વન વિભાગની ૨૦ ટીમો ગીર અભ્યારણ્ય, વીડીઓ તેમજ અન્ય અભ્યાણ્યોને ફંફોળશે: રેન્જ ફાઈન્ડર, જીપીએસ અને કેમેરા સહિતના આધુનિક સાધનો વડે વસ્તી ગણતરી કરાશે
ગીરના જંગલમાં સિંહ અને દિપડાનો ખોરાક ગણાતા તૃણભક્ષી પ્રાણીઓની આજથી વસ્તી ગણતરી કરવાનું શરૂ કરાયું છે. વન વિભાગની ૨૦ ટીમો ગીર અભ્યારણ્ય, વીડીઓ તેમજ અન્ય અભ્યારણ્યોને ફંફોળીને રેન્જ ફાઈન્ડર, જીપીએસ અને કેમેરા સહિતના આધુનિક સાધનો વડે તૃણભક્ષી પ્રાણીઓની વસ્તી ગણતરી કરવાની છે.
ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉધાનમાં દર વર્ષે તૃણભક્ષી પ્રાણીઓની રોડ કાઉંટ વાહન પદ્ધતિથી વસ્તી ગણતરી કરવામાં આવે છે. આ વર્ષે પણ વન્યપ્રાણી વિભાગ, સાસણ- ગીર દ્રારા તૃણભક્ષી પ્રાણીઓની વસ્તી ગણતરી યોજાશે. આ ગણતરી માટે ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉધાન, પાણિયા અભયારણ્ય અને મીતીયાળા અભયારણ્યમાં કુલ ૨૦ રૂટ અને ગણતરી માટેની ૨૦ ટીમ બનાવવામાં આવી છે.
એક ટીમમાં પાંચ વ્યકિતઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં વન વિભાગના અધીકારીશ્રીઓ અને કર્મચારીઓ ગણતરીકાર તરીકે રહેશે. આ ગણતરી તા.૧૧/૫/૨૦૧૯ અને તા.૧૨/૫/૨૦૧૯ના રોજ આધુનિક સાધનો જેવાકે રેન્જ ફાઇન્ડર,જીપીએસ, અને કેમેરા દ્રારા કરવામાં આવશે.
આ વર્ષે ગીરની અનામત અને બીનઅનામત વીડીઓમાં અલગ અલગ રૂટ બનાવી ત્યાં વસતા તૃણભક્ષી પ્રાણીઓની વસ્તી ગણતરી પણ યોજાશે. જે તા.૧૪/૫/૨૦૧૯ અને તા. ૧૫/૫/૨૦૧૯ના રોજ યોજાશે.આ ઉપરાંત ગીરનાર વન્ય જીવ અભયારણ્યમાં પણ આ વર્ષથી પહેલી વખત આ પદ્ધતિ દ્રારા તા. ૧૮/૫/૨૦૧૯ના અને તા.૧૯/૫/૨૦૧૯ના રોજ તૃણભક્ષી પ્રાણીઓની વસતી ગણતરી કરવામાં આવશે.
ગીરના જંગલોમાં વસ્તા તૃણભક્ષી પ્રાણીઓ સિંહ અને દિપડાનો મુખ્ય ખોરાક હોય છે. આવા પ્રાણીઓનું મારણ કરીને સિંહ અને દિપડા પોતાની જઠરાગ્ની ઠારતા હોય છે. તૃણભક્ષી પ્રાણીઓ એટલે કે, ઘાસ સહિતની લીલોતરી આરોગતા પ્રાણીઓ આવા પ્રાણીઓ ગીરના જંગલમાં ખુબ મોટી સંખ્યામાં નિવાસ કરી રહ્યાં છે ત્યારે તૃણભક્ષી પ્રાણીઓની વસ્તી ગણતરી કરીને વન વિભાગ જરૂરી સર્વે પણ હાથ ધરશે. તૃણભક્ષી પ્રાણીઓ સામાન્ય રીતે ટોળામાં મળી આવતા હોય છે. જેથી વન વિભાગને વસ્તી ગણતરી કરવામાં સરળતા રહે છે. આ વસ્તી ગણતરી બાદ વન વિભાગ તૃણભક્ષી પ્રાણીઓની સંખ્યા વધી છે કે ઘટી છે તે જાહેર કરશે.