બીજી તરફ લાખો લીટર પાણીની થતી બેફામ ચોરી સામે તંત્રના આંખ આડા કાન
જસદણ-વિંછીયા પંથકની પાણી સમસ્યા નિવારવા માટે રાજયમંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ તાકિદે એક બેઠક બોલાવી તમામ અધિકારીઓને સુચના આપી કે પ્રજાને પાણીમાં કોઈ અગવડતા ન પડવી જોઈએ અને પાણી ચોરી કરનારા તત્વો સામે પોલીસ ફરિયાદ કરો આવી મંત્રીની સ્પષ્ટ સુચના બાદ પણ જસદણમાં બેફામ ભુતિયા નળજોડાણોમાં લાખો લીટરની પાણી ચોરી થાય છે. પ્રજાને ૮-૧૦ દિવસે પાણી મળે છે છતાં નગરપાલિકાનાં અમુક અધિકારીઓ, સભ્યો પ્રજાને પાંચ દિવસે પાણી મળે છે.
આ અંગે ભાજપનાં યુવા આગેવાન નિતીનભાઈ ચોહલીયાએ પણ પ્રજા વતી જાહેરમાં કહ્યું કે, શહેરમાં ટેન્કર યુગ છે અને પ્રજાને આઠ દિવસે પાણી મળે છે આ સત્ય હકિકત છે. શહેરનો મુખ્ય પાણીનો સ્ત્રોત આલણસાગર તળાવ તળિયા ઝાટક છે. મહિ નર્મદા યોજના આધારીત હવે જસદણ છે. આનું સંચાલન પાણી પુરવઠા બોર્ડ કરે છે. એમાં પણ સેટીંગ આધારિત દરેક કામનો કોન્ટ્રાકટ આપવામાં આવે છે અને કોન્ટ્રાકટરોને સમયસર પોતાના બિલો મળે તે માટેનાં કામોમાં રચ્યા પચ્યા હોવાથી જસદણ-વિંછીયા જયાં-જયાં પાણી પુરવઠા બોર્ડની લાઈનો છે. એમાં મોટાભાગે પાણી ચોરી પાણી પુરવઠા બોર્ડની આંખ નીચે થાય છે છતાં કોન્ટ્રાકટરની જીહજુરી કરનારા ટોપથી બોટમ સુધીના અધિકારીઓ આંખ મિચામણા કરતા હોવાથી જસદણને ૭-૮ દિવસે પાણી મળે છે.
જસદણ નગરપાલિકા અને પાણી પુરવઠા બોર્ડનાં જાહેર પાણી એકમોમાં દરરોજ લાખો લીટરની પાણી ચોરી થાય છે પણ છેલ્લા ૨૦ વર્ષમાં એકપણ પાણી ચોરીની ફરિયાદ બંને સંસ્થાઓનાં કોઈપણ અધિકારીએ કરી ન હોવાથી જસદણ-વિંછીયા પંથકમાં પાણીચોરીનું મોકળુ મેદાન છે ત્યારે બંને કચેરીના અધિકારીઓ મંત્રીની સુચનાનું પાલન કરશે કે પછી કોન્ટ્રાકટરોના બિલોમાં જ સમય પસાર કરશે ? તે આવનારો સમય જ બતાવશે. પણ હાલ જસદણ વિંછીયા પંથકમાં બેફામ પાણી ચોરીને કારણે કાયદેસર વેરો ભરનારાઓને ૭-૮ દિવસે પાણી મળે છે તેના બદલે લોકોને ત્રણ દિવસે પાણી મળવું જોઈએ. અત્રે એ ઉલ્લેખનીય છે કે, જસદણ નગરપાલિકા અને પાણી પુરવઠા બોર્ડ કચેરીની રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા ઉંડી તપાસ કરવામાં આવે તો કૌભાંડોની હારમાળા સર્જાઈ શકે !