જામ્યુકોએ માત્ર દ્વિચક્રી વાહનોના જ વેરા વસુલ્યા, અન્ય વાહનો વિસરાય જતાં તિજોરીને રૂ ૩.૪૪ કરોડનું નુકશાન
જામ્યુકોના વર્ષ ૨૦૧૧-૧૨ ના અન્વેષણમાં સંસ્થા દ્વારા ફકત ટુ-વ્હીલ પ્રકારના વાહનોના વેરા પેટે રૂ ૧૦.૪૩ લાખની વસુલાત કરવામાં આવીછે. જયારે ઓટો રીક્ષા, લોડીંગ, રીક્ષા મોટરકાર જીપ, મોટરકાર, મીની બસ, મોટા ટ્રક અને બસ અન્ય વાહન પર કેટલા ટકા લેખે તેની કિંમત આધારીત વેરો (આજીવન કર) વેચાણની સાથે વસુલાત કરવામાં આવી છે કે સરકાર દ્વારા નિર્મિત ટકાવારી આધારીત કે જામ્યુકો દ્વારા મંજુર કરેલી રકમ મુજબ વેરાની વસુલાત કરવામાં આવી છે તેની ખરાઇ કરાવી ન હોવાનું બહાર આવ્યું છે.
જામનગર મહાનગરપાલિકાના વર્ષ ૨૦૧૧-૧૨ ના ઓડીટ રિપોર્ટમાં વાહનવેરાની રૂ ૩.૪૪ કરોડ ઓછી વસુલાત કર્યાનું ખુલતા આશ્ચર્યની સાથે અનેક સવાલ ઉઠયા છે. કારણ કે આ વર્ષમાં ફકત ટુ-વ્હીલ પ્રકારના વાહનનો વેરાની વસુલાત કરી હતી. ત્યારે અન્ય વાહનના વેરાની વસુલાત ન કરતા મનપાને થયેલમ મસમોટા આર્થિક નુકશાન માટે જવાબદાર કોણ તે તપાસનો વિષય બન્યો છે. બીજી બાજુ ઓડીટમાં વાહનવેરાની ઓછી વસુલાત કર્યાનું ખુલ્યા બાદ કરવામાં આવેલી ટકરોથી જામ્યુકોની વાહનવેરાની આવક રૂ ૧૦ લાખથી વધીને રૂ ૩ કરોડે પહોંચી છે. ત્યારે વર્ષ ૨૦૧૦-૧૧ થી વર્ષ ૨૦૧૬-૧૭ સુધી વાહનવેરાની આવકનું શું તે પણ એક સળગત સવાલ છે.
ધી ગુજરાત પ્રોવીન્સીયલ મ્યુનિ. કોર્પોરેશન એકટ ૧૯૪૯ ના પ્રકરણ-૮ ની કલમ ૩ર (૧) હેઠળ તા. ૧-૪-૧૯૯૯ થી દરેક પ્રકારના વાહનો માટે આજીવન કર લેવાનું નકકી થયું છે. વાહન પર વેરો ભરવામાં ન આવે તો કલમ ૧૨૮ મુજબ જપ્ત કરી શકાય છે. જામ્યુકો અને વાહન વ્યવહાર કચેરી બન્ને સાથે મળી સરકારના નિયત વાહન દર તથા જીપીએમસી એકટ-૧૯૪૯ ની કલમ-૧૪૨ અન્વયે વાહનવેરો યોગ્ય માળખાની ગોઠવણી કરી વસુલ કરવામાં આવે તો જામ્યુકોને વધુ વસુલાત થઇ શકે.
પરંતુ જામ્યુકોએ વાહન કર વસુલાતનું યોગ્ય માળખું ન ગોઠવી વર્ષ ૨૦૧૧-૧૨ માં ફકત ટુ વ્હીલર વાહનનોના રૂ ૧૦.૪૩ લાખ વેરાની વસુલાત કરી છે. જયારે બાકીના વાહનોના વેરાની વસુલાત ન કરતા રૂ ૩૪૪.૮૦ લાખની વસુલાત ઓછી કર્યાનું ઓડીટ રિપોર્ટમાં ખૂલ્યું છે.