલા ટેન્ડરમાં માત્ર એક જ એજન્સીની ઓફર આવતા હાલ આ અંડરપાસ પ્રોજેકટ પડતો મુકી દેવામાં આવ્યો હોવાનું વિશ્ર્વસનીય સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ પણ એવા સંકેતો આપ્યા હતા કે હાલ કેકેવી ચોકમાં અંડરપાસ બનાવવાની કોઇ જ આવશ્યકતા જણાતી નથી. બે વાર ટેન્ડર પ્રસિઘ્ધ કર્યા બાદ અચાનક જ આ પ્રોજેકટનો સંકેલો કરી લેવાયો છે.
આ ઉપરાંત રૈયા રોડ પર આમ્રપાલી રેલવે ફાટકે શહેરીજનોને ટ્રાફિકની સમસ્યામાંથી મુકિત અપાવવા માટે ઓવરબ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બ્રિજની ડિઝાઈન રેલવે દ્વારા ફાઈનલ કરાયા બાદ મહાપાલિકાએ રેલવે વિભાગને બ્રીજનાં નિર્માણ કામ માટે આપવાની થતી રૂ.૨૨.૬૦ કરોડનો ખર્ચો સ્ટેન્ડિંગ કમિટી દ્વારા અઢી માસ પૂર્વે મજુર કરવામાં આવ્યો છે જોકે ભેદી રીતે મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ દરખાસ્તને વહિવટી મંજુરી આપવામાં ન આવી હોવાનાં કારણે હજુ સુધી રેલવેમાં આમ્રપાલી ફાટક માટેની રકમ જમા કરાવી ન હોવાનાં કારણે આ બ્રિજનો પ્રોજેકટ આગળ ધપી શકયો નથી.